ચોંકાવનારો કિસ્સો, પોતાની જ 'પત્ની'ના અપહરણ અને રેપના કેસમાં વ્યક્તિનો વર્ષો બાદ થયો છૂટકારો!

ગત સપ્તાહે સીટી સેશન્સ કોર્ટે યુવકને તેના વિરુદ્ધ 1996માં દાખલ થયેલા રેપ કેસમાં બેનિફિટ ઓફ ડાઉટ આપ્યો. કોર્ટે એ પણ ધ્યાનમાં લીધું કે 'પીડિતા' કથિત ઘટના બાદ તરત જ 'આરોપી' યુવક સાથે પરણી ગઈ હતી અને હાલ આ દંપત્તિ બે બાળકો સાથે ખુશીથી જીવન પસાર કરી રહ્યા છે. 

ચોંકાવનારો કિસ્સો, પોતાની જ 'પત્ની'ના અપહરણ અને રેપના કેસમાં વ્યક્તિનો વર્ષો બાદ થયો છૂટકારો!

અમદાવાદ: એક ચોંકાવનારા બનાવમાં 25 વર્ષ પહેલા યુવકે ગર્લફ્રેન્ડ સાથે ભાગીને લગ્ન કરી લીધા. પણ નસીબ વાંકુ નીકળ્યું તો ગર્લફ્રેન્ડની માતાએ યુવક પર અપહરણ અને રેપનો કેસ ઠોકી દીધો. યુવકને આખરે વર્ષો બાદ આ કેસમાં રાહત મળી અને છૂટકારો થયો. પોતાની જ પત્નીના અપહરણ અને રેપના કેસમાં યુવકને વર્ષો બાદ મુક્તિ મળી. ગત સપ્તાહે સીટી સેશન્સ કોર્ટે યુવકને તેના વિરુદ્ધ 1996માં દાખલ થયેલા રેપ કેસમાં બેનિફિટ ઓફ ડાઉટ આપ્યો. કોર્ટે એ પણ ધ્યાનમાં લીધું કે 'પીડિતા' કથિત ઘટના બાદ તરત જ 'આરોપી' યુવક સાથે પરણી ગઈ હતી અને હાલ આ દંપત્તિ બે બાળકો સાથે ખુશીથી જીવન પસાર કરી રહ્યા છે. 

શું છે મામલો? 
TOI ના રિપોર્ટ મુજબ વાત જાણે એમ છે કે છોકરી (પીડિતા)ની માતાએ 4થી ઓક્ટોબર 1996ના રોજ નારણપુરા પોલીસ સ્ટેશનમાં એક એફઆઈઆર દાખલ કરી હતી. જેમાં તેમણે યુવક પર તેમની સગીર દીકરી સાથે રેપ કરવાનો આરોપ લગાવ્યો હતો. યુવકની ત્યારબાદ ધરપકડ થઈ. જો કે પાછળથી જામીન પર છૂટકારો થયો હતો. નવાઈની વાત એ છે કે આ કેસની 20 વર્ષ બાદ 2016માં ટ્રાયલ શરૂ થઈ. ટ્રાયલ દરમિયાન મહિલાએ કોર્ટમાં કહ્યું કે ઘટનાના દિવસે તે તેની બહેનપણીના ઘરે ગઈ હતી. ઘરે પાછા ફરતા મોડું થયું અને તેની માતાએ યુવક સામે ફરિયાદ દાખલ કરી લીધી. મહિલાએ કોર્ટમાં સ્વીકાર્યું કે 'આરોપી'એ (તેનો પતિ) તેનું અપહરણ નથી કર્યું કે રેપ પણ કર્યો નથી. તેણે એમ પણ સ્વીકાર્યું કે યુવકે તે સમયે તેની સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યો નહતો. 

બીજી મહત્વની વાત એ છે કે મહિલાએ એવું પણ સ્વીકાર્યું કે તે તે સમયે યુવક સાથે પ્રેમમાં હતી અને જેવી તે પુખ્તવયની થઈ ત્યારબાદ તેણે તે જ યુવક સાથે લગ્ન કર્યા હતા. તેણે કહ્યું કે હાલ તે આ 'આરોપી' વ્યક્તિના બે બાળકોની માતા છે અને તે તેના પતિ સાથે ખુશીથી જીવન જીવી રહી છે. 

આ બાજુ મહિલાની માતાએ કોર્ટમાં રોડો નાખતા કહ્યું કે આ ઘટના ઘટી ત્યારે તેની દીકરી તે સમયે સગીર નહતી પણ 19 વર્ષની હતી. જેના  કારણે પ્રોસિક્યુશનના દાવામાં વિરોધાભાસ પેદા થયો જેમાં તેમણે કહ્યું હતું કે છોકરી 16 વર્ષની હતી. ત્યારબાદ એએમસીના ઓફિસરે આ અંગે તપાસ હાથ ધરી. બર્થ સર્ટિફિકેટ 1980નું હતું. પણ ઓફિસરે કોર્ટેને કહ્યું કે છોકરીના માતા પિતા કદાચ જન્મ પછી બે વર્ષે રજિસ્ટ્રેશન માટે આવ્યા હશે. તે સમયે આવું બનતું હતું. 

સેશન્સ કોર્ટમાં ચાલેલી કાર્યવાહીમાં જજે benefit of the doubt આપીને કહ્યું કે 'યુવતી (પીડિતા) પર રેપ થયો હોવાના કોઈ પુરાવા નથી. 'પીડિતા' અને 'આરોપી' પતિ પત્ની તરીકે બે બાળકો સાથે ખુશીથી જીવન જીવી રહ્યા છે. આથી પીડિતા અને તેના બાળકોના જીવન પર અસર ન થાય તે જોવાની કોર્ટની ફરજ છે. તથ્યોને ધ્યાનમાં લેતા આરોપીને ગુના માટે દોષિત ઠેરવી શકાય નહીં.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news