મહાશિવરાત્રીના દિવસે સોમનાથના દરિયા કાંઠે 3500થી વધુ ભકતોએ લીધો આ લાભ, ટ્રસ્ટનું સુંદર આયોજન
મહાશિવરાત્રી પર્વે સમુદ્ર તટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા 3500થી વધુ ભકતોને કરાવાયું પાર્થેશ્વર શિવલિંગનું મહાપૂજન. રત્નાકર સમુદ્રના તટ પર ભાવિકોની પાર્થેશ્વર મહાપૂજાનું ત્રીજુ વર્ષ. સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર 251₹ માં પાર્થેશ્વર પુજન આયોજનને લઈ શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ. ભકતોને પાર્થિવ શિવલિંગ પંચમહાભૂતની પૂજા, ટ્રસ્ટ ઇકોફ્રેન્ડલી અભિગમ સાથે પૂજા સામગ્રી ઉપલબ્ધ કરાવાશે.
Trending Photos
ઝી બ્યુરો/ગીર સોમનાથ: મહાશિવરાત્રી એટલે ભોળાનાથના ભક્તો માટે વર્ષનો સૌથી મોટો મહોત્સવ. મહાશિવરાત્રીના પર્વ પર શિવભક્તો મહાદેવની અનેકવિધ પ્રકારે આરાધના કરતા હોય છે. અને તેમાં પણ વિશેષ રૂપે જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં શિવ પૂજનનું શાસ્ત્રમાં પણ અનેરૂ મહાત્મય વર્ણવવામાં આવ્યું છે. લાખો લોકો મહાશિવરાત્રી પર્વે સોમનાથ આવેલ હોય ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા દરેક પરિવાર નજીવા શુલ્ક સાથે પૂજાનો લાભ લઈ શકે તેવી ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના અંતર્ગત સોમનાથ મારુતિ બીચ ખાતે 3500 થી વધુ ભક્તોને શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે પાર્થિવ શિવલિંગની પૂજા કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટના વિઝન સાથે શ્રી સોમનાથ ટ્રસ્ટ ઇકો ફ્રેન્ડલી અને ઝીરો વેસ્ટ પૂજા તરીકે પાર્થિવેશ્વર શિવલિંગ પૂજા શ્રદ્ધાળુઓને કરાવે છે. માટીનું બનેલું શિવલિંગ સનાતન ધર્મમાં પ્રકૃતિ પ્રેમ અને સ્વચ્છતા તેમજ ત્યાગનું પ્રતિક હોય વેદોક્ત મંત્રોચાર સાથે પૂજન તો કરાવવામાં આવ્યું જ સાથે સાથે શિવજીને પ્રિય આ શ્લોકોનો ભાવાનુંવાદ કરીને દર્શનાર્થીઓને પૂજા પદ્ધતિની તલસ્પર્શી માહિતી પણ આપવામાં આવી હતી. આ પૂજા નો ભાગ બની હજારો પરિવારો ધન્ય બન્યા હતા.
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા 3500 થી વધુ શ્રદ્ધાળુઓને પંચમહાભૂત ની અનુભૂતિ કરાવતી શિવજીના સૌથી પવિત્ર સ્વરૂપ એવી પાર્થીવેશ્વર શિવલિંગની પૂજા કરાવવામાં આવેલ. જેમાં ભક્તે માત્ર 251₹ ની ન્યોછાવર રાશિમાં આસન, પૂજા સામગ્રી, માટીનું શિવલિંગ, સહિત તમામ વ્યસ્થા પુરી પાડવામાં આવી હતી. સોમનાથ ટ્રસ્ટ પ્રકૃતિ અને આધ્યાત્મ બંને ને સાથે રાખીને સનાતન ધર્મની પ્રકૃતિપ્રેમ ની વિસ્તૃત વિચારધારા દર્શાવનાર અનેકવિધ પ્રકલ્પો ચલાવી રહ્યું છે. જેમાં સૌથી અદભુત પ્રકલ્પો માનું એક છે પાર્થિવ શિવલિંગ પૂજન. આ પૂજા ગત 3 વર્ષથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા હજારો ભક્તોને સોમનાથ મંદિરના સાનિધ્યમાં પ્રોમોનેડ વોક-વે પર મારુતિ બીચ મહાશિવરાત્રીના પર્વ પર આ વિશેષ પૂજા કરાવવામાં આવી રહી છે.
જેમાં આકાશ, અગ્નિ, જલ, પૃથ્વી, અને હવા એમ પંચ મહાભૂતની પૂજા સાથે અભિમંત્રિત માટી દ્વારા નિર્મિત પાર્થિવ શિવલિંગ દ્વારા ભકતોને વિસ્તૃત પૂજા કરાવવામાં આવી હતી. જે ભક્તો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ વર્ષે શ્રદ્ધાળુઓની લાગણીઓને ધ્યાને લઈ વધુ ભવ્યતા સાથે એક સ્તર ઉપર જઈને આ વર્ષે વધુ મોટી માત્રામાં ભકતોને પૂજાનો લાભ મળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 3500 થી વધુ ભક્તોએ આ પૂજાનો લાભ લીધો હતો. આ પૂજામાં દંપતીને બેસવા માટેની આસન વ્યવસ્થા, પાર્થિવ શિવલિંગ, ઇકો ફ્રેન્ડલી પંચપાત્ર, આચમની, તરભાણું, ફળ સાથે પૂજા સામગ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી પૂરી પાડવામાં આવેલ હતી. શાસ્ત્રો અનુસાર, આવી જ પાર્થિવેશ્વર પૂજા ભગવાન શ્રી રામ અને માતા સીતા દ્વારા ગંગા પાર કરતી વખતે કરવામાં આવી હતી. તેમજ પાંડવ પુત્ર અર્જુને ભગવાન શિવના પાર્થિવ લિંગની પૂજા કરી હોવાનો ઉલ્લેખ છે. આ રીતે શિવના પાર્થિવ લિંગની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તેની શાસ્ત્રો સાબિતી આપે છે.
શાસ્ત્રોકત નીતિ નિયમ અનુસાર આમંત્રણ આપેલી પવિત્ર ભૂમિમાંથી ખનન કરીને મંત્રોચ્ચાર સાથે નિર્માણ કરાયેલ શિવજીના પાર્થિવેશ્વર શિવલિંગ, પૂજા સામગ્રી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભકતોને આપવામાં આવેલ. મહાશિવરાત્રી ના પર્વે સોમનાથ મંદિર પરિસર નજીક પ્રમોનેડ વોક-વે પર મારુતિ બીચ ખાતે આ વિશેષ પૂજાનું સુંદર આયોજન કરાયેલ હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે