ICC CT 2025: ગિલની સદી, શમીની પાંચ વિકેટ, ભારતે બાંગ્લાદેશને 6 વિકેટે રગદોળ્યું
IND vs BAN: આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ફેવરિટના ટેગ સાથે ઉતરેલી ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં વિજયી શરૂઆત કરી છે. બાંગ્લાદેશ સામે દુબઈમાં રમાયેલી મેચમાં ભારતે કમાલનું પ્રદર્શન કરતાં છ વિકેટે જીત મેળવી છે.
Trending Photos
દુબઈઃ મોહમ્મદ શમીની પાંચ વિકેટ બાદ શુભમન ગિલની શાનદાર સદીની મદદથી ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજયી શરૂઆત કરી છે. બાંગ્લાદેશ સામે ભારતે કમાલનું પ્રદર્શન કરતા છ વિકેટે જીત મેળવી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ 228 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ભારતે 46.3 ઓવરમાં 231 રન બનાવી મેચ જીતી લીધી હતી.
ગિલની શાનદાર સદી
ભારતીય ઓપનર શુભમન ગિલ શાનદાર ફોર્મમાં છે. ઈંગ્લેન્ડ સામે ત્રણ મેચની વનડે સિરીઝમાં કમાલની બેટિંગ કરનાર ગિલે બાંગ્લાદેશ સામે પણ સદી ફટકારી હતી. ગિલે 125 બોલમાં 9 ચોગ્ગા અને બે સિક્સ સાથે પોતાના વનડે કરિયરની 8મી સદી ફટકારી હતી. ગિલ 129 બોલમાં 101 રન બનાવી અણનમ રહ્યો હતો.
સારી શરૂઆત અપાવી રોહિત આઉટ
બાંગ્લાદેશે આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી. રોહિત શર્માએ શરૂઆતથી જ આક્રમક શોટ્સ ફટકાર્યા હતા. ભારતે 69 રન પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. રોહિત શર્મા 36 બોલમાં 7 ચોગ્ગા સાથે 41 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ વિરાટ કોહલી ક્રિઝ પર આવ્યો હતો. વિરાટ કોહલીએ 38 બોલમાં 22 રન બનાવ્યા હતા.
અય્યર અને અક્ષર સસ્તામાં આઉટ
ભારતીય ટીમને 133 રન પર ત્રીજો ઝટકો લાગ્યો હતો. શ્રેયસ અય્યર 17 બોલમાં 2 ચોગ્ગા સાથે 15 રન બનાવી મુશફિકુરનો શિકાર બન્યો હતો. ભારતે પાંચમાં નંબરે અક્ષર પટેલને બેટિંગ કરવા મોકલ્યો હતો. અક્ષર પટેલ પણ 8 રન બનાવી રાશિદ હુસૈનની ઓવરમાં કેચઆઉટ થયો હતો. કેએલ રાહુલે ત્યારબાદ ગિલ સાથે મળી ભારતને જીત અપાવી હતી. કેએલ રાહુલ 47 બોલમાં 41 રન બનાવી અણનમ રહ્યો હતો.
બાંગ્લાદેશની ખરાબ શરૂઆત
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની શરૂઆત ખરાબ રહી હતી. સૌમ્ય સરકાર 0, કેપ્ટન શાન્તો 0 અને મેહદી હસન મિરાઝ 5 રન બનાવી આઉટ થયા હતા. વિકેટકીપર મુશફિકુર રહીમ પણ ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફર્યોહતો. તંઝીદ હસને 25 બોલમાં 4 ફોર સાથે 25 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશે 35 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.
જાકિર અલી અને તૌહીદ હ્રદયની શાનદાર બેટિંગ
બાંગ્લાદેશ તરફથી તૌહીદ હ્રદયએ 118 બોલમાં 6 ચોગ્ગા અને બે સિક્સ સાથે 100 રન બનાવ્યા હતા. તે છેલ્લી ઓવરમાં આઉટ થયો હતો. આ સિવાય જાકિર અલીએ 114 બોલમાં 4 ચોગ્ગા સાથે 68 રનનું યોગદાન આપ્યું હતું. રાશિદ હુસૈને 18 રન બનાવ્યા હતા.
શમીની પાંચ વિકેટ
ભારત તરફથી મોહમ્મદ શમીએ રેકોર્ડ બનાવતા પાંચ વિકેટ લીધી હતી. શમીએ 10 ઓવરમાં 53 રન આપી પાંચ બેટરોને આઉટ કર્યા હતા. આ સિવાય હર્ષિત રાણાએ 7.4 ઓવરમાં 31 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. અક્ષર પટેલે 9 ઓવરમાં 43 રન આપી બે સફળતા મેળવી હતી.
સૌથી ઓછા બોલમાં 200 વિકેટનો વર્લ્ડ રેકોર્ડ
આ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની દુબઈમાં બાંગ્લાદેશ સામેની મેચ પહેલા, શમીને 200 વિકેટ પૂરી કરવા માટે 3 વિકેટ લેવાની જરૂર હતી. પોતાની 12 વર્ષની લાંબી કારકિર્દીમાં પ્રથમ વખત ચેમ્પિયન્સ ટ્રોફી મેચ રમી રહેલા શમીએ નિરાશ ન કર્યું અને પહેલી જ ઓવરમાં વિકેટ લઈને આ રેકોર્ડ તરફ એક પગલું ભર્યું. પછી તેની ચોથી ઓવરમાં શમીએ પણ અજાયબીઓ કરી અને બાંગ્લાદેશની ત્રીજી વિકેટ મેળવી, જ્યારે તેની બીજી વિકેટ મેળવી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે