'તે મને મારી નાખશે એ ડર હતો એટલે મેં તેની હત્યા કરી દીધી', એક મિત્રએ બીજા મિત્રને પતાવી દીધો
અમદાવાદના નારોલ વિસ્તારમાં એક સામાન્ય વિવાદમાં બે મિત્રો અચાનક દુશ્મન બની ગયા. વર્ષો જૂની મિત્રતાનો દુખદ અંત આવ્યો કારણ કે એક મિત્રએ તલવારના ઘા ઝીંકી બીજા મિત્રની હત્યા કરી દીધી હતી.
Trending Photos
ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદમાં ફરી એક વખત મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. નજીવા ઝગડાની અદાવત ક્રૂર હત્યા કરી છે. થોડા દિવસ પહેલા બંને મિત્રો વચ્ચે થયેલા ઝઘડા બાદ એકબીજાને ડર સતાવી રહ્યો હતો કે જો તે તેના મિત્રને જીવતો રાખશે તો તે તેની હત્યા કરી નાખશે. જેને કારણે એક મિત્રે અન્ય મિત્રની તલવારના અસંખ્ય ઘા મારીને હત્યા કરી નાખી છે. પોલીસે હત્યા કરનાર મિત્ર ની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે.
અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા રંગોળી નગર ખુલ્લા મેદાનમાં ગઈકાલે રાત્રે એક યુવકની હત્યા થઈ હોવાનો બનાવ સામે આવ્યો હતો. મૃતક યુવકને તિક્ષણ હથિયાર વડે મોઢા પર અસંખ્ય ઘા મારી તેની હત્યા નીપજાવી હતી. જોકે પોલીસ પ્રાથમિક દ્રષ્ટિએ આ મૃતદેહ કોનો છે તે ઓળખી શકી ન હતી, જે બાદ અલગ અલગ મુદ્દાઓ પર તપાસ કરતા સામે આવ્યું કે ગ્રાઉન્ડમાંથી જેનો મૃતદેહ મળી આવ્યો છે તેનું નામ ધ્રુવેન્દ્રસિંહ રાજાસિંહ રાજાવત છે અને નારોલ વિસ્તારમાં રહે છે. જે બાદ પોલીસે વધુ તપાસ કરતા સામે આવ્યું કે મૃતક ધ્રુવેંન્દ્રસિંહ રાજાવતની હત્યા તેના જ અંગત મિત્ર રવિ બોરાણા ઉર્ફે બાપુ એ કરી હતી. મૃતકના પિતાની ફરિયાદ નોંધીને ઝોન 6 એલસીબી અને નારોલ પોલીસે આરોપી રવિ બોરાણા ઉર્ફે બાપુની ધરપકડ કરી છે
પોલીસની પ્રાથમિક તપાસમાં આવ્યું છે કે મૃતક ધ્રુવેન્દ્રસિંહ રાજવાત અને આરોપી રવિ બોરાણા બંને એકબીજા વર્ષો જૂના મિત્રો હતા. એક અઠવાડિયા પહેલા નજીવી બાબતમાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારે મૃતક ધ્રુવેન્દ્રસિંહે રાજાવત આરોપી રવિ બોરણાને માર માર્યો હતો. જે બાદ બંનેને એકબીજા દ્વારા તેમની અથવા તેમના કોઈ પરિવારજનોની હત્યા જશે તેવો ડર સતાવી રહ્યો હતો. તેમજ આરોપી રવિ બોરાણાને અગાઉ મૃતકે માર માર્યો હતો તેનો ખાર રાખી તેણે ગઈકાલે રાત્રે મૃતક ધ્રુવેન્દ્રસિંહ રાજાવત ને તલવારના અસંખ્ય ઘા મારી હત્યા નીપજાવી દીધી હતી. આરોપી રવિ બોરાણા તેમજ મૃતક ધ્રુવેન્દ્રસિંહ રાજાવત અને અન્ય મિત્રો રોજ રાત્રે ખુલ્લા મેદાનમાં બેસતા હતા તેથી આરોપી રવિ બોરાણા બદલો લેવા માટે પહેલેથી જ ગ્રાઉન્ડમાં તલવાર સંતાડી દીધી હતી અને મોકો જોઈને ગઈકાલે રાતના સમયે ધ્રુવેન્દ્રસિંહ રાજાવતની હત્યા કરી ફરાર થઇ ગયો હતો. ત્યારે ગણતરીના કલાકોમાં જ ઝોન 6 એલસીબી અને નારોલ પોલીસે નારોલ વિસ્તારમાંથી જ ઝડપી પાડ્યો હતો.
હાલ તો પોલીસે આરોપી રવિ બોરણાની ધરપકડ કરી લીધી છે. આરોપી વિરુદ્ધ અગાઉ પણ કાગડાપીઠ પોલીસ સ્ટેશન માં મારામારીનો એક ગુનો નોંધાઈ ચૂક્યો છે. જોકે પોલીસ હવે તપાસ કરી રહી છે કે ખરેખર બંને મિત્રો વચ્ચે થોડા દિવસ પહેલા થયેલી બોલાચાલી જ હત્યાનું મુખ્ય કારણ હતું કે પછી અન્ય કોઈ બાબતને લઈને હત્યા કરવામાં આવી છે. કેમકે જે રીતે એક મિત્રએ જ અન્ય મિત્રને તેના મોઢા પર તલવારના અસંખ્ય ઘા મારી ક્રૂરતાપૂર્વક હત્યા નીપજાવી છે તેને લઈને પોલીસ પણ આ અંગેનું અન્ય કોઈ કારણ છે કે કેમ તેની તપાસ કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે