IPL Mega Auction 2022: IPL ફ્રેન્ચાઇઝી ક્યા ખેલાડીઓને કરશે રિટેન, અહીં જુઓ લિસ્ટ

IPL Auction: આઈપીએલની હાલની આઠ ફ્રેન્ચાઇઝી વધુમાં વધુ ચાર ખેલાડીઓને રિટેન કરી શકે છે, જેમાં વધુમાં વધુ ત્રણ ભારતીય અને એક વિદેશી ખેલાડી હોઈ શકે છે. 

IPL Mega Auction 2022: IPL ફ્રેન્ચાઇઝી ક્યા ખેલાડીઓને કરશે રિટેન, અહીં જુઓ લિસ્ટ

નવી દિલ્હીઃ IPL Mega Auction: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની હાલની આઠ ફ્રેન્ચાઇઝી માટે ખેલાડીઓને રિટેન કરવાની સમય મર્યાદા મંગળવારે સમાપ્ત થઈ રહી છે અને તેવામાં કેટલીક ટીમ પોતાના મુખ્ય ખેલાડીઓને રિટેન કરી શકે છે, જ્યારે અન્ય ખેલાડીને રિલીઝ કરશે. 

આવતા વર્ષે યોજાનારી મોટી હરાજી પહેલા અંતિમ ક્ષણોમાં મોટાભાગની ટીમો પોતાની પસંદગીના ખેલાડીઓને પોતાની સાથે રાખવાનો પ્રયાસ કરી રહી છે. વર્તમાન આઠ ટીમના રિટેન કરાયેલા ખેલાડીઓને અંતિમ રૂપ આપ્યા બાદ, બે નવી ફ્રેન્ચાઈઝી લખનૌ અને અમદાવાદને 1 થી 25 ડિસેમ્બર સુધી ત્રણ ખેલાડીઓની પસંદગી કરવાની તક મળશે, ત્યારબાદ જાન્યુઆરીમાં હરાજી થશે.

હાલની આઠ ટીમ વધુમાં વધુ ચાર ખેલાડીઓને રિટેન કરી શકે છે, જેમાંથી ત્રણથી વધુ ભારતીય અને બેથી વધુ વિદેશી ખેલાડી ન હોઈ શકે. સમય મર્યાદા ખતમ થતાં પહેલા રિટેન થનારા સંભવિત ખેલાડીઓની યાદી સામે આવી છે. 

દિલ્હી કેપિટલ્સ
ફ્રેન્ચાઇઝી કેપ્ટન રિષભ પંત, પૃથ્વી શો, અક્ષર પટેલ અને દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર એનરિક નોર્ત્જેને પોતાની સાથે યથાવત રાખી શકે છે. ટીમે આર અશ્વિન અને રબાડા જેવા સારૂ પ્રદર્શન કરનાર ખેલાડીઓને છોડવા પડશે, જેને ટીમ હરાજીમાં ખરીદવાનો પ્રયાસ કરી શકે છે. આ સિવાય પૂર્વ કેપ્ટન અય્યરનો સાથ પણ દિલ્હી છોડી શકે છે. 

મુંબઈ ઈન્ડિયન્સ
પાંચ વખતની ચેમ્પિયન ટીમ કેપ્ટન રોહિત શર્મા અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની આસપાસ ટીમ તૈયાર કરશે. તો ટીમ ઈશાન કિશન અને કાયરન પોલાર્ડને પણ રિટેન કરી શકે છે. સામે આવેલા રિપોર્ટ પ્રમાણે મુંબઈ ઈન્ડિયન્સ પંડ્યા બ્રધર્સ અને સૂર્યકુમારને રિટેન કરશે નહીં. 

ચેન્નઈ સુપર કિંગ્સ
ચાર વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ પોતાના ચાર ખેલાડીઓને લગભગ નક્કી કરી ચુકી છે. કેપ્ટન એમએસ ધોની અને જાડેજાનું રિટેન થવું નક્કી છે, જ્યારે રુતુરાજ ગાયકવાડ અને મોઇન અલીને પણ ટીમ પોતાની સાથે જાળવી રાખશે. 

પંજાબ કિંગ્સ
કેપ્ટન લોકેશ રાહુલનું હરાજીમાં ઉતરવુ નક્કી છે અને તેવામાં ફ્રેન્ચાઇઝી નવી શરૂઆત કરવાનો પ્રયાસ કરશે. પંજાબ કિંગ્સ અર્શદીપ અને રવિ બિશ્નોઈ જેવા યુવા ખેલાડીઓને રિટેન કરવાનો પ્રયાસ કરશે. 

કોલકત્તા નાઇટ રાઇડર્સ
કેકેઆર વરૂણ ચક્રવર્તી, આંદ્રે રસેલ, વેંકટેશ અય્યર અને સુનીલ નારાયણને ટીમમાં જાળવી રાખશે. તો કેપ્ટન ઇયોન મોર્ગન, શુભમન ગિલ, દિનેશ કાર્તિક જેવા ખેલાડીઓએ હરાજીમાં ઉતરવુ પડશે. 

રાજસ્થાન રોયલ્સ
રાજસ્થાન રોયલ્સ માટે આઈપીએલ-2021ની સીઝન પણ ખરાબ રહી હતી. હવે ટીમ કેપ્ટન સંજૂ સેમસન, બેટર જોસ બટલરને રિટેન કરી શકે છે. આ સિવાય બેન સ્ટોક્સ કે જોફ્રા આર્ચરમાંથી એક ખેલાડીને રિટેન કરવામાં આવી શકે છે. તો યુવા બેટર યશસ્વી જાયસવાલ પણ રિટેન કરવાની દોડમાં છે. 

રોયલ ચેલેન્જર્સ બેંગલોર
કેપ્ટનશિપ છોડ્યા બાદ વિરાટ કોહલી અને યુજવેન્દ્ર ચહલને રિટેન કરવામાં આવશે, જ્યારે ગ્લેન મેક્સવેલે પાછલી સીઝનમાં સારૂ પ્રદર્શન કરી ટીમનો વિશ્વાસ જીત્યો છે. તેવામાં બેંગલુરૂ મેક્સવેલને પણ રિટેન કરી શકે છે. આ સિવાય હર્ષલ પટેલ અથવા મોહમ્મદ સિરાજમાંથી કોઈ એક રિટેન થઈ શકે છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ
પાછલી સીઝનમાં પૂર્વ કેપ્ટન ડેવિડ વોર્નર સાથે મતભેદને કારણે ખોટા કારણે ચર્ચામાં રહેલી હૈદરાબાદની ટીમ કેન વિલિયમસન અને રાશિદ ખાનને રિટેન કરશે. આ સિવાય ટીમ અન્ય ક્યા ખેલાડીને રિટેન કરે છે તે જોવાનું રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news