વર્લ્ડકપ 2019: ઈંગ્લેન્ડને 64 રને પરાજય આપી ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સેમીફાઇનલમાં
લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ઓસ્ટ્રેલિયાએ આઈસીસી વિશ્વકપ-2019ની 32મી મેચમાં યજમાન ઈંગ્લેન્ડને 64 રને પરાજય આપીને સેમીફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
Trending Photos
લંડનઃ લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ઓસ્ટ્રેલિયાએ આઈસીસી વિશ્વકપ-2019ની 32મી મેચમાં યજમાન ઈંગ્લેન્ડને 64 રને પરાજય આપીને સેમીફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે ઓસ્ટ્રેલિયા વિશ્વકપ-2019ની સેમીફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ કેપ્ટન એરોન ફિન્સની સદીની મદદથી 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 285 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 221 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે સૌથી વધુ 89 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી જેસન બેહરેનડોર્ફે 44 રન આપીને પાંચ તથા સ્ટાર્કે 43 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાના 7 મેચોમાં 6 જીત સાથે 12 પોઈન્ટ થઈ ગયા છે. જ્યારે ઈંગ્લેન્ડની સેમીફાઇનલની રાહ વધુ મુશ્કેલ બની ગઈ છે.
ઈંગ્લેન્ડની ખરાબ શરૂઆત
જેસન બેહરેનડોર્ફે પ્રથમ ઓવરના બીજા બોલ પર જેમ્સ વિન્સને બોલ્ડ કરીને ઈંગ્લેન્ડને પ્રથમ ઝટકો આપ્યો હતો. ત્યારબાદ સ્ટાર્કે જો રૂટ (8)ને LBW આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને બીજી સફળતા અપાવી હતી. કેપ્ટન ઇયોન મોર્ગન (4) રન બનાવી સ્ટાર્કનો શિકાર બન્યો હતો. ઈંગ્લેન્ડે 26 રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.
ત્યારબાદ સ્ટોક્સ અને જોની બેયરસ્ટોએ ટીમનો સ્કોર 50નેપાર પહોંચાડ્યો હતો. બેયરસ્ટો (27) રન બનાવી બેહરેનડોર્ફનો શિકાર બન્યો હતો. તેણે 39 બોલનો સામનો કરતા 5 ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ જોસ બટલરે બેન સ્ટોક્સ સાથે પાંચમી વિકેટ માટે 71 રનની ભાગીદારી કરી હતી. જોસ બટલર (25) રન પર સ્ટોઇનિસે ઉસ્માન ખ્વાજાના શાનદાર કેચની મદદથી પેવેલિયન પરત મોકલી આપ્યો હતો.
બેન સ્ટોક્સની વિશ્વકપમાં ત્રીજી અડધી સદી
એકતરફ ઈંગ્લેન્ડ વિકેટ ગુમાવી રહ્યું હતું. બીજીતરફ બેન સ્ટોક્સે શાનદાર બેટિંગ કરી હતી. તેણે આ વિશ્વકપમાં પોતાની ત્રીજી અડધી સદી પૂરી કરી હતી. સ્ટોક્સ શાનદાર બેટિંગ કરી રહ્યો હતો અને તે ક્રીઝ પર હતો ત્યાં સુધી ઈંગ્લેન્ડની જીતની આશા પણ જીવંત હતી. તેને 89 રનના સ્કોર પર મિશેલ સ્ટાર્કે શાનદાર યોર્કર દ્વારા બોલ્ડ કરીને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. સ્ટોક્સે 115 બોલનો સામનો કરતા 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.
મિશેલ સ્ટાર્ક આ વિશ્વકપમાં સૌથી સફળ બોલર
સ્ટાર્કે આ વિશ્વકપમાં અત્યાર સુધી કુલ 19 વિકેટ ઝડપી છે. તે સૌથી સફળ બોલર છે. ત્યારબાદ જોફ્રા આર્ચર 16 વિકેટ સાથે બીજા સ્થાને છે. પાકિસ્તાનનો મોહમ્મદ આમિર 15 વિકેટ સાથે ત્રીજા અને ન્યૂઝીલેન્ડનો લોગી ફર્ગ્યુસન 14 વિકેટ સાથે ચોથા સ્થાને છે. સ્ટાર્કે 8.4 ઓવરમાં 1 મેડન સાથે 43 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી.
બેહરેનડોર્ફની વિશ્વકપમાં મેડન 5 વિકેટ
ઓસ્ટ્રેલિયાએ આજે પોતાની ટીમમાં નાથન કૂલ્ટર નાઇલના સ્થાને જેસન બેહરેનડોર્ફને તક આપી હતી. તેણે આ તકનો ભરપૂર ફાયદો ઉઠાવતા ઈંગ્લેન્ડના પાંચ બેટ્સમેનોને આઉટ કર્યાં હતા. વિશ્વકપમાં બેહરેનડોર્ફની આ પહેલી પાંચ વિકેટ છે. તેણે 10 ઓવરમાં 45 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.
ફિન્ચે આ વિશ્વકપમાં પોતાની બીજી સદી ફટકારી
ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 7 વિકેટ પર 285 રન બનાવ્યા હતા. તેના માટે કેપ્ટન એરોન ફિન્ચે 100 રનનું યોગદાન આપ્યું હતું. આ વિશ્વકપમાં તેની બીજી સદી છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ વિશ્વકપમાં તે સતત બે સદી ફટકારી ચુક્યો છે. 2015મા તેણે 135 રન બનાવ્યા હતા.
ફિન્ચ-વોર્નરે પ્રથમ વિકેટ માટે 123 રનની ભાગીદારી કરી
ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર 53 રન બનાવી આઉટ થયો હતો. તેણે 61 બોલનો સામનો કરતા 6 ચોગ્ગા ફટકાર્યા હતા. વોર્નરે ફિન્ચ સાથે પ્રથમ વિકેટ માટે 123 રનની ભાગીદારી કરી હતી. મોઇન અલીએ વોર્નરને આઉટ કર્યો હતો. વોર્નર બાદ ઉસ્માન ખ્વાજા 23 રન બનાવીને સ્ટોક્સના બોલ પર બોલ્ડ થયો હતો. ખ્વાજા-ફિન્ચે બીજી વિકેટ માટે 50 રનની ભાગીદારી કરી હતી.
ખ્વાજા-મેક્સવેલ ફ્લોપ, સ્મિથ મોટી ઈનિંગ રમવાનું ચુક્યો
સ્ટીવ સ્મિથ 38 રન બનાવીને ક્રિસ વોક્સનો શિકાર બન્યો હતો. તેણે 34 બોલની ઈનિંગમાં 5 ચોગ્ગા ફટકાર્યા હતા. ઉસ્માન ખ્વાજા 23, ગ્લેન મેક્સવેલ 12 અને માર્કસ સ્ટોઇનિસ 8 રન બનાવી શક્યા હતા. અંતિમ ઓવરોમાં એલેક્સ કેરીએ 27 બોલમાં 38 રન બનાવ્યા હતા. તેણે 5 ચોગ્ગા ફટકાર્યા હતા. તેની આ ઈનિંગની મદદથી ઓસ્ટ્રેલિયા 280થી વધુ રન બનાવવામાં સફળ રહ્યું હતું. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સે બે વિકેટ ઝડપી હતી. જોફ્રા આર્ચર, માર્ક વુડ, મોઇન અલી અને બેન સ્ટોક્સને એક-એક સફળતા મળી હતી.
વોર્નરે શાકિબને પાછળ છોડ્યો
વોર્નરે આ વિશ્વકપમાં પોતાના 500 રન પૂરા કર્યાં હતા. તે આ આંકડા સુધી પહોંચનાર પ્રથમ બેટ્સમેન છે. વોર્નરે આ વિશ્વકપમાં ત્રીજી અડધી સદી ફટકારી હતી. વોર્નર આ વિશ્વકપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે 7 મેચમાં 500 રન બનાવ્યા હતા. વોર્નરે આ મામલે બાંગ્લાદેશના શાકિબ અલ હસનને પાછળ છોડી દીધો છે. શાકિબે 6 મેચમાં 476 રન બનાવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે