ઘુમર બ્રાન્ડનું ઘી ખાતા હોય તો ચેતી જજો! ગુજરાતમાં અહીંથી ઝડપાયો 103820નો માલ, વેપારીઓમાં ફફડાટ
પાલનપુરની ઘી ફેક્ટરીમાં ફૂડ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી છે. ઘુમર બ્રાન્ડના નામે બનતો 180 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો સીલ, 1 લાખથી વધુનો માલ જપ્ત કરવામાં આવ્યો છે.
Trending Photos
અલકેશ રાવ/બનાસકાંઠા: બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પાલનપુરના ચંડીસરમાં આવેલ જીઆઇડીસીમાં ચાલતી શ્રી સેલ્સ ફેકટરીમાં રેડ કરી 1,03820 રૂપિયાનો શંકાસ્પદ ઘીનો 180 કિલો જથ્થો જપ્ત કરી અલગ-અલગ સેમ્પલો લઈને પરીક્ષણ માટે મોકલ્યા છે. અહીં ઘુમર બ્રાન્ડનું ગાય અને ભેંસનું શંકાસ્પદ ઘી બનાવીને અલગ-અલગ રાજ્યોમાં સપ્લાય કરાતું હતું. જોકે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહીના પગલે ભેળસેળ કરનારા વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં ભેળસેળીયા વેપારીઓ બેફામ બની ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહ્યા છે, જેને લઈને બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અગાઉ એક્શનમાં આવીને ગોડાઉન તેમજ કોલ્ડ સ્ટોરેજમાંથી મોટી માત્રામાં ગળ્યો માવો ઝડપી લીધો હતો.
આ ઉપરાંત ખાદ્ય તેલ, ઘી, મરચા, હળદર, આટો બનાવતા ફેક્ટરીઓ તેમજ મીઠાઈની દુકાનો, હોટલો, રેસ્ટોરન્ટ, દૂધના માવાના ભઠ્ઠા સહિતની અનેક જગ્યાએ તપાસ કરી સેમ્પલ લઈ શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બાતમીના આધારે પાલનપુરના ચંડીસર જીઆઈડીસીના પ્લોટ નંબર 238માં ચાલતી શ્રી સેલ્સ ઘીની ફેકટરી ઉપર રેડ કરીને ત્યાંથી 1,03820 રૂપિયાનું શંકાસ્પદ 180 કિલો જપ્ત કરીને ત્યાં બની રહેલા ઘુમર બ્રાન્ડ ઘીના અલગ-અલગ નુમનાઓ લઈને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલીને વધુ તપાસ હાથ ધરી છે. શ્રી સેલ્સ ફેક્ટરીનો માલિક દિનેશ મહેસૂરિયા ઘુમર બ્રાન્ડનું ગાય અને ભેંસનું ઘી બનાવીને તેને અલગ-અલગ પેકિંગમાં પેક કરીને તેનું અનેક રાજ્યમાં વેચાણ કરતો હતો.
જોકે આ શંકાસ્પદ ઘી તે કેટલા સમયથી બનાવતો હતો અને તેને કેવી રીતે અને ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું તે એક મોટો સવાલ છે. જોકે હાલ તો આ શંકાસ્પદ ઘીની ફેકટરી ઉપર રેડ પડ્યા બાદ તેનું શટર પાડીને અંદરથી લોક મારી દઈને તેને બંધ કરી દેવાઈ છે પરંતુ ચંડીસરની જીઆઇડીસી તેમજ અનેક રહેણાંક મકાનોમાં બનાવટી ઘી સહિત અનેક વસ્તુઓ બનતી હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે ત્યારે ફૂડ વિભાગ આવી શંકાસ્પદ જગ્યાઓ ઉપર રેડ કરે તેવી લોક માંગ ઉઠી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે