હાથ જોડીને કહ્યું ન જવું જોઈએ અમેરિકા, USથી પરત આવેલા આ ગુજરાતીએ વર્ણવી પોતાની આપવીતી

અમેરિકાએ 100થી વધુ ભારતીયોને બહાર કાઢ્યા છે. વિવિધ રાજ્યોના 104 ગેરકાયદેસર પ્રવાસીઓને લઈને એક અમેરિકી સૈન્ય વિમાન બુધવારે અમૃતસર પહોંચ્યું હતું. આ પ્લેનમાં 33 ગુજરાતીઓ પણ સામેલ હતા.
 

હાથ જોડીને કહ્યું ન જવું જોઈએ અમેરિકા, USથી પરત આવેલા આ ગુજરાતીએ વર્ણવી પોતાની આપવીતી

અમદાવાદઃ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિની કમાન સંભાળવાની સાથે એક બાદ એક મોટા નિર્ણયો લેવાનું શરૂ કર્યું છે. અમેરિકા ગેરકાયદેસર રહેતા વિવિધ દેશના નાગરિકોને બહાર કાઢી રહ્યું છે. આ કડીમાં ભારતના 105 નાગરિકોને પણ પરત મોકલી દેવામાં આવ્યા છે. જેમાં 33 ગુજરાતીઓ પણ સામેલ હતા. દેશભરમાં આ મુદ્દે વિવિધ ચર્ચા થઈ રહી છે. આ વચ્ચે અમેરિકાથી પરત આવેલા એક ગુજરાતીએ પોતાનો અનુભવ વર્ણવ્યો છે. 

અમેરિકામાંથી હાંકી કઢાયેલા 33 ગુજરાતીઓ પોતાના ઘરે પહોંચી ગયા છે. આ વચ્ચે એક વ્યક્તિએ પોતાનો અનુભવ વ્યક્ત કર્યો છે. આ વ્યક્તિએ કહ્યું કે અમે 20 મહિનાનો સમય રસ્તામાં અને સાત દિવસ કેમ્પમાં પસાર કર્યાં હતા. તેણે કહ્યું કે આપણા દેશમાં સુરક્ષિત લાગે છે, અમે બીજા દેશમાં સમસ્યાનો સામનો કર્યો છે. તેણે કહ્યું કે મેક્સિકોમાં થોડો ડર લાગ્યો હતો. 

આ વ્યક્તિએ ખાવા-પીવા અંગે જણાવ્યું અમને એક કેમ્પમાં રાખવામાં આવ્યા હતા. ત્યાં અમને ખાવાપીવાનું આપવામાં આવ્યું હતું. પરંતુ અમને સાત દિવસ સુધી અમારા બાળકથી અલગ રાખવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે અમે ભારત પહોંચ્યા તો શાંતિ થઈ કારણ કે આ અમારો દેશ છે. તેણે કહ્યું કે તમે અહીં નાની-મોટી નોકરી કરો તે સારૂ છે, પરંતુ બીજા દેશમાં જવું ખુબ મુશ્કેલ છે.

અમેરિકી પોલીસના વ્યવહાર પર આ વ્યક્તિએ જણાવ્યું કે અમારી સાથે સારો વ્યવહાર કર્યો હતો. બાળકોને કોઈ મુશ્કેલી થવા દીધી નહીં. તેણે કહ્યું કે અમે ત્યાંથી નિકળ્યા તો અમારા હાથ અને પગમાં હાથકડી લાગેલી હતી. આ અમારા માટે પરેશાનીવાળી વાત હતી. તેણે કહ્યું કે મારી પત્નીના પગમાં પણ હાથકડી હતી. 

અમેરિકા પહોંચવા અંગે આ વ્યક્તિએ કહ્યું કે અમે દિલ્હીથી પેરિસ ગયા, અમારી પાસે પેરિસના કાયદેસરના વિઝા હતા. પેરિસથી અમે મેડ્રિડ પહોંચ્યા હતા અને ત્યાંથી ફ્લાઇટમાં સાલ્વાડોર ગયા. સાલ્વાડોરથી અમે ટેક્સી, કાર અને ટ્રકમાં યાત્રા કરતા મેક્સિકો પહોંચ્યા હતા. મેક્સિકો પહોંચી અમે તનુજા સરહદ પાર કરી અને ત્યાં અમેરિકી સરહદ સુરક્ષા દળના હવાલે થઈ ગયા હતા. અમારી પાસે જે પણ હતું બેગ, ફોન બધુ જપ્ત કરી લેવામાં આવ્યું હતું. ત્યાંથી અમને કેમ્પમાં લઈ જવામાં આવ્યા હતા. 

ફરી અમેરિકા જવાના સવાલ પર આ વ્યક્તિએ કહ્યું કે જો તમને ગાંધીનગર, અમદાવાદ કે અન્ય જગ્યાએ નોકરી મળી જાય તો તમે પરિવારની સાથે જીવન પસાર કરી શકો છો. તેણે કહ્યું કે હું તો કહીશ કે ત્યાં ન જવું જોઈએ. અમે ખુબ મુશ્કેલી સહન કરી છે, બાળકોએ પણ દુખ સહન કર્યું છે. તેથી આપણો દેશ છોડી અમેરિકા ન જવું જોઈએ.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news