બે મોટા નેતાઓના વિસ્ફોટક નિવેદનથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ; ચૂંટણી ટાણે ભાજપના 'ફુઆ' રિસાયા!

પાલિકા અને પંચાયતની ચૂંટણીઓ જાહેર થયા બાદ ભાજપમાં ઉકળતો ચરૂ હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ કહ્યું છે. હાલ ભાજપના સીનિયર નેતાઓની નારાજગી બહાર આવી રહી છે. નીતિન પટેલ અને દિલીપ સંધાણી દ્વારા એવા નિવેદન આપવામાં આવ્યા છે કે ભાજપના નેતાઓ સ્તબ્ધ થઈ ગયા.

બે મોટા નેતાઓના વિસ્ફોટક નિવેદનથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ; ચૂંટણી ટાણે ભાજપના 'ફુઆ' રિસાયા!

ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં પાલિકા અને પંચાયતની ચૂંટણીઓ જાહેર થયા બાદ ભાજપમાં કમઠાણ સર્જાય તે સ્વાભાવિક છે. ઉમેદવારોની જાહેરાત બાદ કેટલાય શહેરોમાં કાર્યકરો નારાજ હોવાના સમાચાર મળી રહ્યા છે અને ઉકળતો ચરૂ હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ કહ્યું છે. જેમ લગ્ન સમયે ઘરમાં કોઈને કોઈ રિસાય એમ ભાજપના સીનિયર નેતાઓની નારાજગી બહાર આવી રહી છે. ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા એક એવી વાત કહેવામાં આવી કે ભાજપના નેતાઓ સ્તબ્ધ થઈ ગયા હતા.

નીતિન પટેલે જાહેર મંચ પરથી નિવેદન આપ્યું હતું કે ઘણા એવા પણ લોકો છે જે ભાજપના નેતા ગણાવીને અધિકારીઓ સાથે સંબંધ ધરાવે છે અને દલાલી કરીને કરોડો કમાય છે. બીજી બાજુ ભાજપના જ ભૂતપૂર્વ મંત્રી દિલીપ સંઘાણીએ અમરેલી લેટકાંડ મુદ્દો બોમ્બ ફોડીને ખળભળાટ મચાવી દીધો છે. તેમણે ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આ કાંડમાં જે દોષિત છે તેમના નાર્કોએનોલિસિ ટેસ્ટ કરાવીને હકીકત બહાર લાવવા જણાવ્યું છે. 

ભાજપના નેતાઓ દલાલી કરીને કરોડપતિ બન્યા: નીતિન પટેલ 
નીતિન પટેલે સ્ટેજ પરથી પોતાના રમૂજી અંદાજમાં એક નિવેદન આપીને નેતાઓમાં ખળભળાટ મચાવી દીધો હતો. તેમણે કહ્યું કે આજકાલ રાજકારણમાં દલાલો ખુબ જ વધી ગયી છે, તેઓ ભાજપના કાર્યકર છું, હોદ્દેદાર છું અને નેતા છું એમ કહીને અધિકારીઓ સાથે ઓળખાણ કાઢે છે, એટલે તેમનું કામ ફટાફટ થઈ જાય છે. એવા ઘણા લોકો છે જે દલાલી કરતા કરતા આજે કરોડપતિ થઈ ગયા છે. તેમણે ઉમેર્યું હતું કે, કડીમાં એક વીખા જમીનના હાલ એક કરોડથી 5 કરોડના ભાવ બોલાય છે. કડીમાં જમીનોની કિંમતો વધી એટલે કરોડપતિ બની ગયાં. અગાઉ જમીનોના દલાલો મોટર સાયકલ લઈને ફરતાં હવે રાજકારણમાં દલાલો આવી ગયાં છે. 

આ કાંડમાં જે દોષિત છે તેમના નાર્કોએનોલિસિ ટેસ્ટ કરાવીને હકીકત બહાર લાવો: દિલીપ સંઘાણી
અમરેલી લેટરકાંડ મુદ્દે દિલીપ સંઘાણીએ સીએમને પત્ર લખીને હકીકત બહાર લાવવા જણાવ્યું છે. દિલીપ સંઘાણીએ કહ્યું કે કિશોરભાઈ કાનપરિયાનો કહેવાતો પત્ર લખાવવા મારું તથા અન્ય ભાજપા આગેવાનના નામ આપવા દબાણ કર્યું હતું તેવું મનીષભાઈ વઘાસિયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. સંઘાણીએ કહ્યું કે અમરેલી પોલીસે કોઈ અધિકારી અથવા તો કોઈ રાજકીય પદાપિકારી ના કહેવાથી આ કાર્યવાહી કરી હોય તેમ મારું માનવું છે. કોઈ સામાન્ય વ્યક્તિના ઈશારે પોલીસ આ પ્રકારનું કૃત્ય ના જ કરે. આ કેસમાં કહેવાતા સાચા કે ખોટા પત્ર સાથે મારે કોઈ લેવાદેવા નથી. દિલીપ સંઘાણીએ સીએમને પત્ર લખીને આ કાંડમાં જે દોષિત છે તેમના નાર્કોએનોલિસિ ટેસ્ટ કરાવીને હકીકત બહાર લાવવા જણાવ્યું છે. આ બાબતે હું પોતે નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર છું. તેમજ ફરિયાદી અને આ કેસ સાથે જોડાયેલા અન્ય બે ચાર વ્યક્તિના પણ નાર્કો ટેસ્ટ થવા જોઈએ. આ કેસની  ગંભીરતાને જોતા તપાસ હાઇકોર્ટના સીટિંગ અથવા નિવૃત્ત જજ દ્વારા કરાવવામાં આવે તેવી પણ માંગણી સીએમ સમક્ષ કરી છે. 

મનિષ દોશીએ આ બાબતે પ્રતિક્રિયા 
મનિષ દોશીએ કહ્યું કે, નીતિન પટેલ હાલ સ્ટેજ પરથી જે વ્યથા વ્યક્ત કરી રહ્યા છે તે હકીકતમાં ભ્રષ્ટાચારની કથા છે. તેમનું નિવેદન ભાજપાના ચાલ ચલન, ચરિત્ર અને ચહેરાને ઉજાગર કરે છે. ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈ સચિવાલય સુધી જે લૂંટ ચાલે છે એટલે કે ભાજપનો ખેસ પહેરો લુંટફાટ ચલાવો. એમાંથી અમુક ટકા પૈસા પક્ષમાં જમા કરાવો તેવી નીતિના લીધે ગુજરાતમાં વારંવાર કૌભાંડો થાય છે. 

અગાઉ આનંદીબેન આપ્યું હતું નિવેદન
અગાઉ જામનગરમાં આનંદીબેન પટેલે પણ કહ્યું હતું કે, ભાજપના અમુક કાર્યકરો કોન્ટ્રાક્ટર બની ગયા છે. એટલું જ નહીં, ભાજપના ધારાસભ્ય આર સી પટેલે પણ કહ્યું હતું કે, ભાજપના રાજમાં કામોના કોન્ટ્રાક્ટમાં બે ટકા કમિશનની પ્રથા છે. તેમણે કોન્ટ્રાક્ટરોને ઉદ્દેશીને જણાવ્યું હતું કે, પાર્ટીમાં બે ટકા કમિશન ફંડ તરીકે આપી દેવાનું. તે સિવાય ક્યાંય કોઈને પૈસા આપવાની જરૂર નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news