કેન્દ્રીય બજેટ 2025-26માં ગુજરાતને અનેક મોટી ભેટ; MSME સેક્ટરથી લઈને ખેડૂતો સુધી...કોને શું મળ્યું?

કેન્દ્રીય બજેટ 2025-26માં ગુજરાતને મળી અનેક ભેટ, રાજ્યના MSME સેક્ટર અને સ્ટાર્ટઅપ્સને, કપાસના ખેડૂતોને મોટા ફાયદાઓ. GIFT સિટીમાં IFSCમાં કાર્યરત નાણાકીય એકમોને એક્ઝમ્પશન, ડિડક્શન અને રિલોકેશનની જોગવાઈઓ વર્ષ 2030 સુધી લંબાવવામાં આવી. ગુજરાત દેશના વિકાસના ગ્રોથ એન્જિન તરીકે વિકસિત ભારત@2047માં પણ અગ્રેસર રહેવા સજ્જ.

કેન્દ્રીય બજેટ 2025-26માં ગુજરાતને અનેક મોટી ભેટ; MSME સેક્ટરથી લઈને ખેડૂતો સુધી...કોને શું મળ્યું?

ઝી બ્યુરો/ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામને આજે વર્ષ 2025-26 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં દેશભરના નોકરિયાત વર્ગના લોકો માટે સૌથી મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે, અને તે એ છે કે, હવે વાર્ષિક ₹12 લાખ સુધીની આવક ધરાવનારાઓને ઇન્કમ ટેક્સ ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. વિકસિત ભારત@2047ના સંકલ્પને સાકાર કરતું આ બજેટ ગુજરાત અને તેના નાગરિકો માટે પણ અનેક ભેટ લઇને આવ્યું છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કેન્દ્રીય બજેટને આવકારતા જણાવ્યું છે કે, આ બજેટ ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ આધારિત વિકાસને ગતિ આપનારું આ બજેટ છે. એગ્રીકલ્ચર, એમએસએમઈ, ઇન્વેસ્ટમેન્ટ અને એક્સપોર્ટ, આ ચાર મહત્વપૂર્ણ વિષયોને આ બજેટમાં આવરી લેવાયા છે. ગુજરાત દેશના વિકાસના ગ્રોથ એન્જિન તરીકે વિકસિત ભારત@2047માં પણ અગ્રેસર રહેવા સજ્જ છે, અને તેમાં આ બજેટની જોગવાઈઓ નવું બળ પૂરું પાડશે.

સ્ટાર્ટઅપ્સ અને MSME સેક્ટર માટે મોટી જાહેરાત
હાલ દેશમાં 1 કરોડથી વધુ રજિસ્ટર્ડ MSMEs છે, જેઓ પોતાના ગુણવત્તાયુક્ત ઉત્પાદનો સાથે દેશની કુલ નિકાસના 45 ટકા નિકાસ માટે જવાબદાર છે. અને તેથી સ્કેલ, ટેકનોલોજીકલ અપગ્રેડેશન અને મૂડીની વધુ સારી પહોંચની ઉચ્ચ કાર્યક્ષમતા પ્રાપ્ત કરવામાં આ MSMEs ને મદદરૂપ થવા માટે, કેન્દ્રીય બજેટમાં તમામ MSMEs ના વર્ગીકરણ માટે રોકાણ અને ટર્નઓવર મર્યાદા અનુક્રમે 2.5 ગણી અને 2 ગણી વધારવામાં આવી છે. ગુજરાતમાં આજે લગભગ 19 લાખથી વધુ MSMEs નોંધાયેલા છે, અને ભારતમાં ઉદ્યમ પોર્ટલ પર રજિસ્ટ્રેશમાં ગુજરાત ચોથું સ્થાન ધરાવે છે. બજેટમાં થયેલી આ જાહેરાતથી ગુજરાતના MSMEsની કાર્યક્ષમતા વધારવામાં અને ઉચ્ચ પ્રોડક્ટિવિટી પ્રાપ્ત કરવામાં ખૂબ ફાયદો થશે. 

આ સાથે જ નવા ઉદ્યોગસાહસિકો માટે, ખાસ કરીને મહિલાઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં પહેલીવારના ઉદ્યોગસાહસિકો માટે ‘ફર્સ્ટ ટાઇમ એન્ટરપ્રેન્યોર્સ સ્કીમ’ જાહેર કરવામાં આવી છે. ગુજરાત આજે સ્ટાર્ટઅપ્સનું હબ બની રહ્યું છે, અને DPIIT, ભારત સરકાર દ્વારા દર વર્ષે જાહેર કરવામાં આવતા સ્ટાર્ટઅપ રેંકિંગ અંતર્ગત ગુજરાત છેલ્લા 4 વર્ષથી સતત બેસ્ટ પર્ફોર્મર રાજ્ય બન્યું છે. 

ગુજરાત સરકાર નવા ઉભરી રહેલા સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકોને સતત પ્રોત્સાહન અને સહયોગ આપી રહી છે. ત્યારે કેન્દ્રીય બજેટમાં જાહેર થયેલી આ નવી સ્કીમથી રાજ્યમાં પ્રથમવાર ઉદ્યોગસાહસિકો તરીકે શરૂઆત કરી રહેલી મહિલાઓ, તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને આ નવી યોજનાનો ખૂબ લાભ મળશે. આ નવી યોજના હેઠળ 5 લાખ જેટલી મહિલાઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉદ્યોગસાહસિકોને આગામી 5 વર્ષ સુધી ₹2 કરોડની ટર્મ લોન આપવામાં જાહેરાત પણ કરવામાં આવી છે, જેનાથી તેમને તેમના ઔદ્યોગિક સાહસ માટે સરળતાથી ધિરાણ પણ મળી રહેશે. 

આ ઉપરાંત, MSMEs અને સ્ટાર્ટઅપ્સ માટે ક્રેડિટ ગેરંટી કવરની રકમ પણ વધારવામાં આવી છે, જેનો ફાયદો રાજ્યના MSMEs અને સ્ટાર્ટઅપ્સને પણ થશે. તેઓને ધિરાણ મેળવવામાં મુશ્કેલી રહેશે નહીં. 

ગિફ્ટ સિટીમાં IFSCમાં કાર્યરત નાણાકીય એકમોને એક્ઝમ્પશન, ડિડક્શન અને રિલોકેશનની જોગવાઈઓ વધુ 5 વર્ષ માટે લંબાવવામાં આવી. ગિફ્ટ સિટીમાં કાર્યરત ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર (IFSC)માં  વધારાની પ્રવૃત્તિઓને આકર્ષવા અને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય બજેટમાં IFSC માં સ્થાપિત વૈશ્વિક કંપનીઓના શિપ-લીઝિંગ યુનિટ્સ, વીમા ઓફિસો અને ટ્રેઝરી સેન્ટર્સને વિશેષ લાભો આપવામાં આવ્યા છે. આ સાથે જ, IFSCમાં કાર્યરત નાણાકીય એકમોને એક્ઝમ્પશન, ડિડક્શન અને રિલોકેશનની જોગવાઈઓ 31મી માર્ચ, 2030 સુધી લંબાવવામાં આવી છે. 

કૃષિ ક્ષેત્રે લાભ
નાણાંમંત્રીએ કેન્દ્રીય બજેટમાં કોટન પ્રોડક્ટિવિટી મિશન એટલે કે કપાસ ઉત્પાદકતા મિશનની જાહેરાત કરી છે, જેમાં કપાસની ઉપજ વધારવા માટે તેમજ એક્સ્ટ્રા લોંગ સ્ટેપલ કોટનને પ્રોત્સાહન આપવા માટે પાંચ વર્ષીય યોજના જાહેર કરવામાં આવી છે. કપાસના ઉત્પાદનમાં ગુજરાત આજે દેશનું અગ્રેસર રાજ્ય છે. આ યોજના ગુજરાતમાં કપાસ પકવતા ખેડૂતો માટે ખૂબ ઉપયોગી સાબિત થશે, જે સરવાળે રાજ્યના કપાસની ઉત્પાદકતામાં વધારો કરશે.

આ ઉપરાંત, કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા ₹3 લાખથી વધારીને ₹5 લાખ કરવામાં આવી છે, જે રાજ્યના ખેડૂતોને આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થશે. બાગાયતી પાકોના ઉત્પાદનો સહિત એર કાર્ગો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ અને વેરહાઉસિંગ અપગ્રેડ કરવા અંગે પણ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતના બાગાયતી પાકોના ઉત્પાદન માટે આ જોગવાઈઓ ઉપયોગી બનશે. 

કનેક્ટિવિટી અને ટુરિઝમ
કેન્દ્રીય બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે UDAN યોજના હેઠળ આગામી 10 વર્ષોમાં 120 નવા એરપોર્ટ્સ બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત દેશના એવા રાજ્યોમાંનું એક છે, જેણે ઉડાન યોજનાના અમલીકરણમાં નોંધનીય પ્રદર્શન કર્યું છે. છેલ્લા 8 વર્ષમાં આ યોજના હેઠળ રાજ્યમાં 6 પ્રાદેશિક એરપોર્ટની કામગીરી સફળતાપૂર્વક શરૂ કરવામાં આવી છે. બજેટમાં ઉડાન યોજના હેઠળ જે જાહેરાત કરવામાં આવી છે, તેના કારણે રાજ્યમાં રિજિયોનલ કનેક્ટિવિટીનો વિકાસ વધુ ઝડપી કરવામાં મદદ મળશે, તેમજ સ્થાનિક સ્થળોએ હવાઇયાત્રા કરનારા યાત્રિકોને તો લાભ મળશે જ, સાથે રાજ્યની એકંદર અર્થવ્યવસ્થાને પણ ખૂબ ફાયદો થશે. 

આ ઉપરાંત, કેન્દ્રીય બજેટમાં દેશના ટોચના 50 પ્રવાસન સ્થળોને વિકસિત કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં બૌદ્ધ વારસા સાથે સંકળાયેલા સ્થળો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો સાથે ભાગીદારી કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, ગુજરાત પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે દેશમાં સૌથી વધુ બજેટ ફાળવતા રાજ્યમાંનું એક છે. રાજ્યના પ્રવાસન ક્ષેત્રોનો વિકાસ કરવા માટે, અને સરળ પ્રવાસન સુવિધાઓ પૂરી પાડવા માટે ગુજરાત સતત પ્રયત્નો કરી રહ્યું છે. ત્યારે બજેટમાં ટોચના પ્રવાસન સ્થળોને વિકસિત કરવા માટે કરવામાં આવેલી જોગવાઈથી ગુજરાતમાંથી પસાર થઈ રહેલી બૌદ્ધ સર્કિટને પણ ફાયદો થશે. તેનાથી રાજ્યના પ્રવાસન સ્થળો પર વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત થશે, સાથે જ પ્રવાસીઓને સુખદ પ્રવાસન અનુભવ પણ મળશે. 

કેન્દ્રીય બજેટમાં શિપ બિલ્ડીંગ તેમજ શિપ બ્રેકિંગને પ્રવૃત્તિઓને વેગ આપવા અને મેરીટાઇમ ક્લસ્ટરોના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ₹25,000 કરોડના મેરીટાઇમ બોર્ડ ફંડની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના મેરિટાઇમ સેક્ટરને આવા ફંડિંગથી મોટું બળ મળશે.

નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન
ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વધારવા, ઉચ્ચ માંગવાળી નોકરીઓ માટે ફ્યુચર રેડી કાર્યબળ તૈયાર કરવા, તેમજ ક્લીન ટેક મેન્યુફેક્ચરિંગ એટલે કે સોલર પીવી, ઇવી બેટરી, વિન્ડ ટર્બાઇન, ઇલેક્ટ્રોલાઇઝર્સ, ગ્રીડ-સ્કેલ બેટરી વગેરેના મેન્યુફેક્ચરિંગને વેગ આપવા માટે કેન્દ્રીય બજેટમાં નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન જાહેર કરવામાં આવ્યું છે. ક્લીન ટેક મેન્યુફેક્ચરિંગ પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ ઔદ્યોગિક વિકાસ સુનિશ્ચિત કરશે. 

મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે, આ મિશનમાં નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોને સામેલ કરવામાં આવ્યા છે. ગુજરાત આજે મેન્યુફેક્ચરિંગનું હબ છે અને દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 18%નું યોગદાન આપે છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને ક્લીન ટેક મેન્યુફેક્ચરિંગમાં પણ ગુજરાત આગળ વધી રહ્યું છે, ત્યારે આ નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન પણ ગુજરાત માટે લાભકારક સાબિત થશે. નાણાંમંત્રીએ રજૂ કરેલા બજેટે રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગની અપેક્ષાઓને પણ પૂર્ણ કરી છે, જેમાં ‘સિટિઝન ફર્સ્ટ’નો મંત્ર સાકાર થતો દેખાય છે. વિકસિત ભારત@2047 માટે દેશના રાજ્યો પણ સંપૂર્ણ વિકસિત બને તેવી નેમને સાકાર કરતું કેન્દ્રીય બજેટ 2025-26 સર્વગ્રાહી અને સમાવેશી બજેટ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news