આદિવાસીઓની અલગ ભીલીસ્તાનની માંગ પર ભાજપના મંત્રીનું મોટું નિવેદન

Separate Bhilistan Demand : આદિજાતિ મંત્રી કુબેર ડીંડોરે કહ્યું, આદિવાસી સમાજના બાળકોને ‘હાથમાં ધારિયા અને કાનમાં બાલિયા’નું ગીત કોંગ્રેસના જમાનાનું છે. હવે ‘હાથમાં કલમ અને કાનમાં સ્ટેથોસ્કોપ’ એવું બોલવાનું. અલગ ભીલીસ્તાનની માંગણી પર મંત્રીએ શું કહ્યું...

આદિવાસીઓની અલગ ભીલીસ્તાનની માંગ પર ભાજપના મંત્રીનું મોટું નિવેદન

Narmada News : ડેડીયાપાડાની ઈનરેકા સંસ્થામાં 41 વાર્ષિક મહોત્સવમાં હાજરી આપવા પહોંચેલા રાજ્યના આદિજાતી અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું શાળા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમની સાથે સાંસદ મનસુખ વસાવા, સહિત ઇનરેકા સંસ્થાના વિવિધ લોકો પણ આવ્યા હતા.

આદિજાતિ મંત્રી કુબેર ડીંડોરે ધારાસભ્ય ચૈતર વસાવાનાં ગઢમાં આવીને તેમનું નામ લીધા વગર કેટલાક લોકો યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યાની વાત કરી કટાક્ષ માર્યો હતો. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં ભણ્યા એટલે પાછળ છો અને હાલના વિદ્યાર્થીઓ ભાજપના શાસન માં ભણે છે એટલે આગળ વધી રહ્યા છે. આદિવાસી નૃત્ય કોંગ્રેસના સમયનું છે. હવે ભણવું પડે તો આગળ વધીશું. આદિવાસી નૃત્યનું ગીત છે. ‘અમુ આદિવાસી હાથમાં દાંડિયું’ ને મોદીસાહેબના શાસનમાં નવું ગીત લાવો ‘હાથમાં કલમ અને ગળામાં સ્ટેથોસ્કોપ.’ અમારી બાજુ હાલ પહેલા ગીત ગવાતા કે, ‘ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ આપું’ અને ‘ચાર ચાર બંગડી વાળી લાડી લઈ આપું’ એ પણ શિક્ષણ સારું મેળવ્યું હોય તો આવે.

સાંસદ મનસુખ વસાવાએ આદિવાસીઓએ જે ભીલ પ્રદેશની માંગ કરી છે તેને લઈ મોટું નિવેદન આપ્યું કે, ભીલ પ્રદેશની માંગો ને લઈ ખોટી શક્તિ વેડફી રહ્યા છે. જે લોકો ભીલ પ્રદેશની માંગણી કરી રહ્યા છે એ બિલકુલ ખોટી માંગણીઓ છે. પહેલા એ નક્કી કરો કે આ પ્રદેશની રાજધાની ક્યાં હશે રાજસ્થાન વાળા કહે છે કે માનગઢ અમારી રાજધાની હશે. ગુજરાતવાળા કહે છે કે કેવડિયા અમારી રાજધાની હશે. આ લોકોને ગુમરાહ કરવાની વાત કરી રહ્યા છે. btp માંથી ભાજપ માં આવેલ મહેશ વસાવાએ પણ ગઈ કાલે પત્ર લખી જે ભીલ પ્રદેશની માગણી કરી છે એ પણ બિલકુલ ખોટી છે. એમની વાતમાં હું સહમત નથી અને આ ભીલ પ્રદેશની માંગણીઓમાં બધી પાર્ટી ભેગી થવાની છે કે આપ, ભાજપ કે કોંગ્રેસ હોય એ લોકો ભેગા થવાના છે એ શક્ય નથી અને હાલ ભાજપ પાર્ટી જે કરી રહી છે જે આદિવાસીઓના વિકાસ જ કરી રહી છે.

અલગ ભીલીસ્તાનની માંગણી સાથે લખાયો પત્ર
ઉલ્લેખનીય છે કે, ભીલીસ્થાન વિકાસ મોરચા અને ભીલીસ્થાન ટાઈગર સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ અલગ ભીલીસ્તાન રાજ્યની માંગણી કરી છે. ભીલીસ્થાન વિકાસ મોરચા અને ભીલીસ્થાન ટાઈગર સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનની સરકારને મળી અલગ ભીલીસ્તાન રાજ્યની માંગણી સાથે રાજયપાલ અને મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. પશ્ચિમ ભારતના ચાર રાજ્યોના આદિવાસી સમુદાય વસવાટ કરે છે. જે આદિવાસી સમુદાયના સંપૂર્ણ વિકાસ અને વિવિધ બોલીઓ અને સાંસ્કૃતિક ઓળખ ટકી રહે તે માટે એક રાજ્યની રચનાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત પશ્ચિમ ભારતના ચાર રાજ્યોના આદિવાસી સમુદાયો અપૂરતા વિકાસ અને રાજકીય તેમજ નીતિગત નિર્ણયોમાં ઉપેક્ષા સામે વિરોધ કરી રહ્યા છે. છેલ્લા 15 વર્ષથી ભીલિસ્તાન વિકાસ મોરચાના બેનર હેઠળ શિસ્તબદ્ધ આંદોલન કરવામાં આવી રહ્યા છે. સાથે સમયાંતરે રાષ્ટ્રપતિને રજૂઆત કરવામાં આવી રહી છે. ત્યારે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢનું નિર્માણ કર્યું હતું, તેવી જ રીતે ભીલીસ્થાનને અલગ રાજ્ય જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news