ગુજરાતમાં વિરોધના વાવાઝોડા વચ્ચે બે આંદોલન સમેટાયા, જુઓ કોની માંગણી પૂર્ણ થઈ

Gujarat Election : આખરે માજી સૈનિકોનું આંદોલન પૂર્ણ... 14 મુદ્દાની માગ પૂર્ણ કરવા માટે કમિટીની રચના કરાઈ... વહેલામાં વહેતી તકે માગ પૂર્ણ કરવા સરકારે ખાતરી આપી... 
 

ગુજરાતમાં વિરોધના વાવાઝોડા વચ્ચે બે આંદોલન સમેટાયા, જુઓ કોની માંગણી પૂર્ણ થઈ

સપના શર્મા/ગાંધીનગર :ગુજરાતમાં આંદોલનનો પવન ફૂંકાયો છે. વિવિધ માંગણીઓ પૂર્ણ કરવા માટે હાલ સરકાર ચારેતરફથી ભીંસાઈ છે. ત્યારે ગઈકાલે એસટી કર્મચારીઓના આંદોલનનો સુખદ અંત આવ્યો હતો. ત્યારે આજે માજી સૈનિકોની માંગણીઓનો સંતોષકારક ઉકેલ આવ્યો છે. સરાકરે ઉકેલ લાવવા માટે સમિતિની રચનાની જાહેરાત કરી છે. ત્યારે ગુજરાતમાં બે આંદોલનો સમેટાયા છે. 

માજી સૈનિકોના 14 પ્રશ્નોનો ઉકેલ
માજી સૈનિકોના 14 પ્રશ્નોનો ઉકેલ અંગે ગાંધીનગરના રેન્જ આઈજી અભયસિંહ ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, માજી સૈનિકોની માંગણીઓનો સંતોષકારક ઉકેલ લાવવા સમિતિની રચના કરાઈ છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને 5 સભ્યોની સમિતિ બનાવાઈ છે. જેમાં અધ્યક્ષ સાથે મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ, નાણાં વિભાગના અગ્ર સચિવ અને ગૃહ વિભાગના નાયબ સચિવની સમિતિ બનાવવામાં આવી છે. માજી સૈનિકોનું આંદોલન પૂર્ણ કરવાની બાંહેધરી આપી છે.

અમે રાજીખુશીથી ઘરે જઈશું - માજી સૈનિકો
ત્યારે આંદોલન સમેટાઈ જતા અને તેનો ઉકેલ આવતા જીતેન્દ્ર નિમાવતે જણાવ્યું કે, ઘણા દિવસના અંતે નિરાકરણ લાવવા કમિટીની રચના થઇ છે. મને લાગે છે કે ભૂતકાળમાં આવી કોઈ કમિટી બની નથી. ભવિષ્યમાં આજ રીતે સીધી લીટીમાં મે સરકારને રજૂઆત કરીશું. છેવાડાના માજી સૈનિકોને સાંળલે તેવી રજૂઆત કરીશું. આજે અમે રાજીખુશીથી ઘરે જઈએ છીએ. 

ગાંધીનગરમાં આંદોલનની આગ યથાવત
ગાંધીનગરમાં બે આંદોલનો ભરે સમેટાયા હોય, પરંતું આંદોલનની આગ યથાવત છે. વિધાનસભા ચોમાસુ સત્રના પ્રથમ દિવસે કર્મચારીઓનું આક્રમક આંદોલન યથાવત છે. જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં કર્મચારીઓ એકઠા થયા હતા. વિધાનસભા ચોમાસુ સત્રના પ્રથમ દિવસે કર્મચારીઓનું આક્રમક આંદોલન જોવા મળ્યું. જૂની પેન્શન યોજના લાગૂ કરવાની માગ પર કર્મચારીઓ પર અડગ છે. તો ગાંધીનગર સુધી પહોંચતા શિક્ષકોને અટકવવા શિક્ષક વિભાગ સક્રિય બન્યું છે. કેટલાક જિલ્લામાં તાલુકા પ્રાથમિક અધિકારી મારફતે 21 થી 23 સપ્ટેમ્બર શિક્ષકોની રજા મંજૂર ન કરવા આદેશ કરાયા છે. ઉચ્ચ અધિકારીઓ પ્રાથમિક શાળામાં પહોંચતા હોવાનું કારણ અપાયું છે. મહત્વનું છે કે, આકસ્મિક સંજોગોમાં રજા માટે શિક્ષકોને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસે મંજૂરી લેવાની હોય છે. ત્યારે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ રજા મંજૂર કરી નથી. આરોગ્યકર્મીઓને ગાંધીનગર પહોંચવા માટે આરોગ્ય કર્મચારી મહાસંઘનો આદેશ કરાયો છે. 

આરોગ્ય કર્મચારીઓનો હડતાળનો 46 મો દિવસ
તો બીજી તરફ, સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે આરોગ્યકર્મીઓ ભૂખ હડતાળ કરશે. આરોગ્ય કર્મચારીઓની હડતાળને આજે 46 મો દિવસ છે. જ્યાં સુધી તેમની ત્રણ માંગણીઓ સંતોષવામાં ન આવે ત્યાં સુધી હડતાલ યથાવત રાખવાની કર્મચારીઓની ચીમકી આપી છે. વારંવાર બેઠકો બાદ પણ આરોગ્ય કર્મચારીઓના પ્રશ્નોનો કોઈ નિવેડો આવ્યો નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news