‘તું મારી છોકરી સાથે વાત કેમ કરે છે’, કહી યુવતીના પિતાએ યુવકને 4 સેકન્ડમાં છરીના 5 ઘા ઝીંક્યા
ભાવનગર શહેરમાં આવેલી પ્રતિષ્ઠિત OAJ ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ઇન્સ્ટિટયૂટની અંદર જ એક વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે, જેના પગલે સંસ્થાની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
Trending Photos
નવનીત દલવાડી/ભાવનગર: શહેરના સીદસર રોડ પર આવેલી ઓઝ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર એક યુવતીના પિતાએ છરી વડે હુમલો કરતા હોસ્પિટલ ખસેડાયો છે. વિદ્યાર્થી યુવતી સાથે ફોન પર વાત કરતો હોય જેને લઇને યુવતીના પિતાએ વિદ્યાર્થીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે વાતચીત દરમ્યાન યુવતીના પિતાએ ઉશ્કેરાઈ જઈને ઇન્સ્ટિટ્યૂટની અંદર જ વિદ્યાર્થીને છરીના ત્રણથી ચાર ઘા ઝીંકી દીધા હતા, ઘટનાને પગલે પોલીસે ફરિયાદ દાખલ કરી આરોપીને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર જિલ્લાના મહુવામાં રહેતો વિદ્યાર્થી ભાવનગર શહેરના સીદસર રોડ પર આવેલી ઓઝ્ ઇન્સ્ટિટ્યૂટમાં રી-નીટનો અભ્યાસ કરી રહ્યો છે, જેમાં તેની સાથે અભ્યાસ કરી રહેલી એક યુવતી સાથે ફોનમાં વાત કરતો હોવાની જાણ થતાં યુવતીના પિતા ઓઝ ઇન્સ્ટિટ્યૂટ ખાતે પહોંચ્યા હતા. જ્યાં વિદ્યાર્થીને સમજાવટ માટે શૈક્ષણિક સંકુલના મિટિંગ રૂમમાં બોલાવવામાં આવ્યો હતો, જ્યાં યુવતી અને ઓઝ ઇન્સ્ટિટ્યૂટ ના શિક્ષક ની હાજરીમાં યુવતીના પિતા વિદ્યાર્થીને પાસે બેસાડી સમજાવતા હતા.
વાતચીત દરમ્યાન યુવતીના પિતા ઉશ્કેરાઈ ગયા હતા અને ત્યાં હાજર રહેલા કઈ સમજે એ પહેલા અચાનક તેના પડખામાંથી છરી જેવું તીક્ષ્ણ હથિયાર કાઢી વિદ્યાર્થી પર તુટી પડયા હતા. વિદ્યાર્થી પોતાનો બચાવ કરે એ પહેલાં પિતા વિદ્યાર્થીના સાથળ અને પીઠના ભાગે તીક્ષ્ણ હથિયારના ત્રણથી ચાર ઘા ઝીંકી દેતા વિદ્યાર્થી લોહીલુહાણ બની ગયો હતો, જેને સ્ટાફ દ્વારા સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેમજ વિદ્યાર્થીના પિતા ને ઘટના અંગે વાકેફ કરવામાં આવ્યા હતા. સમગ્ર બનાવની જાણ થતાં વરતેજ પોલીસ કાફલો હોસ્પિટલ ધસી ગયો હતો, તેમજ વિદ્યાર્થીનું નિવેદન લઈ ફરિયાદ દાખલ કરી હુમલો કરી નાસી છૂટેલા આરોપી ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.
વિદ્યાર્થી ભાવનગરની શૈક્ષણિક ઓઝ ઇન્સ્ટિટ્યૂટ માં રી-નીટ ની તૈયારી કરી રહ્યો હતો, જ્યારે આજ સંકુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે એ ઘણીવાર ફોન પર વાત કરતો હતો, પોતાની દીકરી સાથે યુવાન વાત કરતો હોવાની આરોપીને જાણ થઈ જતાં તેણે વિદ્યાર્થી યુવકના પિતાને ફોન કર્યો હતો, જેમાં તમારો દીકરો મારી દીકરી સાથે ફોનમાં વાત કરે છે એટલે તમે ઓઝ સંકુલમાં આવો એવી વાત કરી હતી, પરંતુ યુવકના પિતાએ હું તમને પછી રૂબરૂ મળી જઈશ એમ કહી સંકુલ એ પહોંચ્યા નહોતા...
જે દરમ્યાન યુવતીના પિતાએ ઓઝના શિક્ષકને વિદ્યાર્થીને સમજાવવા માટે મુલાકાત કરાવવા કહ્યું હતું, જેઓને શિક્ષકની હાજરીમાં જ મિટિંગ રૂમ ખાતે વાતચીત માટે બેસાડ્યા હતા, જેમાં યુવતીના પિતા કોઈ કારણોસર ઉશ્કેરાઈ ગયા હતા અને વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. શિક્ષકે અને સ્ટાફે વિદ્યાર્થી પર હુમલો કરી રહેલા આરોપીને પકડીને બહાર લઈ જતા તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જે અંગેની જાણ થતાં વરતેજ પોલીસે વિદ્યાર્થિની ફરિયાદના આધારે તપાસ આરંભી આરોપીને ઝડપી લીધો છે. હાલ પોલીસે તેની વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરવા બદલ અલગ અલગ કલમો લગાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે