પાણીપુરીને પકોડી સિવાય બીજા કયા-કયા નામે ઓળખવામાં આવે છે? દરેક નામ સાથે જોડાયેલી છે એક અલગ કહાની
આપણે પાણીપુરીની લારી પર જુદા-જુદા ફ્લેવરની પાણીપુરી મોજથી આરોગતા હોઈએ છીએ, પરંતુ જાણીએ છીએ કે અન્ય પ્રાંતોમાં આ પાણીપુરીઓ જુદા જુદા નામે ઓળખાય છે, અને તેને બનાવવાની રીત પણ અલગ છે..
Trending Photos
નવી દિલ્લીઃ પાણીપુરી એક એવું સ્વાદિષ્ટ વ્યંજન છે, જે ભાગ્યેજ કોઈ એવું હશે કે તેને પસંદ નહીં આવતી હોય.. કોઈ વાનગી ખાસ રાજ્ય કે પ્રદેશ માટે જાણિતી હોય કે તે પ્રદેશ પૂરતી સિમિત હોય પરંતુ પાણીપુરી એવી વાનગી છે જે કાશ્મીરથી લઈને કન્યાકુમારી તો ગુજરાતથી લઈને અસમ સુધી મળી રહે મતલબ કે આખા ભારતની સર્વસ્વીકૃત વાનગી છે... હા પણ તેના નામ બધે સરખા નથી, અને ક્યાક તેની બનાવવાની રીત પણ અલગ છે.... અહીં સ્વાદિષ્ટ પાણીપુરીની એવી જ રસપ્રદ વાતો, જાણીએ કયા રાજ્યમાં પાણીપુરી કયા નામથી ફેમસ છે...
પાણીપુરી-
દેશના મોટાભાગના વિસ્તારોમાં તેમજ દુનિયામાં પણ સૌથી વધારે પાણીપુરી નામ ફેમસ છે.. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કર્ણાટક, તમિળનાડુ અને નેપાળમાં પણ તેને પાણીપુરીના નામે જ ઓળખવામાં આવે છે. જોકે, તેનું નામ ભલે સરખું હોય, પરંતુ તેનો સ્વાદ બધે અલગ-અલગ છે. મુંબઈમાં રગડાવાળી પાણીપુરી મળે છે, જ્યારે મધ્ય પ્રદેશમાં મીઠી આંબલીની ચટણીવાળી પાણીપુરી પળે છે અને તેમાં રગડો ઉમેરાય છે. બેંગલોરમાં પાણીપુરીના મસાલામાં ડુંગળી પણ ઉમેરવામાં આવે છે.
પકોડી-
ગુજરાતમાં પકોડીના નામથી વધારે ઓળખાય છે પરંતુ હવે લોકબોલીમાં પાણીપુરી શબ્દ સૌથી વધારે પ્રચલિત છે. પકોડી નામ માત્ર ગુજરાતમાં ઉપયોગમાં લેવાય છે. ગુજરાતમાં બટાકા-ચણાની સાથે રગડાવાળી પાણીપુરી કોમન છે. પકોડીમાં ક્યાક સેવ ઉમેરવામાં આવે છે, ક્યાંક ધનિયા ઉમેરાય છે તો કોઈક સ્થળે ઉનાળામાં કાચી કેરીનો પણ ઉપયોગ કરાય છે. તીખી તમતમતી પકોડી ખાવાની મજા જ કઈક અલગ છે.. કેટલાક સ્થળોએ બાફેલા મગની પકોડી મળે છે, પકોડીનું નામ લઈએ અને મોંઢામાં પાણી ન આવે તે કેવી રીતે બને?
ગોલગપ્પા-
ઉત્તર ભારતમાં પાણીપુરી ગોલગપ્પાના નામથી ઓળખવામાં આવે છે. હરિયાણા સિવાયના ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં પાણીપુરીને ગોલગપ્પા કહેવાય છે. ગોલગપ્પાનો સ્વાદ અને ફ્લેવર આપણી પકોડી જેવો જ હોય છે. મહારાષ્ટ્ર અને મુંબઈમાં જેમ વડાપાંઉ લોકોની પહેલી પસંદ છે તેમ ઉત્તરમાં ગોલગપ્પા હોંશે હોંશે ખવાય છે. ગોલગપ્પાની દુકાન કે ખૂમચામાં કાયમ તમને ભીડ જોવા મળે. ગોલગપ્પા રગડાના, બટાકાના કે પછી ચણાના હોઈ શકે. તેનાં પાણીમાં મિન્ટ અને ઢગલાબંધ મસાલા હોય છે. ગોલગપ્પાની પુરી એકદમ ગોળ નથી હોતી.
પુચકા-
ભારતના પૂર્વ વિસ્તાર જેવા કે પશ્ચિમ બંગાળ અને આસામમાં પણ પાણીપુરી હોંશે હોંશે ખવાય છે અને તેને 'પુચકા'ના નામથી ઓળખવામાં આવે છે. બાંગ્લાદેશમાં પણ તે પુચકાના જ નામે ઓળખાય છે. જોકે, ટેસ્ટ અને બનાવટમાં પુચકા પાણીપુરીથી થોડા અલગ છે. પુચકામાં બાફેલા ચણા અને બટાકા હોય છે તેની ચટણી અને પાણી પણ તીખું તમતમતું હોય છે. પરંતુ પુચકાની સાઈઝ પાણીપુરી કરતા મોટી હોય છે, પુચકાનો રંગ ડાર્ક હોય છે. બિહાર અને ઝારખંડમાં પણ તેને પુચકાના નામે જ ઓળખવામાં આવે છે.
પાની કે પતાશે-
હરિયાણામાં તેને 'પાની કે પતાશે'ના નામથી ઓળખવામાં આવે છે. 'પાની કે પતાશે'નો સ્વાદ આપણી પાણીપુરી જેવો જ હોય છે. કેટલાક વિસ્તારોમાં સ્ટફિંગ સરખું હોય તો પાણી અલગ હોય છે.
પતાશી-
પાણીપુરીનું અન્ય નામ છે 'પતાશી', ઉત્તર પ્રદેશમાં અને રાજસ્થાનમાં તેને પતાશીના નામથી ઓળખવામાં આવે છે. લખનઉમાં તેને 'પાની કે બતાશે'ના નામથી ઓળખવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં પતાશીના પાંચ પ્રકારના પાણી મળે છે જેથી તેને પાંચ સ્વાદ કે બતાશે કહેવાય છે. આ પાણી મોટાભાગે કાચી કેરીમાંથી બનાવાય છે.
ગુપચુપ-
પકોડીનું અન્ય એક નામ ગુપચુપ પણ છે, સાંભળીને આ નામ આપણને હાસ્યાસ્પદ લાગે... ઓડિશા, ઝારખંડનો દક્ષિણ ભાગ, છત્તીસગઢ, હૈદરાબાદ અને તેલંગણામાં તેને ગુપચુપ કહેવાય છે. પાણીપુરીનું નામ ગુપચુપ કેમ પડ્યું તેની વાર્તા રસપ્રદ છે... તેને ખાઓ ત્યારે મોઢામાં પૂરી તૂટે છે અને આખા મોઢામાં પાણી ફેલાઈ જાય છે અને તેને ચાવતી વખતે ગુચપુચ એવો અવાજ આવે છે જેના કારણે તેને ગુપચુપ કહેવાય છે. મોટાભાગે તેને બાફેલા ચણાથી બનાવાય છે. તેમાં ડુંગળી પણ ઉમેરવામાં આવે છે.
ફુલકી-
ઉત્તર પ્રદેશના કેટલાક પૂર્વ વિસ્તારમાં અને નેપાળમાં પાણીપુરીને ફુલકી તરીકે પણ ઓળખવામાં આવે છે. નામ ભલે અલગ છે પરંતુ તેનો સ્વાદ અને બનાવવાની રીત પાણીપુરી જેવી જ છે.
ટીક્કી-
મધ્યપ્રદેશના હોશંગાબાદમાં પાણીપુરીને ટીક્કી તરીકે ઓળખવામાં આવે છે. આપણામાં ટીક્કી એટલે આલુ ટીક્કી. અહીં ટીક્કી એટલે સ્વાદિષ્ટ પુરી.. જેમાં બાફેલા બટાકાનો મસાલો હોય છે અને તેને ટેસ્ટી પાણીથી ભરીને પીરસવામાં આવે છે.
પડાકા-
પાણીપુરીનું એક નામ પડાકા પણ છે. પડાકા નામ ઉત્તરપ્રદેશના અલીગઢમાં ખૂબ પ્રચલિત છે. પ્રચલિત છે. તેનો ટેસ્ટ પણ આપણી પકોડી જેવો જ હોય છે.
વોટર બોલ્સ-
અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે તેઓને પાણીપુરીને અંગ્રેજીમાં અન્ય કયું નામ આપવું તેની ખબર રહી નહીં, જેથી તેઓ તેને વોટર બોલ્સ કહેવા લાગ્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે