રાજકોટ નહીં ગુજરાતની અન્ય હોસ્પિટલના પણ CCTV હેકની શંકા! મહિલાઓની પ્રાઇવસી જાહેર કરનાર કોણ?
જો તમે કોઈ ગાયનેક ડોકટર પાસે સારવાર લેવા જાવ છો તો જરા ચેતીને જજો...કારણ કે હવે તો તબીબોના હોસ્પિટલમાં રહેલી તીશરી આંખ તમારા દ્રશ્યો કેદ કરી રહી છે...ભલે આપણે એવું સમજતા હોઈએ કે સીસીટીવી કેમેરા લોકોની સુરક્ષા માટે છે પરંતુ આ સીસીટીવી કેમેરામાં તમારી પ્રાઈવસી પણ કેદ થઈ જતી હોય છ
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલના લેબર રૂમમાં ગર્ભવતી મહિલાઓની ચકાસણીના CCTV વાયરલ થવા મુદ્દે રાજકારણ ગરમાયું છે. સાયબર ક્રાઇમ દ્વારા સતત બીજા દિવસે હોસ્પિટલના સંચાલકો અને ડોક્ટરોના નિવેદનો લેવામાં આવ્યા છે. આ ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. હજુ પણ યુ ટ્યુબ અને ટેલિગ્રામના ગ્રુપમાં અનેક હોસ્પિટલોના સીસીટીવી સબ્સ્ક્રાઇબ કરી જોઈ શકાય છે. જોકે આ મુદ્દે હવે કોંગ્રેસ મેદાને આવી છે અને આજે પાયલ હોસ્પિટલ ખાતે વિરોધ કર્યો હતો. તો બીજી તરફ હોસ્પિટલના સંચાલકોએ પોતાનો બચાવ કરતા કહ્યું હતું કે, કેમેરાનો કન્ટ્રોલ હેક થયો હોવાની શંકા છે જો હોસ્પિટલના સ્ટાફની આ ઘટનામાં સંડોવણી ખુલશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
- મહિલાઓની ગરિમા પર કોણ લગાવી રહ્યું છે લાંછન ?...
- રાજકોટ જ નહીં ગુજરાતની અન્ય હોસ્પિટલના પણ સીસીટીવી હેક થયાની શંકા !..
- સીસીટીવી હેક કરી મહિલાઓની પ્રાઇવસી જાહેર કરનાર કોણ ?..
- શું હોસ્પિટલના સ્ટાફની કોઈ સંડોવણી કે પછી તબીબોએ જ કર્યું કારસ્તાન ?..
છેલ્લા બે દિવસ થી હોસ્પિટલમાં ઇન્જેક્શન આપતા મહિલાના વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. અમદાવાદ સાયબર ક્રાઇમની તપાસમાં આ વીડિયો રાજકોટની 150 ફૂટ રિંગ રોડ પર આવેલ પાયલ મેટરનિટી હોસ્પિટલના હોવાનું ખુલ્યું હતું. સાયબર ક્રાઇમ પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતા થી લઈ અને તપાસ શરૂ કરી છે. તબીબોના નિવેદનો લેવામાં આવ્યા છે અને સાઇબર ક્રાઇમના અધિકારીઓ દ્વારા પાયલ હોસ્પિટલમાં જઈને તપાસ કરવામાં આવી હતી. જોકે હજુ સુધી અજકોટ પોલીસે સત્તાવાર પોતાનું નિવેદન આપ્યું નથી.
પરંતુ હોસ્પિટલના ડાયરેકટર પ્રતીક્ષા દેસાઈએ કહ્યું હતું કે, દોઢ થી બે મહિના પહેલા હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં ટેક્નિકલ ક્ષતિ સર્જાય હતી. જે બાદ પાસવર્ડ રિસેટ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના સીસીટીવી કેમેરાના પાસવર્ડ ત્રણ ડિરેક્ટરો પાસે જ હોય છે. આ સમયે અમારા કેમેરાનો કન્ટ્રોલ હેક થયો હોય તેવી શંકા છે. ગઇકાલે ઘટના બની પછી બીજુ કાંઇ રેકોર્ડ ન થાય તે માટે એડમીન સ્ટાફે આ કેમેરો દૂર કરી દીધો હતો. અમે તપાસમાં પોલીસને પુરો સહયોગ આપીશું. જો હોસ્પિટલના પણ કોઇ વ્યક્તિની સંડોવણી હશે તો અમે કાર્યવાહી કરીશું. છેલ્લા ૬ વર્ષથી આ સ્થળ પર અમારી હોસ્પિટલ કાર્યરત છે.બેડ પર જે કેમેરો લગાડવામાં આવ્યો છે તેનું ફુટેજ કોઇ જગ્યાએ ડિસપ્લે થતું ન હોવાનો હોસ્પિટલનો દાવો છે.
તો બીજી તરફ મહિલાઓના ચકાસણીના વિડીયો વાયરલ થતા કોંગ્રેસ મેદાને આવી હતી અને પાયલ હોસ્પિટલ ખાતે વિરોધ કર્યો હતો. મહિલા કોંગ્રેસના કાર્યકરોને હોસ્પિટલમાં પ્રવેશવા ન દેવામાં આવતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને ધક્કા મારવામાં આવ્યા હતા. મહિલા કોંગ્રેસના આગેવાનોએ કહ્યું હતું કે, મહિલાઓ ડોકટર પર ભરોસો મૂકી સારવાર લેવા માટે આવતી હોય છે. જ્યારે પાયલ હોસ્પિટલમાંથી સીસીટીવી વાયરલ થયા છે. વાયરલ કરવા વાળા કોણ છે અને ડોક્ટરો હોઈ તો તેની સામે પણ પગલાં લેવામાં આવે તેવી માંગ છે.
હોસ્પિટલના સ્ટાફની સંડોવણી સામે આવે તો હોસ્પિટલને સિલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જ્યારે કોંગ્રેસ નેતા અને ડોકટર હેમાંગ વસાવડાએ કહ્યું હતું કે, ખૂબ જ ગંભીર અને શરમજનક ઘટના બની છે. જે જગ્યાએ મહિલાઓની તપાસ થતી હોય ત્યાં સીસીટીવી ન રાખવા જોઈએ. જે પણ જવાબદાર છે તેમની સામે તાત્કાલિક કાર્યવાહી થવી જરૂરી છે. હોસ્પિટલ દ્વારા મહિલાને પ્રાઇવસી જાળવવી જવાબદારી આવે છે. મહિલાની તપાસ થતી હતી ત્યાં હોસ્પિટલ સીસીટીવી રાખી ગંભીર ભૂલ કરી છે. સાયબર ક્રાઇમ આઇપી એડ્રેસ ના આધારે કેમ કાર્યવાહી નથી કરી રહી તે સવાલ છે. દાખલો બેસે તેવી કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે
હોસ્પિટલોમા ઇન્જેક્શન વ્લોગના નામે ચાલતા આ રેકેટમાં અનેક લોકો સંડોવાયેલા હોવાનું ખુલી શકે છે. પોલીસ તપાસમાં અનેક ખુલાસા થવાની શક્યતાઓ છે. સાયબર ક્રાઇમ પોલીસની તપાસમાં કેટલા ખુલાસા થાય છે અને આ આખું રેકેટ ચલાવનાર માસ્ટર માઈન્ડ કોણ છે તે બહાર આવવું જરૂરી છે. હોસ્પિટલના સ્ટાફ અથવા તો ડોકટરોની શુ સંડોવણી ખૂલે છે તે જોવું પણ મહત્વનું રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે