IPL Final: છેલ્લા બોલે તૂટ્યું ગુજરાતનું દિલ, ચેન્નઈ સુપર કિંગ્સે પાંચમી વખત જીતી આઈપીએલ ટ્રોફી
GT vs CSK, IPL Final: મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને અમદાવાદમાં હરાવી પાંચમી વખત આઈપીએલ ટ્રોફી જીતી છે. રવિન્દ્ર જાડેજાએ અંતિમ બે બોલમાં ચોગ્ગો અને છગ્ગો ફટકારી ચેન્નઈને જીત અપાવી હતી.
Trending Photos
અમદાવાદઃ આઈપીએલ 2023ની ફાઇનલ (IPL 2023 Final) માં મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સે રોમાંચક મેચમાં છેલ્લા બોલે ગુજરાત ટાઈટન્સને પાંચ વિકેટે પરાજય આપી પાંચમી વખત આઈપીએલ ટ્રોફી જીતી છે. આ સાથે મહેન્દ્ર સિંહ ધોનીની સેના પાંચમી વખત આઈપીએલની ટ્રોફી જીતવામાં સફળ રહી છે. ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 214 રન ફટકાર્યા હતા. જ્યારે ચેન્નઈની ઈનિંગ શરૂ થઈ તો ત્રણ બોલ બાદ વરસાદ આવ્યો હતો. ત્યારબાદ ચેન્નઈને 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે 15 ઓવરમાં 171 રન બનાવી ટ્રોફી પોતાના નામે કરી હતી.
ચેન્નઈને જીત માટે અંતિમ ઓવરમાં 13 રનની જરૂર હતી. મોહિત શર્માએ પ્રથમ ચાર બોલ સાનદાર ફેંક્યા અને માત્ર ત્રણ રન આપ્યા હતા. પરંતુ રવિન્દ્ર જાડેજાએ પાંચમાં બોલે સિક્સ અને અંતિમ બોલે ચોગ્ગો ફટકારી ચેન્નઈને પાંચ વિકેટે જીત અપાવી હતી.
કોનવે અને ગાયકવાડ વચ્ચે 74 રનની ભાગીદારી
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સને બંને ઓપનરોએ સારી શરૂઆત અપાવી હતી. રુતુરાજ ગાયકવાડ અને કોનવેએ પાવરપ્લેમાં 52 રન ફટકારી દીધા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે 6.3 ઓવરમાં 74 રનની ભાગીદારી કરી હતી. ગાયકવાડ 16 બોલમાં 26 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ કોનવે 25 બોલમાં 4 ફોર અને 2 સિક્સ સાથે 47 રન બનાવી આઉટ થયો હતો. આ બંનેની વિકેટ નૂર અહમદે ઝડપી હતી.
અજિંક્ય રહાણે 13 બોલમાં બે ફોર અને બે સિક્સ સાથે 27 રન બનાવી આઉટ થયો હતો. અંબાતી રાયડૂએ 8 બોલમાં 19 રન ફટકાર્યા હતા. તો એમએસ ધોની શૂન્ય રન બનાવી પ્રથમ બોલ પર આઉટ થયો હતો. આ ત્રણેય બેટરોને મોહિત શર્માએ પેવેલિયન પરત મોકલી આપ્યા હતા.
શિવમ દુબે 21 બોલમાં બે સિક્સ સાથે 32 અને જાડેજા 6 બોલમાં 1 ફોર અને એક સિક્સ સાથે 15 રન બનાવી અણનમ રહ્યો હતો.
ગિલ અને સાહાની આક્રમક શરૂઆત
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સને રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલે આક્રમક શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ ઓવરથી બાઉન્ટ્રી ફટકારવાનું શરૂ કર્યું હતું. ગુજરાત ટાઈટન્સે પાવરપ્લેમાં વિના વિકેટે 62 રન ફટકારી દીધા હતા. ગુજરાતને પ્રથમ ઝટકો શુભમન ગિલના રૂપમાં લાગ્યો હતો. ગિલ 20 બોલમાં સાત ચોગ્ગાની મદદથી 39 રન બનાવી આઉટ થયો હતો.
સાહા અને સુદર્શન છવાયા
ગિલ આઉટ થયા બાદ સાઈ સુદર્શન ક્રિઝ પર આવ્યો હતો. રિદ્ધિમાન સાહાએ આઈપીએલ ફાઈનલમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. સાહા 39 બોલમાં 5 ફોર અને એક સિક્સ સાથે 54 રન બનાવી આઉટ થયો હતો. સાહા અને સુદર્શન વચ્ચે બીજી વિકેટ માટે 64 રનની ભાગીદારી થઈ હતી.
સુદર્શનની ધમાકેદાર ઈનિંગ
સાઈ સુદર્શને 47 બોલમાં 96 રન ફટકાર્યા હતા. સુદર્શને પોતાની ઈનિંગમાં 8 ચોગ્ગા અને છ સિક્સ ફટકારી હતી. કેપ્ટન હાર્દિક પંડ્યા 12 બોલમાં બે સિક્સ સાથે 21 રન બનાવી અણનમ રહ્યો હતો. ચેન્નઈ તરફતીડ મહિષા પથિરાનાએ 4 ઓવરમાં 44 રન આપી બે વિકેટ લીધી હતી. તો દીપક ચાહર અને રવીન્દ્ર જાડેજાએ એક-એક વિકેટ લીધી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે