World Cup 2019: ટીમ ઈન્ડિયાના 'પેસ એટેક'માં આ 3 ખેલાડી, ચોથા સ્થાન માટે જંગ
વિશ્વકપ 2019 માટે ટીમ ઈન્ડિયામાં ભુવી, બુમરાહ અને શમીનું સ્થાન નક્કી છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતનો ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ પૂર્ણ થઈ ગયો છે. હવે વિશ્વકપ 2019 પહેલા ભારતે માત્ર પાંચ વનડે મેચ રમવાની છે. આ પાંચ મેચ ખેલાડીઓ માટે મહત્વના હશે. તેનાથી ખ્યાલ આવશે કે વિશ્વકપની ટીમમાં કોને-કોને સામેલ કરવામાં આવશે. ટીમ ઈન્ડિયાના બોલિંગ એટેકની વાત કરીએ તો તેમાં 3 ફાસ્ટ બોલર સંભવતઃ નક્કી છે. તેમાં જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમી સામેલ છે. ભારત પોતાની ટીમમાં ચાર ફાસ્ટ બોલર સામેલ કરશે. હવે રેસ ચોથા સ્થાન માટે છે, જેમાં ખલીલ અહમદ અને ઉમેશ યાદવ જેવા બોલર છે.
વિશ્વકપની દ્રષ્ટિએ જોઈએ તો ભારતની પાસે હવે ઓછો સમય બાકી છે અને ટીમની જાહેરાત કરવાની છે. તેવામાં ફાસ્ટ બોલિંગને જોઈએ તો ભુવી અને બુમરાહનું નામ નક્કી છે. આ સ્ટાર બોલર અનુભવની સાથે ફોર્મમાં પણ છે. ભુવીની વાત કરીએ તો તેણે આ વર્ષે રમેલી 8 વનડેમાં 15 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેની ઈકોનોમી રેટ 4.98 રહી છે. જ્યારે બુમરાહે આ વર્ષે વનડે મેચ રમી નથી. તેને આરામ આપવામાં આવ્યો છે. પરંતુ બુમરાહના પ્રદર્શનની વાત કરીએ તો તેણે 2018માં રમેલી 13 વનડેમાં 22 વિકેટ પોતાના નામે કરી છે. જેથી વિશ્વકપમાં આ બંન્ને મહત્વની ભૂમિકા નિભાવશે.
શમીની વાત કરીએ તો તેના માટે 2019ની શરૂઆત શાનદાર રહી છે. તેણે 7 વનડેમાં 14 વિકેટ ઝડપી છે. તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું છે. તે વર્ષ 2017 અને 18માં સારૂ પ્રદર્શન કરી શક્યો નથી. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં બુમરાહને આરામ આપવામાં આવ્યો હતો. ત્યારે તેના સ્થાને શમી મુખ્ય બોલરના રૂપમાં રમ્યો હતો.
શમી નવા અને જૂના બોલથી શાનદાર બોલિંગ કરી શકે છે. તેણે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં ભુવીની મદદ કરી અને તેનો દબાવ ઓછો કર્યો હતો. શમીએ શરૂઆતી સફળતા પણ અપાવી જેથી ટીમ તથા અન્ય બોલરોને મદદ મળી હતી. જેથી બુમરાહ અને ભુવીની સાથે શમીનું સ્થાન પણ નક્કી છે.
ભારતના ચોથા ફાસ્ટ બોલરની વાત કરીએ તો તેમાં ખલીલ અહમદની સંભાવનાઓ વધુ છે. તેણે છેલ્લા કેટલાક મેચમાં પ્રભાવી પ્રદર્શન કર્યું છે. જ્યારે ઉમેશ યાદવ પણ એક વિકલ્પના રૂપમાં હાજર છે. તેણે ડોમેસ્ટિકમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ખલીલે અત્યાર સુધી 8 વનડે રમી જેમાં 11 વિકેટ ઝડપી છે. તેણે 9 ટી20માં 10 વિકેટ લીધી છે. આ સિવાય પણ કેટલાક યુવા ખેલાડીઓ વિશ્વકપની રેસમાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે