ગુજરાતમાં પાલિકા અને પંચાયતની ચૂંટણી પહેલાં ભાજપ-કોંગ્રેસમાં ભડકો! જાણો ક્યા કેવું સર્જાયું છે કમઠાણ?
ઉમેદવારોની જાહેરાત બાદ કેટલાય શહેરોમાં કાર્યકરો નારાજ હોવાના સમાચાર મળી રહ્યા છે. નારાજગી એટલી હદ સુધી જોવા મળી રહી છે કે, રાજીનામોનો સિલસિલો પણ શરૂ થયો છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: રાજ્યમાં પાલિકા અને પંચાયતની ચૂંટણીઓ જાહેર થયા બાદ હવે ઉમેદવારોને લઈને ભાજપ અને કોંગ્રેસ પક્ષમાં કમઠાણ સર્જાયું છે. ઉમેદવારોની જાહેરાત બાદ કેટલાય શહેરોમાં કાર્યકરો નારાજ હોવાના સમાચાર મળી રહ્યા છે. નારાજગી એટલી હદ સુધી જોવા મળી રહી છે કે, રાજીનામોનો સિલસિલો પણ શરૂ થયો છે.. ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે પણ આ ઉકળતો ચરૂ સામે આવ્યો.
- ચૂંટણી પહેલાં ભાજપ-કોંગ્રેસમાં ભડકો
- અસંતુષ્ટ ઉમેદવારોનો ફાટ્યો રાફડો
- ચૂંટણી પહેલાં વિવાદને કેવી રીતે કરશે શાંત?
ઉકળતા ચરૂની સૌથી પહેલાં વાત રાજકોટથી કરીએ...રાજકોટની જેતપુર પાલિકામાં ઉમેદવારી ફોર્મ ભરવાના દિવસે જ ભડકો સર્જાયો. ભાજપ દ્વારા જેતપુર પાલિકા માટે કુલ 42 ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યો હતો. જોકે, બે ઉમેદવારોને મેન્ડેટ આપવાનો બાકી હતો.. પરંતુ, પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સખરેલીયાના નામનું મેન્ડેટ ન આવતા ભાજપમાં વિવાદ શરૂ થયો છે.. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા તમામ 42 ઉમેદવારો પૂર્વ પ્રમુખ સુરેશભાઈના સમર્થનમાં આવ્યા છે અને રાજીનામું આપી દેવાની પણ તૈયારી દર્શાવી છે.
તો બીજી તરફ સોનગઢ નગરમાં પણ ભાજપમાં વિખવાદ જોવા મળ્યો. સોનગઢ નગર પાલિકાની ચૂંટણીમાં ભાજપમાંથી ટિકિન મળતાં જિલ્લા ભાજપ સંગઠન મંત્રી પદેથી અનિતા બેન પાટીલે રાજીનામું આપ્યું છે.. ટિકિટ ન મળવાના કારણે નારાજ થઈને જિલ્લા સંગઠન મંત્રીએ રાજીનામું આપ્યું છે..
હાલોલ નગર પાલિકામાં પણ મોટા પ્રમાણમાં ઉથલ પાથલ જોવા મળી છે. ભાજપ દ્વારા વોર્ડ નંબર 3માંથી કોંગ્રેસના જીતેલા ઉમેદવાર સલીમ સરજોનને મેન્ટેડ આપવામાં આવ્યું છે.. છેલ્લી ઘડીએ કોંગ્રેસના ઉમેદવારને ભાજપ દ્વારા મેન્ટેડ આપતા વિવાદ સર્જાયો છે.. સાથે જ લઘુમતી બહુલ્યવાળા વોર્ડ નંબર 5માં પણ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરને મેન્ડેટ આપી દેવામાં આવ્યા છે.. જેના કારણે ભાજપના અગ્રણીઓ નારાજ જોવા મળ્યા હતા.
જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 બેઠકો માટે ભાજપ દ્વારા વહેલી સવારે યાદી બહાર પાડવામાં આવી હતી. જેમાંથી 13 ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા હતા અને અન્ય પાંચ વોર્ડમાં જે ઉમેદવારો છેલ્લે શાસકમાં હતા તેની જગ્યાએ તેમના પરિવારજનોને ટિકિટ આપવામાં આવી છે. બીજી તરફ કોંગ્રેસ પક્ષ દ્વારા ખાનગી રહે ઉમેદવારોને ફોન કરીને ફોર્મ ભરવા માટે બોલાવી લેવામાં આવ્યા હતા અને તમામ વોર્ડમાં ઉમેદવારો એ ફોર્મ ભરીને વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો હતો..
ચૂંટણીની તારીખ હવે નજીક છે. એવામાં ભાજપ અને કોંગ્રેસમાં ચાલતા વિવાદ વચ્ચે આ ઉકળતા ચરૂને શાંત કેવી રીતે કરવો તે સૌથી મોટો પડકાર છે. ત્યારે જોવું એ રહ્યું કે, ચૂંટણી પહેલાં આ વિખવાદનો અંત કેવી રીતે આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે