વિવાદિત કોમેડિયન સમય રૈનાના ગુજરાતમાં તમામ શો રદ્દ, અમદાવાદ, વડોદરા અને સુરતમાં થવાનું હતું આયોજન

સમય રૈનાના શો દરમિયાન રણવીર ઇલાહાબાદિયાની અશ્લીલ ટિપ્પણીને કારણે લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ગુજરાતમાં આગામી સમયમમાં યોજાનારા સમય રૈનાના તમામ શો રદ્દ કરી દેવામાં આવ્યા છે. 

  વિવાદિત કોમેડિયન સમય રૈનાના ગુજરાતમાં તમામ શો રદ્દ, અમદાવાદ, વડોદરા અને સુરતમાં થવાનું હતું આયોજન

અમદાવાદઃ યુટ્યૂબ પર અભદ્રતા ફેલાવી રહેલા સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈના આ સમયે વિવાદોમાં ઘેરાયેલો છે. તાજેતરમાં સમય રૈનાના શોમાં રનવીર ઇલાહાબાદિયાએ અશ્લીલતા ફેલાવી હતી. જેને લઈને ચારેતરફ રણવીર ઇલાહાબાદિયા, સમય રૈના, અપૂર્વ મખીજા સહિતના લોકો વિવાદમાં ઘેરાયેલા છે. આ વચ્ચે ગુજરાતમાં સમય રૈનાના તમામ શો રદ્દ કરી દેવામાં આવ્યા છે. 

ગુજરાતમાં યોજાનારા તમામ શો રદ્દ
વિવાદાસ્પદ સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈનાના આગામી સમયમાં ગુજરાતમાં યોજાનારા તમામ શો રદ્દ કરી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં સમય રૈનાના યોજાનારા શોનું નામ 'સમય રૈના અનફિલ્ટર્ડ' રાખવામાં આવ્યું હતું. બુકમાય શો પર આ શોની ઓનલાઈન ટિકિટો વેચવામાં આવી રહી હતી. જેનો ભાવ 999 રૂપિયા રાખવામાં આવ્યો હતો. 

વિવાદ બાદ લેવાયો નિર્ણય
આ સ્ટેન્ડઅપ કોમેડિયન વિરુદ્ધ દેશમાં અલગ-અલગ જગ્યાએ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. આ વિવાદ બાદ ગુજરાતમાં શો રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર ગુજરાતમાં અમદાવાદ, સુરત અને વડોદરામાં સમય રૈનાના શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં 19 અને 20 એપ્રિલે આ શો યોજાવાનો હતો. જ્યારે સુરતમાં 17 એપ્રિલે શો યોજાવાનો હતો. 

ગુજરાતમાં આ શોનું આયોજન સુરતના ઈવેન્ટ ઓર્ગેનાઇઝર નીરવ રાજગોર દ્વારા કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં ઓડાના ઓડિટિરિયમમાં યોજાનારા શો અંગે આયોજક નીરવ રાજગોરે જણાવ્યું કે હવે અમદાવાદમાં આ શોનું આયોજન થશે નહીં. સમય રૈનાના કોમેડી શોમાં ફેલાવવામાં આવેલી અભદ્રતા બાદ ગુજરાતમાં શો રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news