NRI થી ભરેલા ગુજરાતના આ ગામમાં રોગચાળો ફાટ્યો, કમળાના ટપોટપ 100 દર્દી થયા, એકનું મોત
Jaundice Epidemic Spread In Dharmaj : પેટલાદ તાલુકાના ધર્મજ ગામે વિવિધ વિસ્તારોમાં પીવાનું પાણી દુષિત આવતું હોવાથી પાણીજન્ય કમળા રોગો માથું ઉચકયું... સત્તાવાર 31 કેસ અને બિનસત્તાવાર 100 કેસ હોવાનું કહેવાય છે
Trending Photos
Anand News બુરહાન પઠાણ/આણંદ : આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાનાં ધર્મજ ગામમાં પાણી જન્ય કમળાનો રોગચાળો ફેલાતા સત્તાવાર રીતે 31 કેસ નોંધાયા છે, જયારે બિનસત્તાવાર 100 થી વધુ કેસ નોંધાયા હોવાનું કહેવાય છે. કમળાના રોગમાં 16 વર્ષની કિશોરીનું મોત નિપજ્યું છે.
ધર્મજ ગામનાં ભોઈ વાસ, અક્ષર નગર, વાડી ચોક, મોટી ફળી, નવી ઓડ સહિતના વિસ્તારોમાં પીવાના પાણીની લાઇનમાં લીકેજ સર્જાયું હતું. આ કારણે પીવાના પાણીની પાઇપ લાઇનમાં દુષિત પાણી ભળી ગયું હતું. જેથી કમળાનો પાણી જન્ય રોગચાળો ચારેતરફ ફેલાયો છે. કમળો ફેલાતા 31થી વધુ સત્તાવાર કમળાના કેસો નોંધાયા છે. જ્યારે બિન સત્તાવાર રીતે 100 થી વધુ કમળાના કેસો હોવાનું કહેવાય છે.
ધર્મજ ગ્રામ પંચાયત દ્વારા માત્ર ઓવરહેડ ટાંકીના પાણીમાં ક્લોરિનેશન કરવામાં આવે છે. જ્યારે બોરકુવામાંથી સીધા અપાતા પાણીમાં ક્લોરિનેશન કરવામાં આવતું નથી. તેમજ અત્યાર સુધીમાં પાણીની લાઇનમાં 10થી વધુ સ્થળોએ લીકેજ મળ્યા છે. જે રીપેર કરવા ગ્રામ પંચાયતમાં સૂચના આપવામાં આવી છે.
કમળાના રોગચાળાના કારણે નવી ઓડ રહેતી 16 વર્ષની ખુશી સુરેશભાઈ ઠાકોરનું કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં સારવાર દરમીયાન મોત નીપજ્યું છે જ્યારે તેનો સગો ભાઈ કમળાની સારવાર હેઠળ છે.
આરોગ્ય વિભાગની જૂદી જૂદી 15 જેટલી ટીમો દ્વારા ડોર ટુ ડોર ફરીને સર્વે કરવામાં આવી રહ્યો છે. અને પીવાના પાણીના સેમ્પલ ની ચકાસણી કરવામાં આવી રહી છે. જેમા મોટા ભાગના ઘરોમાં પીવાનું પાણી પીવા યોગ્ય નહીં હોવાનું જણાયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે