Chandrayaan 3 Launch Video: દરેક ભારતીય માટે અત્યંત ગર્વની પળ, ચંદ્ર તરફ સફળતાપૂર્વક રવાના થયું આપણું ચંદ્રયાન-3

Chandrayaan 3 Launch Video: દરેક ભારતીય માટે અત્યંત ગર્વની પળ, ચંદ્ર તરફ સફળતાપૂર્વક રવાના થયું આપણું ચંદ્રયાન-3

ભારતના ત્રીજા મુન મિશન ચંદ્રયાન-3ને આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીષ ધવન સ્પેસ સેન્ટરથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. 615 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ હેઠળ 43.5 મીટર લાંબુ બાહુબલી રોકેટ ચંદ્રયાનને લઈને ઉડ્યું છે. LVM3 ઈસરોનું સૌથી મોટું અને ભારે રોકેટ છે. ઈસરોના વૈજ્ઞાનિકો તેને પ્રેમથી ફેટ બોય કહે છે. ચંદ્રમાની આ સફર ખુબ રસપ્રદ રહેવાની છે. આ અગાઉ ચંદ્રયાન-2 ને લોન્ચ કરવા માટે GSLV MK-III નામના રોકેટ લોન્ચરનો ઉપયોગ થયો હતો. 

16 મિનિટ બાદ બાહુબલીથી નીકળશે ચંદ્રયાન
વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ માત્ર 16 મિનિટની ફ્લાઈટ બાદ જ રોકેટથી ચંદ્રયાન-3 સ્પેસક્રાફ્ટમાંથી બહાર આવી જશે. તે સમયે ઉંચાઈ 179 કિમી હશે. યાન 170 કિમીના અંતર પર એક અંડાકાર રસ્તા પર લગભગ 5-6 વાર ધરતીના ચક્કર કાપશે. ફરતા ફરતા સ્પીડ મેળવ્યા બાદ એક મહિનાની યાત્રા પર ચંદ્ર તરફ આગળ વધશે. ચંદ્રની કક્ષામાં તે ચંદ્રની સપાટીથી 100 કિમી ઉપર સુધી પહોંચી જશે. 

Chandrayaan-3 is equipped with a lander, a rover and a propulsion module. pic.twitter.com/KwqzTLglnK

— ANI (@ANI) July 14, 2023

ચંદ્ર પર ક્યારે ઉતરશે ચંદ્રયાન
આ ઘટના ખુબ રસપ્રદ રહેશે. ચંદ્રયાન-3 એ પોતે 3.84 લાખ કિમીનું અંતર કાપવાનું રહેશે. લેન્ડરના 23-24 ઓગસ્ટના રોજ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગની આશા છે. જો કે નિર્ધારિત પોઝિશન પર પહોંચ્યા બાદ લેન્ડરે પોતે એક નિર્ણય લેવાનો રહેશે. ચંદ્રના દક્ષિણી ધ્રુવ વિસ્તારમાં આરામથી ઉતરણની કોશિશ કરતા પહેલા તેણે સૂરજના દર્શનની રાહ જોવી પડશે. 

જે સમયે રોવર પ્રજ્ઞાનને લઈને વિક્રમ ચંદ્રની નજીક પહોંચશે ત્યારે તે તરત જ લેન્ડ કરવાની કોશિશ નહીં કરે. જ્યાં સુધી સૂરજ દેવતાના દર્શન ન થાય ત્યાં સુધી લેન્ડિંગ નહીં કરે. સૂરજની રોશનીમાં જ ચંદ્રયાન-3 ચંદ્રને ચૂમવાની કોશિશ કરશે. હકીકતમાં ચંદ્ર પર એક દિવસ પૃથ્વીના 14 દિવસ બરાબર હોય છે. આ દરમિયાન રોવર ચંદ્ર પર પોતાનું કામ પૂરું કરશે. અનેક કેમેરા દ્વારા તે ઈસરોને તસવીરો મોકલશે. 

લેન્ડિંગની તારીખ બદલાઈ શકે છે?
એ વાત પર ધ્યાન આપવા જેવું છે કે ચંદ્રયાનના ચંદ્ર પર ઉતરવાની તારીખ બદલાઈ શકે છે. ચંદ્ર પર સૂરજ નીકળવાના સમય પર તે નિર્ભર રહેશે. ઈસરોના ચીફે જણાવ્યું ે કે જો કોઈ પણ કારણે ચંદ્રયાન-3ના લેન્ડિંગમાં મોડું થાય તો તેને આગામી મહિને સપ્ટેમ્બર માટે શેડ્યૂલ કરવામાં આવશે. 

ચંદ્રના સાઉથ પોલ પર હંમેશા અંધારું રહેવાના કારણે આ વિસ્તરમાં પાણી હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. ગત વખતે 22 જુલાઈ 2019ના રોજ ચંદ્રયાન-2 લોન્ચ કરાયું હતું. આ વખતે પણ જુલાઈ મહિનામાં જ યાન રવાના કરાયું છે. હકીકતમાં આ સમયે ધરતી  અને ચંદ્ર અપેક્ષાકૃત નજીક હોય છે. મૂનની પોતાની ગ્રેવિટી છે. જે ધરતીની સરખામણીએ લગભગ 1/6 જેટલું છે. લુનર મિશનમાં તેનો મહત્વનો રોલ હોય છે. 

લોન્ચ પછી શું
શુક્રવારે લોન્ચિંગ બાદ ચંદ્રયાન-3 ધીરે ધીરે પોતાને પૃથ્વીની કક્ષામાંથી બહાર કાઢશે. ત્યારબાદ ઝડપથી ચંદ્ર  તરફ આગળ વધશે. ચંદ્રયાન-3ને ચંદ્ર સુધી પહોંચવામાં અંદાજે 45 દિવસ જેટલો સમય લાગશે. ચંદ્ર પાસે પહોંચીને તે તેના ગુરુત્વાકર્ષણ બળ પ્રમાણે પોતાને એડજસ્ટ કરશે. વૃત્તીય કક્ષાને ઘટાડીને 100x100 કિલોમીટર સુધી લાવ્યા બાદ ચંદ્રયાન-3નું રોવર પ્રપલ્શન મોડ્યૂલથી અલગ થઈ જશે અને સપાટી તરફ આગળ વધવાનું શરૂ કરશે. રોવરની અંદર જ લેન્ડર છે. 

મિશનનો લક્ષ્યાંક
615 કરોડ રૂપિયાના ખર્ચે ચંદ્રયાન-3 મિશનનું લક્ષ્ય એ જ છે જે ગત પ્રોજેક્ટ્સનું હતું. ચંદ્રની સપાટી વિશે વધુમાં વધુ માહિતી મેળવવી. ચંદ્રયાન-3ના લેન્ટર પર ચાર પ્રકારના સાયંટિફિક પેલોડ જશે. જે ચંદ્ર પર આવતા ભૂકંપો, સપાટીની થર્મલ પ્રોપર્ટીઝ, સપાટીની નીકટ પ્લાઝમામાં ફેરફાર અને ચંદ્ર તથા ધરતી વચ્ચેનું સટીક અંતર માપવાની કોશિશ કરશે. ચંદ્રની સપાટીના રાસાયણિક અને ખનિજ સંરચનાની પણ સ્ટડી થશે. 

મિશનના પડકારો
અજાણી સપાટી પર લેન્ડ કરવુંજ સૌથી મોટો પડકાર છે. આ એક ઓટોનોમસ પ્રક્રિયા છે જેના માટે કોઈ કમાન્ડ આપવામાં આવતો નથી. લેન્ડિંગ કયા પ્રકારનું રહેશે તે ઓનબોર્ડ કોમ્પ્યુટર જ નક્કી કરે છે. પોતાના સેન્સર પ્રમાણે લોકેશન, હાઈટ, વેલોસિટી વગેરેનો અંદાજો લગાવીને કોમ્પ્યુટર નિર્ણય લે છે. ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ સટીક અને યોગ્ય રીતે થાય તે માટે સેન્સર્સનું એકસાથે કામ કરવું ખુબ જરૂરી છે. 

ભારત માટે કેટલું મહત્વનું છે આ મિશન
વિજ્ઞાનની રીતે ચંદ્રયાન-3 મિશનથી અનેક પ્રકારના સવાલોના જવાબ મળી શકે છે. જેમ કે ચંદ્રની સપાટી પર ભૂકંપવાળી લહેરો કેવી રીતે બને છે. ચંદ્રની સપાટી થર્મલ ઈન્સ્યુલેટરની જેમ વ્યવહાર કેમ કરે છે, ચંદ્રનું કેમિકલ અને એલિમેન્ટલ કમ્પોઝીશન શું છે. અહીંના પ્લાઝમાં શું શું છે, ચંદ્રયાન-3 મિશનની સફળતા ભારતના અંતરિક્ષ કાર્યક્રમની સૌથી મોટી સિદ્ધિઓમાંથી એક હશે. અમેરિકા અને રશિયા તથા ચીન બાદ ભારત ચોથો એવો દેશ બનશે જે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવામાં સામર્થ્ય મેળવશે. ઈસરોએ હાલના સમયમાં પોતાને દુનિયાની લીડિંગ સ્પેસ એજન્સી તરીકે સ્થાપિત કરી છે. ચંદ્ર પર સફળ મિશનથી તેની શાખ વધુ મજબૂત થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news