અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસ પાર્ટી સાથે છેડો ફાડ્યો, કહ્યું- ખુબ જ દુખ અને પીડા સાથે...

કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે મોટો નિર્ણય લીધો છે. સોશિયલ મીડિયા પર ફૈઝલે કોંગ્રેસ સાથે છેડો ફાડવાની જાહેરાત કરી છે. 

  અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસ પાર્ટી સાથે છેડો ફાડ્યો, કહ્યું- ખુબ જ દુખ અને પીડા સાથે...

અમદાવાદઃ કોંગ્રેસ પાર્ટી એક બાદ એક વિધાનસભા ચૂંટણી હારી રહી છે. અત્યાર સુધી અનેક મોટા નેતાઓએ કોંગ્રેસ પાર્ટીનો સાથ છોડી દીધો છે. ગુજરાતમાં પણ કોંગ્રેસ પાર્ટી વર્ષોથી સંઘર્ષ કરી રહી છે. રાજ્યમાં આશરે ત્રણ દાયકા જેટલા સમયથી કોંગ્રેસ પાર્ટી સત્તામાં નથી. 2022ની વિધાનસભા ચૂંટણીમાં તો કોંગ્રેસનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું હતું. ત્યારબાદ પણ ઘણા ધારાસભ્યોએ કોંગ્રેસ પાર્ટીને અલવિદા કહ્યું હતું. હવે દિવંગત અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે પણ કોંગ્રેસ સાથે કામ બંધ કરવાનો નિર્ણય લીધો છે. 

અહમદ પટેલના પુત્રએ આપી માહિતી
કોંગ્રેસના દિગ્ગજ નેતા રહેલા દિવંગત અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાનું દુખ વ્યક્ત કર્યું છે. ફૈઝલ પટેલે એક્સ પર લખ્યું- ખૂબ જ પીડા અને વેદના સાથે, મેં ભારતીય કોંગ્રેસ માટે કામ કરવાનું બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ઘણા વર્ષોથી આ એક મુશ્કેલ સફર રહી છે. 

— Faisal Ahmed Patel (@mfaisalpatel) February 13, 2025

ફૈઝલ પટેલે આગળ લખ્યું કે- મારા સ્વર્ગસ્થ પિતા અહેમદ પટેલે પોતાનું આખું જીવન દેશ, પક્ષ અને ગાંધી પરિવાર માટે કામ કરવા સમર્પિત કરી દીધું. હું તેમના પગલે ચાલવાનો પ્રયાસ કર્યો પરંતુ દરેક પગલે મને ના પાડી દેવામાં આવી. હું શક્ય એટલું માનવજાત માટે કામ કરવાનું યથાવત રાખીશ. કોંગ્રેસ પાર્ટી હંમેશાની જેમ મારો પરિવાર રહેશે. મને ટેકોઆપનારા તમામ નેતાઓનો હું આભાર માનું છે.

ફૈઝલ પટેલે પોતાની એક્સ પોસ્ટમાં કોંગ્રેસ પાર્ટી માટે આગળ કામ ન કરવાની જાણકારી આપી છે. શું ફૈઝલ પટેલ ભવિષ્યમાં કોઈ અન્ય રાજકીય પાર્ટીમાં સામેલ થશે કે નહીં તેના વિશે કોઈ જાણકારી આપી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news