PM મોદીનો આ એક માસ્ટરસ્ટ્રોક જેણે કેજરીવાલનો બધો ખેલ બગાડ્યો, આપના ધૂરંધરો થઈ ગયા ઘરભેગા!
દિલ્હીમાં આજે પરિણામનો દિવસ છે અને એવું લાગે છે કે હવે દિલ્હીમાં ભાજપની સત્તા બની રહી છે. જબરદસ્ત હોલ્ડ ધરાવતી આમ આદમી પાર્ટીને ખદેડીને ભાજપ સત્તા પર આવી રહ્યું છે. ત્યારે પીએમ મોદીનો એ માસ્ટરસ્ટ્રોક સમજવા જેવો છે.
Trending Photos
ચૂંટણી પંચના આંકડા મુજબ હાલ ભાજપ 43 બેઠકો પર આગળ છે જ્યારે 4 સીટ જીતી લીધી છે. કુલ 47 સીટ ફાળે જઈ શકે છે. જ્યારે આમ આદમી પાર્ટી 2 સીટ જીતી છે અને 21 સીટ પર આગળ છે અને 23 સીટ મેળવી શકે છે. એટલે કે સ્પષ્ટ છે કે ભાજપ દિલ્હીમાં 27 વર્ષનો વનવાસ પૂરો કરીને સત્તા મેળવવા જઈ રહ્યો છે. આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ આ વખતે હાર્યા છે જેમાં અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદિયાનો સમાવેશ થાય છે. એક સમયે ક્રાંતિનું પ્રતિક ગણાઈ રહેલી આમ આદમી પાર્ટી આજે અર્શ પરથી ફર્શ પર પહોંચી ગઈ હોય તેવું દેખાય છે.
દિલ્હીમાં ભાજપને મળી રહેલા આ જબરદસ્ત જીત પાછળ પીએમ મોદીનો એક માસ્ટરસ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે જે તેમણે છેલ્લે ખેલ્યો અને ત્યારબાદ અરવિંદ કેજરીવાલનું આખું ગણિત બગડી ગયું. અહીં વાત થઈ રહી છે સામાન્ય બજેટની. એક ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ થયું અને તેમાં 12 લાખની આવક સુધીના પગારદારોને જલસા થઈ ગયા. કારણ કે સરકારે 12 લાખ સુધીની આવક કરમુક્ત કરી. મતદાનની બરાબર પહેલા કેન્દ્ર સરકારે આપેલી આ ભેટે જાણે સીધુ દિલ્હીના મિડલ ક્લાસને સાધવાનું કામ કર્યું હોય તેવું લાગે છે.
એટલે સુધી કે પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ દિલ્હી ચૂંટણી માટે આયોજિત સભાઓમાં આવકવેરા છૂટ મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો અને ભાજપને મિડલ ક્લાસની પાર્ટી ગણાવી. વાત જાણે એમ છે કે દિલ્હીના રાજકારણમાં મિડલ ક્લાસ ખુબ મહત્વનો ભાગ ભજવે છે. દિલ્હીની જનસંખ્યામાં તેમનો 45 ટકા ભાગ છે. જે રાજકારણ પ્રત્યે ખુબ જાગૃત પણ છે. આમ આદમી પાર્ટી અને ભાજપ બંને દિલ્હીના મિડલ ક્લાસનું મહત્વ ખુબ સારી રીતે જાણતા હતા. આ જ કારણ હતું કે બંને પાર્ટીઓએ મિડલ ક્લાસ માટે વચનોની હારમાળા સર્જી દીધી. બીજી બાજુ અરવિંદ કેજરીવાલની મહિલા સન્માન યોજનાનો તોડ કાઢવા ભાજપે દર મહિને મહિલાઓને 2500 રૂપિયા આપવાની જાહેરાત કરી. પીએમ મોદીએ એક જનસભામાં તો એટલે સુધી કહી દીધુ કે મહિલાઓને 8 માર્ચ બાદ પૈસા મળવા લાગશે. આ બધા વચ્ચે ઈન્કમ ટેક્સમાં છૂટ આપવાના સરકારના નિર્ણયે દિલ્હીના મિડલ ક્લાસને વધુ પ્રભાવિત કર્યો જેની સીધી અસર મત પર પડી.
ચૂંટણી પહેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં પણ ભાજપની જીતનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. જ્યારે પીપલ્સ ઈનસાઈટના સર્વેમાં એ પણ કહેવાયું હતું કે કેવી રીતે બજેટમાં આવકવેરામાં છૂટની જાહેરાતથી ભાજપને ચૂંટણીમાં ફાઈનલ પુશ મળ્યું અને દિલ્હીનો મિડલ ક્લાસ મોદી પ્રત્યે આકર્ષિત થયો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે