આ ત્રણ આરોપીઓ કરતા હતા ગુપ્ત વીડિયોના ગોરખધંધ, પૈસા લઈ વાયરલ કરતા હતા CCTV ફૂટેજ
Shocking News : મહિલાઓના ગુપ્ત વીડિયોના ઓનલાઈન સોદા કરવાનો ધંધો કરનારા ત્રણ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે માત્ર 36 કલાકમાં આ આરોપીઓની ધરપકડ કરી છે.
Trending Photos
અમદાવાદઃ યુટ્યૂબ અને ટેલીગ્રામમાં ચેનલ બનાવી મહિલાઓના આપત્તીજનક વીડિયોનો વેપાર કરી રહેલા લોકો બાબતે સૌથી મોટો ખુલાસો થયો છે. રાજકોટમાં આવેલી પાયલ હોસ્પિટલમાં મહિલાઓને ઈન્જેક્શન આપતા હોય તેવા વીડિયો પણ આ યુટ્યૂય પર અપલોડ કરવામાં આવ્યા હતા. મેઘા MBBS નામની યુટ્યૂબ ચેનલ અને મેઘા ડિમોસ ગૃપ નામની ટેલિગ્રામ ચેનલમાં મહિલાઓની જાણ બહારના અંગત CCTV ફૂટેજનો ખુલ્લેઆમ વેપાર થઈ રહ્યો છે.. જેમાં ખાનગી બાથરૂમ, જાહેર બાથરૂમ, ગાયનેક હોસ્પિટલ અને એટલું જ નહીં નદીઓમાં ધાર્મિક સ્નાન દરમિયાનના મહિલાઓના વીડિયો પણ મૂકવામાં આવ્યા હતા. આ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે.
ત્રણ આરોપીઓ ઝડપાયા
ક્રાઈમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલે આ કેસને લઈને ચોંકાવનારી માહિતી આપી છે. ક્રાઈમ બ્રાન્ચે પોતાની પત્રકાર પરિષદમાં જણાવ્યું કે સાયબર ક્રાઇમ સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમને આ વીડિયો ધ્યાને આવ્યા હતા. તાત્કાલીક ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી. રાજકોટ નર્સીંગ હોમના વીડિયો પણ તેમાં જોવા મળ્યા હતા. અમે ત્રણ મહિનાના ડેટાની તપાસ કરી હતી. આ દરમિયાન ચેનલ મહારાષ્ટ્રના લાતુરના સાંઘલીથી ચાલતી હોવાનું જાણવા મળ્યું છે.
ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું કે સ્થાનિક પોલીસની મદદથી ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં પ્રજવલ નામનો વ્યક્તિ મુખ્ય આરોપી છે. રાજેન્દ્ર પાટીલ બીજો આરોપી છે. આ લોકો ટેલીગ્રામ ચેનલ પર રૂપિયા લઈ વીડિયો આપતા હતા. આરોપીઓને લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગુજરાત આવવા માટે રવાના થઈ ગઈ છે. શરદ સિંઘલે જણાવ્યું કે માત્ર રાજકોટ જ નહીં અન્ય હોસ્પિટલના સીસીટીવી હેક થવાની આશંકા છે.
ક્રાઈમ બ્રાન્ચના જેસીપીએ જણાવ્યું કે રોમાનિયા અને એટલાન્ટાના હેકર્સના સંપર્કમાં આ આરોપીઓ હતા. આ ત્રણેય આરોપીઓ એક વર્ષથી આ પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યાં હતા. ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું કે હજુ સુધી હોસ્પિટલના સ્ટાફની કોઈ ભૂમિકા સામે આવી નથી. આરોપીઓના યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની પણ તપાસ કરવામાં આવશે. એક વીડિયો માટે 800 રૂપિયાથી લઈ 2000 રૂપિયા સુધી ચાર્જ લેતા હતા.
ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું કે ડિસેમ્બર મહિનાથી રાજકોટની પાયલ હોસ્પિટલના વીડિયો હેક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. જેમાં માર્ચ મહિનામાં આરોપીઓને સફળતા મળી હતી. ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું કે લાતુર, ગુડગાંવ અને પ્રયાગરાજથી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો ભાડાના મકાનમાં આ કામગીરી કરી રહ્યાં હતા.
આ આરોપીઓ ઝડપાયા
ક્રાઈમ બ્રાન્ચે આવેલી માહિતી પ્રમાણે એક આરોપીનું નામ પ્રજવલ અશોક તૌલી છે, જે ધોરણ 12 પાસ છે. બીજો આરોપી વ્રજ રાજેન્દ્ર પાટીલ છે, જે પણ ધોરણ 12 સુધી ભણેલો છે. જ્યારે ત્રીજો આરોપી ચંદ્રપ્રકાશ મૂલચંદ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ત્રણેય આરોપીઓને ગુજરાત લાવી આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે