યુરોપનું કહી દીકરી અમેરિકા પહોંચી... કોઈએ છુપાવી ડંકી રૂટની વાત... ડિપોર્ટ થયેલા બે ગુજરાતીની કહાની
અમેરિકાથી પરત મોકલી દેવામાં આવેલા ભારતીય નાગરિકોમાં 33 ગુજરાતીઓ પણ સામેલ છે. તેમાંથી મોટા ભાગના મહેસાણા જિલ્લાના રહેવાસી છે. અમેરિકા પહોંચેલા બે ગુજરાતીઓની ખતરનાક કહાની સામે આવી છે. આ લોકો અમેરિકા પહોંચ્યા તેનાથી પરિવારજનો પણ અજાણ છે.
Trending Photos
અમદાવાદઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને અમેરિકામાં રહેતા ગેરકાયદેસર પ્રવાસીઓને હાંકી કાઢવાનું શરૂ કરી દીધું છે. અમેરિકાથી ભારત પરત મોકલવામાં આવેલા ભારતીયોમાં 33 ગુજરાતીઓ સામેલ છે. આ મોટા ભાગના લોકો ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના રહેવાસી છે. અમેરિકાથી ગુજરાત ડિપોર્ટ થયેલા બે પરિવારોએ પોતાના સભ્યોના અમેરિકા જવાની ભયાનક કહાની જણાવી છે.
મહેસાણા સ્થિત વિજાપુરના ડાભલા ગામની રહેવાસી નિકિતા પણ સ્વદેશ પરત ફરી છે. જ્યારે ઝી 24 કલાકે પરિવારજનોનો સંપર્ક કર્યો તો યુવતીના પિતા કનુભાઈ પટેલે જણાવ્યું કે તેમની દીકરી યુરોપની ટૂર પર ગઈ હતી, પરંતુ ત્યાંથી તે અમેરિકા ગઈ છે. તે પરિવારને જણાવ્યું નહીં. નિકિતાના અમેરિકાથી પરત ફરવાના સમાચાર સાંભળી પરિવારજનો પરેશાન છે.
યુરોપના લીધા હતા વીઝા
નિકિતાના પિતાએ જણાવ્યું કે નિકિતા એક મહિના પહેલા યુરોપના વીઝા લઈ 2 મિત્રો સાથે ફરવા ગઈ હતી. ત્યારબાદ અમારી છેલ્લી વાતચીત 14-15 જાન્યુઆરીએ થઈ હતી. તે સમયે તે યુરોપમાં હોવાનું જણાવ્યું હતું. અમેરિકા જવાની કોઈ વાત થઈ નહોતી. અમને મીડિયા દ્વારા જાણકારી મળી છે કે ગુજરાતના 33 લોકોને પરત મોકલવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં તેણે MSc નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો, પરંતુ અહીં નોકરી નહોતી. તે આગળ શું કરશે તે વિશે અમને માહિતી નથી.
નિકિતાના પિતાએ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના આ નિર્ણયને ખોટો ગણાવતા કહ્યું કે અમેરિકામાં ગુજરાત અને પંજાબના ઘણા લોકો રહે છે. તેને પરત ન મોકલવા જોઈએ. ઘણા લોકો પૈસા ખર્ચ કરી જ્યાં જાય છે તો પરિવારને મુશ્કેલી થશે.
તો ગાંધીનગર જિલ્લાના બોરૂ ગામના ગોહિલ પરિવારના ત્રણ સભ્યો પણ અમેરિકાથી પરત ફર્યા છે, જેમાં કિરણ સિંહ ગોહિલની પત્ની મિત્તલબેન અને પુત્ર હેયાંશ સામેલ છે. આ ત્રણેય લોકો એક મહિના પહેલા અમેરિકા ગયા હતા.
કઈ રીતે અમેરિકા ગયા, જાણકારી નથી
કિરણ સિંહના માતાએ જણાવ્યું કે તેમનો પુત્ર, પુત્રવધૂ અને પૌત્ર થોડા સમય પહેલા અમેરિકા ગયા હતા. તે કઈ રીતે અમેરિકા ગયા તે વિશે જાણકારી નથી. તો કિરણના માતાને ખબર પડે કે તે ભારત આવી રહ્યો છે તો તે ભાવુક થયા અને કહ્યું કે જો તે પરત આવે તો સારૂ છે. છેલ્લા 15 દિવસથી તેની સાથે કોઈ વાત થઈ નથી. તેમને પુત્રની ચિંતા થઈ રહી છે.
ગ્રામજનોનું કહેવું છે કે તેમને કિરણના અમેરિકા જવાની જાણકારી નથી. તેમણે કહ્યું કે કિરણના પરિવાર પાસે જમીન છે. આ સિવાય તેમનો પુત્ર અહીં નાની-મોટી નોકરી કરતો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે