લેટરકાંડમાં વકીલે અમરેલી પોલીસના 5 મોટા ગુના ગણાવ્યા, હર્ષ સંઘવી સામે પણ કર્યા આક્ષેપો
Gujarat Police Big Action : અમરેલી લેટરકાંડની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપાઈ... નિર્લિપ્ત રાય કરશે સમગ્ર કેસની તપાસ... તો પાયલ ગોટીએ પોલીસવડા સાથે કરી મુલાકાત... ન્યાય અપાવવા કરી માગ...
Trending Photos
Amreli Letterkand અમરેલી : અમરેલી લેટરકાંડમાં પોલીસે ત્રણ પોલીસ કર્મીઓ વિરુદ્ધ પગલા લઈને ત્રણેયને સસ્પેન્ડ કર્યાં છે. જેના બાદ સમગ્ર કેસની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી છે. ત્યારે અમરેલી વિવાદને લઈ પાયલ ગોટીએ રાજ્ય પોલીસ વડાને રજૂઆત કરી છે. પાયલ ગોટી પોતાના એડવોકેટ સાથે પોલીસ ભવન પહોંચી હતી. જ્યાં કોંગ્રેસના નેતા જેની ઠુમર પણ સાથે હતા. પાયલ ગોટી સહિત ચાર વ્યક્તિઓનુ પ્રતિનિધિ મંડળ રાજ્યના પોલીસવાળા વિકાસ સહાયને મળવા પોલીસ ભવન પહોંચી હતી. ઉચ્ચ મહિલા આઈપીએસ અધિકારી તપાસ કરે તેવી માંગણી કરી.
પાયલ ગોટીના વકીલ આનંદ યાત્રિકે કહ્યું કે, પાયલબેનની રજુઆત હતી કે 12 વાગ્યે રાત્રે મારી ધરપકડ કરવામાં આવી હતી. સૂર્યોદય બાદ કોઈ મોટા ગુના ન હોય, જરૂર ન હોય તો મહિલાઓની ધરપકડ કરવામાં આવતી નથી. પોલીસ પકડીને દીકરીને લઈ ગઈ હતી. એટલું જ નહિ, આરોપનામું પુરવાર થાય તે પહેલા દીકરી પાયલ ગોટીને આરોપી દર્શાવવામાં આવી. પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપીઓ રીઢા ગુનેગાર હોય તેવું બતાવ્યુ. તેઓ ડ્રગ પેડલર કે આતંકવાદી નથી. એકપણ ગુનો આ લોકોના નામે નોંધાયો છે. આ બીજો ગુનો પોલીસનો છે. ગુનો પુરવાર થાય તે પહેલા તેમને આ રીતે રજૂ કરવા યોગ્ય નથી. કોર્ટમાં રજૂ કરાયા તે પહેલા દીકરી પાયલ ગોટીનું સરઘસ કાઢવામાં આવ્યું. સરધસમાં પોલીસની સાથે ધારાસભ્યના માણસો હતા. અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાના કહેવાથી આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો. પાયલબેન ગોટીને પટ્ટાથી મારવામાં આવ્યા.
જ્યારે પોલીસ કસ્ટડીમાં આ લોકોને માર મારવામાં આવ્યો, ત્યારે ભાજપના ધારાસભ્યોના માણસો ત્યાં હાજર હતા. આ એસપી સાહેબ ભાજપના ધારાસભ્ય કે પછી સરકાર માટે કામ કરે છે. આ એક બીજો મોટો ગુનો છે. 27 મી રાતે પકડીને પોલીસે કોર્ટમાં જણાવ્યું કે, આ લોકોને 28 મીએ સાંજે ચાર વાગ્યે પકડ્યા છે. આ બાદ ધારાસભ્યોના માણસોએ પાયલ ગોટીના પિતા પાસે જઈને વીડિયો બનાવ્યા હતા.
આમ, પાયલ ગોટીના વકીલે અમરેલી પોલીસના 5 મોટા ગુના ગણાવ્યા. તેના બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી પર આક્ષેપ મૂકતા વકીલે કહ્યું કે, તે દિવસે ગુજરાતના ગૃહરાજ્ય મઁત્રી અમરેલીમાં હાજર હતા. આરોપીઓને મારતા પહેલા એસપીએ ગૃહરાજ્ય મંત્રી સાથે મુલાકાત કરી હતી. ગૃહરાજ્યમંત્રી અનેકવાર કહી ચૂક્યા છે કે, દંડો ચલાવતા આવડે તેને કહેવાય પોલીસ. આરોપીને જે ભાષા આવડતી હોય તે ભાષામાં પોલીસે શીખવાડવું જોઈએ. પગ પર ખાસ સેવા અને સુશ્રૃષા કરવી જોઈએ અને મારવા જોઈએ. એ વીડિયો ક્લીપિંગ અમે મેકલી અને કહ્યું કે, 29 તારીખે હર્ષ સંઘવી સાથેની મુલાકાત બાદ સરઘસ કાઢવામાં આવ્યું, અને તેમને મારવામાં આવ્યા.
વકીલે કહ્યું કે, ગૃહરાજ્ય મંત્રીના કહેવાથી દીકરી પાયલ ગોટીને માર મારવામાં આવી કે શું તેની તપાસની અમે માંગણી કરી છે. ઘટના બન્યા પહેલા ગૃહમંત્રી અમરેલીમાં હાજર હતા. માત્ર ચીઠ્ઠીના ચાકર કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કેમ એસપી સામે પગલાંઓ ન લેવાયા. અમે માગણી કરી છે કે મહિલા અધિકારીની અધ્યક્ષતામાં તપાસ કરવામાં આવે. એટલુ જ નહિ, ધારાસભ્ય કૌશિક વેંકરિયાના વકીલે પાયલના ઘરે જઈને વીડિયો બનાવ્યો કે, ધારાસભ્ય સારા છે અને સારુ કામ કરે છે.
અમરેલી લેટરકાંડને લઈને તપાસ સ્ટેટ મોનીટરિંગ સેલને સોંપવામાં આવી છે. નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ હવે સમગ્ર મામલાની તપાસ થશે. ત્યારે પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયાએ આ નિર્ણયને આવકાર્યો છે. તેમણે કહ્યું કે, જે અધિકારીને તપાસ સોંપાય છે તે અગાઉ અમરેલીના એસપી રહી ચૂક્યા છે. અમરેલીની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવામાં તેમનું ખૂબ જ મોટું યોગદાન છે. લોકોને પણ તેમના પર ખૂબ જ ભરોસો છે. ગરીબ ઘરની દીકરીને ન્યાય મળવો જોઈએ અને આવું અન્ય કોઈ પણ દીકરી સાથે ન થવું જોઈએ. જેમનો પણ આ ઘટના પાછળ હાથ હોય તે તમામ લોકોના નામ તપાસમાં સામે આવવા જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે