સુરત ટેક્સટાઇલ માર્કેટમાં 10 કલાક બાદ પણ આગ બેકાબૂ, અનેક દુકાનો બળીને ખાક, વેપારીઓને કરોડોનું નુકસાન
સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ પર હજુ કાબૂ મેળવી શકાયો નથી. સવારથી લાગેલી આગ એટલી ભયંકર છે કે ફાયરની 20થી વધુ ગાડીઓ હજુ સુધી કાબૂ મેળવી શકી નથી.
Trending Photos
સુરતઃ સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં બેઝમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. 10 કલાક કરતા વધુ સમય બાદ આગ પર કાબૂ મેળવી શકાયો નથી. આગને કારણે 800થી વધુ દુકાનોમાં 40 કરોડથી વધુનું નુકસાન થયું છે. શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં સવારે 7 કલાક આસપાસ આગની ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં 20થી વધુ ફાયરની ગાડીઓ પહોંચી હતી.
કાપડના વેપારીઓને નુકસાન
સુરતમાં આજે સવારે ટેક્સટાઇલ માર્કેટમાં આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે દૂર-દૂરથી ધૂમાડો જોવા મળી રહ્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમો પહોંચી હતી. આગને કાબૂમાં લેવા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આગને કારણે વેપારીઓને મોટું નુકસાન થયું છે. કાપડનો માલ બળીને ખાક થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં એકનું મોત થવાની પણ માહિતી સામે આવી છે.
આગની ઘટના વિશે માહિતી આપતા ફાયર ઓફિસરે જણાવ્યું કે સવારે 8.30 કલાક આસપાસ આગની માહિતી મળી હતી. તેમણે કહ્યું કે બેઝમેન્ટમાં આગ લાગ્યા બાદ આખું બિલ્ડિંગ ઝપટે આવી ગયું હતું. તેમણે કહ્યું કે આ બિલ્ડિંગનું સ્ટ્રક્ચર ધીમે-ધીમે નબળું પડી રહ્યું છે.
આગની ઘટના અંગે વાત કરતા શિવશક્તિ માર્કેટના એક વેપારીએ જણાવ્યું કે અમારી દુકાન ત્યાં આવેલી છે. આ માર્કેટમાં કુલ 853 દુકાનો છે. તેમણે કહ્યું કે આગ એટલી ભયંકર હતી કે કાબૂ મેળવવા માટે કલાકો લાગી ગયા હતા. તેમણે કહ્યું કે અહીં મોટા ભાગની દુકાનો બળી ગઈ છે. તેમણે કહ્યું કે આ ભયંકર આગને કારણે વેપારીઓને આશરે 300થી 400 કરોડ રૂપિયાનું નુકસાન થયું હશે.
અન્ય એક વેપારીએ જણાવ્યું કે અમારી દુકાન છે તેમાં પણ આગ લાગી છે. તેમણે કહ્યું કે મોટા ભાગની દુકાનોમાં માલ ભરેલો હતો. અમારી દુકાનમાં સ્ટોક હતો. આ વેપારીએ પણ કહ્યું કે આગને કારણે ભારે નુકસાન ગયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે