શ્રીલંકાઃ બસ સ્ટેન્ડ પાસે મળ્યા 87 વિસ્ફોટક, આજે રાતથી લાગુ થશે કટોકટી
શ્રીલંકામાં ગઈ કાલે થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં મૃત્યાંક 290ને પાર થઈ ગયો છે, અને ઘાયલોની સંખ્યા 500 પર પહોંચી છે, છેલ્લા એક દાયકાથી દેશમાં જળવાઈ રહેલી શાંતિ ડહોળાઈ ગઈ છે, ગઈકાલથી સમગ્ર દેશમાં લાગુ કરાયેલા કર્ફ્યુ બાદ હવે આજે રાતથી સમગ્ર દેશમાં કટોકટી લાગુ કરવાની શ્રીલંકાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે
Trending Photos
કોલંબોઃ શ્રીલંકામાં રવિવારે થયેલા 8 શ્રેણીબદ્ધ વિસ્ફોટ બાદ આજે સોમવારે કોલંબોના મુખ્ય બસ સ્ટેન્ડની પાસે 87 વિસ્ફોટક મળી આવ્યા છે. પેટ્ટા વિસ્તારમાં આવેલા સેન્ટ્રલ કોલંબો બસ સ્ટેન્ડમાંથી પોલિસને 87 બોમ્બ ડિટોનેટર મળ્યા છે. એક ચર્ચની પાછળ મળેલો બોમ્બ ડિફ્યુઝ કરતા સમયે તેમાં વિસ્ફોટ થઈ ગયો હતો. જોકે, તેમાં કોઈ જાનહાનીના સમચાર નથી. ગઈકાલથી સમગ્ર દેશમાં લાગુ કરાયેલા કર્ફ્યુ બાદ હવે આજે રાતથી સમગ્ર દેશમાં કટોકટી લાગુ કરવાની શ્રીલંકાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
શ્રીલંકાની પોલીસે જણાવ્યું કે, "પ્રારંભમાં 12 બોમ્બ ડિટોનેટર મળ્યા હતા. ત્યાર બાદ તપાસ કરતાં વધુ 75 ડિટોનેટર મળી આવ્યા હતા." ઉલ્લેખનીય છે કે, શ્રીલંકામાં રવિવારે ચર્ચ અને ફાઈસ્ટાર હોટલોમાં ઈસ્ટરના પ્રંસગે થયેલા આત્મઘાતી હુમલા સહિત કુલ 8 શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 290 લોકોનાં મોત થયા છે અને 500થી વધુ ઘાયલ થયા છે. પોલીસે વિસ્ફોટના સંદર્ભમાં 24 લોકોની ધરપકડ કરી છે.
શ્રીલંકામાં આજે અડધી રાતથી કટોકટી લાગુ
રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાની અધ્યક્ષતામાં મળેલી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ (NSC)ની બેઠકમાં દેશમાં કટોકટી લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. રાષ્ટ્રપતિના મીડિયા વિભાગ તરફથી જાહેરાત કરાઈ છે કે, દેશમાં આજે અડધી રાતથી કેટલીક શરતો સાથેનીકટોકટી લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. આતંકવાદને કાબુમાં લેવા માટે આ નિર્ણય લેવાયો છે, તેનાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર કોઈ અસર થશે નહીં.
મંગળવારે રાષ્ટ્રીય શોક દિવસ
આ સાથે જ શ્રીલંકાની સરકારે મગળવારે 'રાષ્ટ્રીય શોક દિવસ' જાહેર કર્યો છે. શ્રીલંકામાં રવિવારે ઈસ્ટરના પ્રસંગે કેટલીક ચર્ચ અને ફાઈવસ્ટાર હોટલોને નિશાન બનાવીને કરવામાં આવેલા આત્મઘાતી હુમલા અને 8 શ્રેણીબદ્ધ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. આ હોટલમાં ઈસ્ટરના પ્રસંગે મોટી સંખ્યામાં વિદેશીઓ આવતા હોય છે. આ વિસ્ફોટમાં 6 ભારતીય સહિત કુલ 290 લોકનાં મોત થયા હતા અને 500થી વધુ ઘાયલ થયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે