અમદાવાદમાં એક પિતાની ખતરનાક કરતૂત, પોતાના જ દિકરાને ઝેર આપી મારી નાખ્યો
અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાના પુત્રને પાણીમાં ઝેર મિક્સ કરી આપી દીધું. ત્યારબાદ 10 વર્ષીય બાળક ઉલ્ટીઓ કરવા લાગ્યો. પરિવારજનો તેને હોસ્પિટલ લઈ પહોંચ્યાં જ્યાં ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો.
Trending Photos
ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં પિતાએ દીકરાને સોડિયમ નાઇટ્રેટ પીવડાવીને મોતને ઘાટ ઉતારવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પત્ની મહેસાણા કામથી ગઇ હોવાથી પિતાને બાળક સાથે જીવન ટૂંકાવી દેવાનો વિચાર આવ્યો હતો. જેથી તેણે પહેલા બે બાળકોને ઊલટી ના થાય તેની દવા આપી અને બાદમાં દીકરાને સોડિયમ નાઇટ્રેટ પીવડાવી દીધું હતું. સોડિયમ નાઇટ્રેટથી દીકરાની તબિયત લથડતાં પિતા ગભરાઇ ગયા હતા અને તરત જ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા.
ચાંદખેડા વિસ્તારમાં આવેલા ન્યુ કમલકુંજ સોસાયટીમાં રહેતા યોગેશ ગોહિલે બાપુનગર પોલીસ સ્ટેશનમાં કલ્પેશ ગોહિલ વિરુદ્ધ હત્યાની ફરિયાદ કરી છે. યોગેશનો નાનો ભાઇ કલ્પેશ તેનાં માતા-પિતા, પત્ની અને બાળક સાથે રહે છે. બાપે દીકરાને 30 ગ્રામ સોડિયમ નાઇટ્રેટ પીવડાવી દેતા તેના હોઠ વાદળી થઇ ગયા હતા અને તેના પેટમાં દુખાવો શરૂ થઇ ગયો હતો.
કલ્પેશ ગભરાઇ જતા તે તરત જ ભાગી ગયો હતો અને પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. દીકરાને વગર કારણે સોડિયમ નાઇટ્રેટ પીવડાવીને મોતને ઘાટ ઉતારનાર કલ્પેશ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. પોલીસે ઓમની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી છે અને કલ્પેશની ધરપકડ કરી છે.
સંતાનની હત્યા કરી આત્મહત્યાનો વિચાર કર્યો
પત્ની મહેસાણા જતી રહી હતી જેના કારણે કલ્પેશે દીકરાઓની હત્યા કરીને પોતે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો. કલ્પેશે પહેલા ઓમને સોડિયમ નાઇટ્રેટ પીવડાવી દીધું હતું અને જેમાં તેની તબિયત લથડતાં તે ગભરાઇ ગયો હતો. ઓમ બાદ કલ્પેશ જિયાની પણ હત્યા કરવાનો હતો, પરંતુ તે ગભરાઇ ગયો અને તરતજ પોલીસ સ્ટેશને દોટ મૂકી હતી..આમ એક બાપે વગર વિચારે નિર્દોષ બાળકની હત્યા કરતા ફિટકાર વરસી રહ્યો છે .
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે