કચ્છમાં ગ્રીષ્માકાંડ જેવો કિસ્સો: એક તરફી પ્રેમમાં ગુપ્તી અને તલવારથી યુવતીની હત્યા! લોકો રસ્તા પર ઉતર્યા

કચ્છના માંડવીમાં ગોધરાની યુવતીની હત્યાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે ભૂજમાં માંડવીમાં સર્વ સમાજ દ્વારા મૌન રેલી યોજાઈ હતી..ગૌરી ગરવા નામની યુવતીની હત્યા કરનાર હત્યારા માટે ફાંસીની સજાની માંગ કરવામાં આવી છે.

કચ્છમાં ગ્રીષ્માકાંડ જેવો કિસ્સો: એક તરફી પ્રેમમાં ગુપ્તી અને તલવારથી યુવતીની હત્યા! લોકો રસ્તા પર ઉતર્યા

ઝી બ્યુરો/કચ્છ: માંડવી તાલુકાના ગોધરા ગામના ખરવાડ વિસ્તારમાં પોતાના ઘરથી 100 મીટર દૂર બસની રાહ જોઇને ઊભેલી વ્યવસાયે આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી 28 વર્ષીય ગૌરીબેન તુલસીભાઇ ગરવા નામની યુવતી ઉપર તેના એકતરફી પ્રેમી એવા કોડાયના આરોપી સાગર રામજી સંઘારે બેરહેમીપૂર્વક ગુપ્તી અને તલવાર વડે હુમલો કરી હત્યા કરી હતી. જેના વિરોધમાં તેમજ આ આરોપીને ફાંસીની સજા થાય તે માટે આજે ભુજમાં સર્વ સમાજના લોકોએ એકઠા થઈને મૌન રેલી યોજીને કચ્છ કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.

ગોધરામાં વહેલી સવારે યુવતીની હત્યા કરનારા એકતરફી પ્રેમીને ફાંસી આપવાની માંગ સાથે મૌન રેલી યોજાઈ
કચ્છ જીલ્લાના માંડવી તાલુકાના ગોધરાની ગૌરીબેન તુલસી ગરવાના હત્યાના બનાવમાં આરોપીઓની વિરૂધ્ધમાં કડક કાર્યવાહી, પોલીસની તટસ્થ તપાસ, ઝડપી ન્યાય, આર્થિક સહાય, ખાસ સરકારી વકીલની નિયુકતી સહીતની માંગ સાથે આજે એક મૌન રેલી યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં સર્વ સમાજના લોકો જોડાયા હતા.

હત્યા કર્યા બાદ આરોપી સાગરે ઝેરી દવા પીધી હતી
માંડવી તાલુકાના ગોધરા ગામે 30મી ડીસેમ્બરના વહેલી સવારે માંડવીના નાના એવા ગોધરા ગામમાં વહેલી સવારે બનેલા આ બનાવથી ભારે ચકચાર પ્રસર્યા બાદ પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા સહિતના અધિકારીઓના કાફલા સાથે તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ડોગ સ્કવોડ સહિતની સઘન તપાસ હાથ ધરી હતી અને આરોપીને ગણતરીના કલાકોમાં જ પકડી પાડયો હતો. હત્યા કર્યા બાદ આરોપી સાગરે ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે માંડવીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં પોલીસે તેની પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલ્યો હતો. 

મૌન રેલી સ્વરૂપે આક્રોશ વ્યકત કરી ક્લેક્ટરને આવેદન
તલવાર અને ગુપ્તીના અસંખ્ય ઘા મારી, ઘાતકી અને કરપીણ હત્યાના આરોપી સાગર સંઘારને કાયદાકીય કડક કાર્યવાહી કરી ફાંસી સુધીની સજા અપાવવા અને કાયદાકીય કે પોલીસ તપાસમાં ખામીના લીધે કચ્છ જીલ્લાના હત્યાના "રેર ઓફ ઘી રે૨" ના કેસના આરોપીને સજાની માંગ સાથે હજારોની સંખ્યામાં કચ્છ જીલ્લામાંથી તમામ જ્ઞાતિ-જાતિના ભાઈ-બહેનો વિશાળ સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી "મૌન રેલી" સ્વરૂપે આક્રોશ વ્યકત કરી ક્લેક્ટરને આવેદન પાઠવી આ નિર્મમ હત્યાના કેસમાં સબંધીત વિભાગોને સૂચનો અપાઈ યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી.

એકતરફી પ્રેમી અવારનવાર યુવતીને હેરાન-પરેશાન કરતો હતો
ઉલ્લેખનીય છે કે આ એકતરફી પ્રેમી અવારનવાર યુવતીને હેરાન-પરેશાન કરતો હતો તેવું પણ તપાસમાં બહાર આવ્યું હતું.ગોધરા ગામના ખરવાડ વિસ્તારમાં બે ભાઇઓ અને માતા સાથે રહેનાર યુવતી ગૌરી છેલ્લા બે વર્ષથી તુંબડી ખાતે પીએચસી સેન્ટરમાં કોન્ટ્રાકટ બેઝ પર કામ કરતી હતી. ગૌરીફરજ ઉપર તુંબડી જવા માટે આ દરરોજ વહેલી સવારે 5:30ના અરસામાં ઘરેથી નીકળી અંબેધામથી ભચાઉ જતી બસમાં બેસીને તુંબડી પહોંચતી હતી. 

આરોપીએ ક્રૂર રીતે કરી હત્યા
આરોપી સાગરે મૃતક યુવતીને ગુપ્તી અને તલવાર તથા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દઇ તેની હત્યા નીપજાવી હતી. ક્રૂર એવા આરોપીએ યુવતીના પેટમાં ગુપ્તી ભરાવી રાખી હતી અને માત્ર હાથો બહાર રહ્યો હતો. તેમજ માથાંના ભાગે તલવાર મૂકી નાસી ગયો હતો. અસંખ્ય હથિયારના ઘાથી યુવતીએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. બનાવની જાણ થતાં જ તેનો ભાઈ સહિતનો પરિવાર ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે સ્તબ્ધ થઈ ગયા હતા. 

મુખ્યમંત્રી રાહત ફંડમાંથી એક કરોડ જેટલુ વળતર આપવામાં આવે તેવી માંગ 
આ સમગ્ર હત્યા કેસ અત્યંત સંવેદનશીલ હોતા આ કેસમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) બનાવીને તપાસ, નિવેદન, પુરાવાઓ એકત્ર કરી કાર્યવાહી યોગ્ય રીતે કરવામાં આવે.તેમજ આ નિર્મમ હત્યા કેસમાં મૃતક અપરણીત દીકરી પિતાના છત્રછાયા વિનાની કોન્ટ્રાકટ બેઝ પર આરોગ્ય વિભાગમાં નોકરી કરતી હોઈ પરિવારનો આધારસ્તંભ હોઈ પરિવારના સભ્યને રહેમરાહે નોકરી તેમજ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી એક કરોડ જેટલુ વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા તપાસ કરવામાં આવે તેવી રજૂઆત
આ હત્યાનો કેસ અતિ ગંભીર પ્રકારનો હોતા આ કેસના આરોપીને તાત્કાલિક સજા મળે તે માટે નામદાર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવવામાં આવે અને આ કેસમાં રાજય સરકારના કાયદા વિભાગ દ્વારા નામાંકિત અને સીનીયર (અનુભવી) ધારાશાસ્ત્રી ને "સ્પેશીયલ પબ્લીક પ્રોસીકયુટર " તરીકે નિયુક્ત કરવામાં આવે તેવી માંગ કલેકટર સમક્ષ કરવામાં આવી હતી. આરોપીને રહસ્મય રીતે સરકારી હોસ્પીટલ માંડવી અપાયેલ, સારવાર, આરોપીનું રીકન્સ્ટ્રકશન ત્યારબાદ અસરગ્રસ્ત પરિવારના સભ્યો સંકલન કે કેસના સ્ટેટસની જાણકારી પોલીસ દ્વારા ન આપી પોલીસનું વલણ શંકા પુરે છે અને કેસના ટુંકાગાળામાં તપાસનીશ અધિકારીઓ બદલાતા આ બાબતો આ કેસને અસરકર્તા હોતા પરિવાર તેમજ સમાજના લોકોએ સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા તપાસ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

સરકારી હોસ્પીટલના જવાબદાર તબીબોની ભુમીકા શંકાસ્પદ 
હત્યા કર્યા બાદ આરોપીએ સવારે 9 વાગે ઝેરી દવા પી લીધા પછી સાંજે 4 વાગે પોતાની બાઈકથી કોડાયથી માંડવી જાતે વાહન ચલાવી હોસ્પિટલમાં સારવાર લેવા ગયેલ, ત્યાર બાદ સાંજે 4:15 કલાકે માંડવી સરકારી હોસ્પિટલમાં 24 કલાક સારવાર બાદ પણ તેની વિધિવત અટક કરાઈ પરંતુ સારવારના સમયગાળા દરમ્યાન કોઈ જ સારવાર, મેડીકલ પરીક્ષણ કરેલ નથી જે બાબતે માંડવી સરકારી હોસ્પીટલના જવાબદાર તબીબોની ભુમીકા શંકાસ્પદ અને આરોપીને મદદગારી સમાન હોઈ જવાબદારો સામે પગલા લેવામાં આવે તેવી માંગ પણ પરિવારજનોએ કરી છે. 

હત્યાના આરોપીઓ એકથી વધારે હોવાના આક્ષેપો
આ હત્યા કેસમાં હત્યાનો સમય અને હથિયારોનો ઉપયોગ અને ઘટનાક્રમ પરથી એવું પ્રતિત થાય છે કે, આ ઘાતકી અને ક્રુર હત્યાના આરોપીઓ એકથી વધારે હોઈ શકે છે જે ધારદાર બે હથિયારો જે મોટા કદના હોઈ આરોપી ટુ-વ્હીલર પર લઈ જઈ શકે તે શક્ય બાબત નથી જેથી આ ઘટના ક્રમની પણ તપાસ કરવામાં આવે તેમજ આ સમગ્ર કેસની તપાસ, સ્ટેટસ, સાધનીક કાગળો, તપાસના ભાગરૂપે થયેલ કામગીરીની માહિતી મૃતકના પરિવારજનો, સામાજિક આગેવાનોને આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

કચ્છ કલેકટર અને પશ્ચિમ કચ્છ એસપીએ પરિવારજનોને યોગ્ય તપાસ કરવાની આપી ખાતરી
સર્વ સમાજની મૌન રેલી અને પરિવારજનોની આક્રોશપૂર્વક ની અજુઆતને પગલે કચ્છ કલેકટર અને પશ્ચિમ કચ્છ એસપીએ પરિવારને સાંત્વના અપાઈ હતી અને તટસ્થ તપાસ તેમજ સરકારી સહાય આપવાની, સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ તેમજ સ્પેશીયલ પબ્લીક પ્રોસીકયુટર નિયુક્ત કરવા સહિતની વાત કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news