27 વર્ષ બાદ દિલ્હીની સત્તામાં વાપસી કરી રહી છે BJP, એક સમયે ડુંગળીને કારણે ગુમાવી હતી સરકાર
Delhi Chunav 2025: 1993 માં જ્યારે દિલ્હીમાં ભાજપે પૂર્ણ બહુમત હાસિલ કરી સરકાર બનાવી તો તેમણે એક બાદ એક ત્રણ મુખ્યમંત્રી બદલ્યા હતા. 1998ની ચૂંટણી પહેલા દિલ્હીની કમાન સુષમા સ્વરાજને સોંપવામાં આવી હતી. પરંતુ તે ચૂંટણીમાં ડુંગળીની કિંમત અને મોંઘવારીને કારણે ભાજપને માત્ર 15 સીટો મળી હતી. કોંગ્રેસે 52 સીટ હાસિલ કરી સરકાર બનાવી હતી. હવે 2025માં ભાજપ 27 વર્ષ પછી દિલ્હીની સત્તામાં વાપસી કરી રહ્યું છે.
Trending Photos
Sushma Swaraj: શું શાકભાજીના ભાવ સરકાર પાડી શકે છે? આ સાંભળવામાં તો વિચિત્ર લાગે છે, પરંતુ જ્યારે દિલ્હીની રાજનીતિનો ઈતિહાસ જોશો તો આ હકીકત છે. વર્ષ 1998મા ડુંગળીની વધતી કિંમતોએ દિલ્હીના પ્રથમ મહિલા મુખ્યમંત્રી સુષમા સ્વરાજની સરકાર પાડી દીધી હતી. સુષમા સ્વરાજ મુખ્યમંત્રી બન્યા બાદ રાજધાનીમાં કાયદો-વ્યવસ્થાને લઈને ખુબ સજાગ હતા. તેમનું માનવું હતું કે રાજધાનીમાં મહિલાઓ સુરક્ષિત રહે. તેમનો આ પ્રયાસ સફળ પણ રહ્યો હતો. તેમના કાર્યકાળમાં દિલ્હીમાં મહિલાઓ સામે થનારા ગુનાઓમાં ઘટાડો થયો હતો. પરંતુ અચાનક ડુંગળીની કિંમતમાં થયેલા વધારાને કારણે રાજધાનીની જનતાએ તેમને નકારી દીધા હતા.
વર્ષ 1993માં ભારતીય જનતા પાર્ટી (BJP) પહેલીવાર સંપૂર્ણ બહુમતી સાથે દિલ્હીમાં સત્તા પર આવી. તે સમયે ભાજપના દિગ્ગજ નેતા મદનલાલ ખુરાના મુખ્યમંત્રી બન્યા હતા. 1996માં મદન લાલ ખુરાનાની જગ્યાએ સાહિબ સિંહ વર્માને દિલ્હીના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. મદન લાલ ખુરાના બે વર્ષ અને 86 દિવસ મુખ્યમંત્રી રહ્યા. જોકે, સાહિબ સિંહ વર્મા પણ તેમનો બાકીનો કાર્યકાળ પૂરો કરી શક્યા ન હતા. વિધાનસભાની ચૂંટણીના બે મહિના પહેલા જ ભાજપે તેના મજબૂત મહિલા નેતા સુષ્મા સ્વરાજને મુખ્યમંત્રી બનાવ્યા. તેમણે બહુ ઓછા સમય માટે દિલ્હીની ગાદી સંભાળી હતી, પરંતુ ડુંગળીના ભાવે તેમની પાસેથી તે તક છીનવી લીધી હતી.
મુખ્યમંત્રી બનતા પહેલા કેન્દ્રમાં મંત્રી હતા સુષમા સ્વરાજ
ભાજપે જ્યારે વર્ષ 1998મા સુષમા સ્વરાજને મુખ્યમંત્રી બનાવી દાવ રમ્યો ત્યારે તે અટલ બિહારી વાજપેયીની કેન્દ્ર સરકારમાં સૂચના-પ્રસારણ અને દૂરસંચાર મંત્રી હતા. તેમની પાસે રાજ્ય સરકારમાં પણ કામ કરવાનો અનુભવ હતો. તેઓ હરિયાણામાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા હતા. તે સમયે ડુંગળીની કિંમતો માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ દેશમાં રડાવી રહી હતી. ડુંગળીની કિંમતને લઈને વિપક્ષે પણ દિલ્હીની ભાજપ સરકારને ઘેરી હતી. ભાજપ હાઈકમાન્ડે સ્થિતિ કાબૂ કરવા માટે સાહિબ સિંહ વર્માની જગ્યાએ સુષમા સ્વરાજને દિલ્હીની આગેવાની કરવાની તક આપી હતી.
સ્વરાજે સ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો
સુષમા સ્વરાજે કમાન સંભાળ્યા બાદ ડુંગળીની કિંમતો ઘટાડવા માટે ઘણા પ્રસાય કર્યાં હતા. તેમણે જનતાને પાંચ રૂપિયા કિલો હિસાબે ડુંગળી ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે તેમ કરવામાં નિષ્ફળ રહ્યાં. તેમનો કોઈ પ્રયાસ સફળ ન રહ્યો. પરિણામ તે રહ્યું કે સામાન્ય જનતાની નજરમાં તેમની વિશ્વસનીયતા ઘટવા લાગી હતી. જ્યારે સુષમા સ્વરાજને દિલ્હીની રાજનીતિમાં ભાજપનું ટ્રમ્પ કાર્ડ માનવામાં આવી રહ્યું હતું.
શીલા દીક્ષિત આવતા ચૂંટણી જંગ રસપ્રદ બન્યો
કોંગ્રેસે સુષમા સ્વરાજ વિરુદ્ધ એક અન્ય મહિલા નેતા શીલા દીક્ષિત પર દાવ લગાવ્યો હતો. કોંગ્રેસે દિલ્હી પ્રદેશ કોંગ્રેસની કમાન શીલા દીક્ષિતને સોંપી દીધી હતી. ઉત્તર પ્રદેશના એક જાણીતા રાજકીય પરિવારના પુત્રવધૂ શીલા દીક્ષિતે દિલ્હીમાં કોંગ્રેસ સંગઠનને સક્રિય કરી ખુદને સુષમા સ્વરાજના વિકલ્પ તરીકે સ્થાપિત કર્યાં હતા. આ રીતે દિલ્હીનો રાજકીય જંગ રસપ્રદ બની ગયો હતો. શીલા દીક્ષિતનો જાદૂ દિલ્હી પર તે રીતે છવાયો કે સુષમા સ્વરાજને આગળ કર્યા બાદ પણ ભાજપ પોતાની રાજકીય જમીન બચાવી શક્યું નહીં. ત્યારબાદની કહાની તો બધા જાણે છે. શીલા દીક્ષિત 2014 સુધી સતત ત્રણ ટર્મ દિલ્હીના મુખ્યમંત્રી રહ્યાં હતા.
શીલા દીક્ષિતે મુખ્યમંત્રી બનવાની હેટ્રિક લગાવી
સુષ્મા સ્વરાજ દિલ્હીમાં સરકાર બચાવી શક્યા ન હતા, પરંતુ તેમણે તેમની વિધાનસભા બેઠક જીતી લીધી હતી. દિલ્હીના લોકો દ્વારા નકારવામાં આવ્યા હોવા છતાં, તે દિલ્હીની રાજનીતિ સાથે ગાઢ રીતે સંકળાયેલી રહી. એ સમયે દિલ્હી ભાજપમાં લાલકૃષ્ણ અડવાણી, મદનલાલ ખુરાના, અરુણ જેટલી, વિજય કુમાર મલ્હોત્રાની સાથે સુષ્મા સ્વરાજનું નામ મોખરે હતું. ડુંગળીના વધતા ભાવ અને મોંઘવારીના કારણે ભાજપ માત્ર 15 બેઠકો પર જ મળી હતી. કોંગ્રેસને 52, જનતા દળને એક અને અપક્ષને બે બેઠકો મળી હતી. 1993 પછી બીજેપી ક્યારેય દિલ્હીમાં સત્તામાં પરત ફરી શકી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે