અમેરિકાએ ડિપોર્ટ કરેલા ગુજરાતીઓ માટે નીતિન પટેલે કરી અપીલ, કહ્યું તે પણ આપણા.....

ડંકી રૂટથી અમેરિકા ગયેલા ભારતીયો સહિત ગુજરાતીઓ વતન પરત ફર્યા છે...અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને કાઢી મૂક્યા. અમેરિકાથી પરત આવેલા લોકોમાં ગુજરાતીઓ પણ છે. 

અમેરિકાએ ડિપોર્ટ કરેલા ગુજરાતીઓ માટે નીતિન પટેલે કરી અપીલ, કહ્યું તે પણ આપણા.....

ગાંધીનગરઃ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતા જ ગેરકાયદે ઘુસીને વતવાટ કરતા 200થી વધુ ભારતીયોને તેમના દેશમાંથી હાંકી કાઢ્યા છે. ત્યારે આ લિસ્ટમાં  ગુજરાતીઓ પણ સામેલ છે, કે જેમનું અમેરિકામાં રહેવાનું સપનું અધુરું જ રહી ગયુ છે. રૂપિયાની સામે ડોલરની ચમક જોઈને અમેરિકામાં ઘુસેલા 37થી વધુ લોકો હવે પોલીસ કાર્યવાહીમાં ધક્કા ખાતા થઈ ગયા છે.

ભારત પાછા મોકલવામાં આવેલા લોકોમાંથી 37 જેટલા ગુજરાતીઓનો સમાવેશ થાય છે. 37માંથી 12 લોકો મહેસાણા જિલ્લાના હોવાની માહિતી મળી રહી છે. મહેસાણાના વસાઈ, ડાભલા, ખેરવા, ચંદ્રનગર, ખણુસા, વિજાપુર, જોરણગના વ્યક્તિઓને ડીપોર્ટ કરાયા છે. હાલ અમેરિકાથી કાઢી મુકાયેલા લોકોના પરિવારજનો મૌન સેવી રહ્યા છે. પરિવારજનો હાલ કેમેરા સામે કાંઈ પણ બોલવા માટે તૈયાર નથી. 

બીજીતરફ અમેરિકાથી પરત ફરેલા ગુજરાતીઓને લઈને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપી છે. નીતિન પટેલે કહ્યું કે અમેરિકાથી 33 ગુજરાતીઓને પરત કરાયા છે, જે આવતીકાલે ગુજરાત આવે તેવી સંભાવના છે. તેમણે કહ્યું કે જે લોકોને પરત મોકલાયા તે આપણા ભાઈ-બહેનો છે. ગેરકાયદેસર પ્રવેશ સિવાય તેમની સામે કોઈ ગુનો નથી. નીતિન પટેલે જણાવ્યું કે આ પ્રક્રિયા કયાં જઈ અટકશે તે મને ખબર નથી.

આ લોકો પ્રત્યે મારી સહાનુભૂતિ
રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે આ લોકો પ્રત્યે મારી સહાનુભૂતિ છે. તે ઉજ્જવળ ભવિષ્ય માટે ત્યાં કમાણી કરવા ગયા હતા. ત્યાં કામ કરી પોતાના વતનમાં પરિવારોની મદદ કરતા હતા. તેના કારણે વિદેશી હૂંડિયામણ ભારતને મળ્યું છે. તેમણે આ લોકો સાથે સહાનુભૂતિવાળું વર્તન કરવાની અપીલ કરી હતી.

નીતિન પટેલે કહ્યું કે ત્યાં જઈને આ ગુજરાતીઓએ રાજ્યના વિકાસમાં ફાળો આપ્યો છે. હું સરકારને વિનંતી કરૂ છું કે તેની સામે ગુનેગાર કે આરોપીઓ જેવો વ્યવહાર ન કરે. બધા સાથે યોગ્ય વર્તન કરવા માટે વિનંતી છે. નીતિન પટેલે કહ્યું કે ગુજરાત કે દેશમાં નોકરીઓ નથી એટલે ત્યાં જાય છે આ વાત યોગ્ય નથી. અહીં બધાને પોતાની લાયકાત પ્રમાણે આવક અને નોકરી મળતી હોય છે. વિદેશ જવાની પ્રથા વર્ષોથી ચાલે છે. વધુ કમાણી અને પ્રગતિ માટે લોકો ત્યાં જતા હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news