ભૂપેન્દ્ર પટેલને ક્યાં વિરોધીઓની જરૂર છે, ભાજપના નેતાઓએ સરકારની કરી ઉંઘહરામ

Gujarat Government : અસલી વિપક્ષ તો ભાજપની અંદર જ સત્તાધારી પાર્ટીમાં ઉભો થયો છે. ધીમેધીમે સરકાર આગળ વધી રહી છે, એમ એક પછી એક સભ્યો સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યાં છે
 

ભૂપેન્દ્ર પટેલને ક્યાં વિરોધીઓની જરૂર છે, ભાજપના નેતાઓએ સરકારની કરી ઉંઘહરામ

Gujarat Government : ગુજરાતમાં 156 સીટો જીત્યા બાદ ભાજપ મદમાં રાચતું હતું. વિરોધ પક્ષને વિપક્ષમાં બેસવા જેટલી સીટો પણ ન મળતાં ભાજપે વિરોધ પક્ષના નેતાનું પદ આપ્યું નથી. કોંગ્રેસે ભલે ધમચાકડી મચાવી વિરોધપક્ષના નેતા તરીકે અમિત ચાવડાનું નામ જાહેર કરી દીધું પણ ભાજપ આ પદ આપવાના બિલકુલ મૂડમાં નથી. વિરોધ પક્ષના નેતાને ઘર, ઓફિસ સહિતની સુવિધાઓ મળે છે. જે ભાજપ કોંગ્રેસને ન મળે એ માટે પૂરતા પ્રયાસોમાં છે. હવે આ મામલો વિધાનસભાના અધ્યક્ષ પાસે છે. સરકાર સામે અવાજ ઉઠાવનાર વિપક્ષ ન હોવાથી ભૂપેન્દ્ર પટેલ સરકાર માટે વન વે રસ્તો ક્લિયર છે. આ વખતે સરકાર કોઈ પણ નિર્ણય લઈ શકે છે. કોંગ્રેસ ફક્ત વિરોધ કરી શકે છે પણ ભાજપને રોકવાનો એમની પાસે પાવર નથી. 

ધારાસભ્ય કેતન ઇનામદાર ભ્રષ્ટાચાર સામે તંત્રની સામે પડ્યાં
ગુજરાતમાં ખૂબ જ અલ્પ બેઠકો ધરાવતી કોંગ્રેસને પદ મળે કે ન મળે પણ હવે અસલી વિપક્ષ તો ભાજપની અંદર જ સત્તાધારી પાર્ટીમાં ઉભો થયો છે. ધીમેધીમે સરકાર આગળ વધી રહી છે, એમ એક પછી એક સભ્યો સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યાં છે. ભાજપના ચૂંટાયેલા સભ્યો ખુલ્લેઆમ સિસ્ટમની સામે પડી રહ્યાં છે. તેઓ સરકારને ખુલ્લેઆમ ચેલેન્જ ફેંકી રહ્યાં છે. કોંગ્રેસ અને આપ તો મૌની બાબા બની જતાં ભાજપ ખુશ હતું, પણ આ તો ઘરકા ભેદી લંકા ઢાયેની જેમ ભાજપના સભ્યો જ સરકારી તંત્ર અને સિસ્ટમ સામે અવાજ ઉઠાવી સરકારના નાકમાં દમ લાવી રહ્યાં છે. વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર અધિકારીઓ બરોડા ડેરીના ભ્રષ્ટાચાર સામે તંત્રની સામે પડ્યાં છે. આ અગાઉ તેઓ સરકારને અનેક ધમકીઓ આપી ચૂક્યાં છે. 

આ પણ વાંચો : 

મનસુખ વસાવા પણ લાલઘૂમ
એવી જ રીતે ભરૂચના સાંસદ મનસુખ વસાવા આદિવાસીઓને નડતા પ્રશ્નો અંગે મુખ્યમંત્રીને નહીં સીધા વડાપ્રધાનને પત્ર લખે છે. આ આજની વાત નથી. મનસુખ વસાવા સ્થાનિક સરકાર સામે ઘણા સમયથી નારાજ છે અને તેઓ બળાપો કાઢતા રહે છે.  તાજેતરમાં તેમણે નર્મદા, મહિસાગર, ઓરસંગ નદીઓને રાજકીય વગ અને પીઠબળ ધરાવતા સેન્ડ માફિયાઓના હાથમાંથી બચાવવા વડાપ્રધાનને હસ્તક્ષેપ કરવા પત્ર લખી વિનંતી કરી છે. 

કુમાર કાનાણીએ અવાજ ઉઠાવ્યો
ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી પણ સતત સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યાં છે. જેઓ  સ્થાનિક વહીવટી તંત્ર સામે સવાલ ખડા કરી રહ્યાં છે. અગાઉ તેમણે એવો આરોપ મૂક્યો હતો કે અધિકારીઓની નિષ્ક્રિયતાના કારણે ૨૫ વર્ષથી કામો થઇ રહ્યાં નથી. એવી જ રીતે થોડાં સમય પહેલાં ઉના બેઠકના ધારાસભ્ય કેસી રાઠોડે તો એવો આરોપ મૂક્યો હતો કે ગુજરાતમાં બુટલેગરો અને જમીન માફિયાઓ તરફથી મને જાનથી મારી નાંખવાની ધમકી મળે છે. આમ ભાજપના નેતાઓ જ ભાજપ માટે મુસિબત ઉભી કરી રહ્યાં છે.

હાર્દિક પટેલનો સરકાર સામે મોરચો
એક સમયે આંદોલન થકી આનંદીબેનને સત્તામાંથી ઉતારી દેનાર હાર્દિક પટેલે હવે સરકાર સામે મોરચો માંડવાની ચિંમકી આપી છે. દેશી કપાસના તોલમાપમાં વેપારીઓ ખેડૂતોનું શોષણ કરી રહ્યાં છે. ભાજપના જ ધારાસભ્ય હાર્દિક પટેલે કૃષિમંત્રીને પત્ર લખી ખેડૂતો માટે આંદોલન શરૂ કરવાની ચિંકી આપી છે. તેણે પત્ર લખ્યો છે કે દેશી કપાસનો ટેકાના ભાવમાં સમાવેશ કરાયો નથી એટલે ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે. વેપારીઓને થતા અન્યાય સામે આંદોલનની ચિંમકી ઉચ્ચારી ભાજપ સરકારને હાર્દિક પટેલે ભરાવી છે.

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news