Heatwave: હીટ સ્ટ્રોકની સ્થિતિ સર્જાય તો વ્યક્તિનો જીવ બચાવવા આ રીતે આપો પ્રાથમિક સારવાર
Heatwave: જો લાંબા સમય સુધી તડકામાં રહેવાનું થાય તો શરીરનું તાપમાન વધી જાય છે અને શરીર વધારે ગરમ થઈ જાય છે. જેના કારણે હીટ સ્ટ્રોકની સ્થિતિ સર્જાય છે. જો આ કાળઝાળ ગરમીમાં હીટ સ્ટ્રોક આવે તો તેનાથી બચવા શું કરવું જાણી લો.
Trending Photos
Heatwave: દેશભરના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીના દિવસોમાં ફક્ત તાપમાન જ નહીં શરીરનું ટેંપરેચર પણ વધી જાય છે. જ્યારે શરીરનું તાપમાન વધી જાય છે તો ઘણી બધી હેલ્થ પ્રોબ્લેમ થઈ શકે છે. તેથી જ તડકામાં બહાર ન જવાની સલાહ આપવામાં આવે છે.
ગરમીમાં વધારે સમય સુધી બહાર રહેવાથી લૂ લાગવાની સંભાવના વધી જાય છે. લૂ લાગવાની સ્થિતિને સનસ્ટ્રોક કે હીટ સ્ટ્રોક પણ કહેવાય છે. આ એક મેડિકલ ઈમરજન્સી છે. જ્યારે શરીરનું તાપમાન અચાનક વધી જાય તો વ્યક્તિનું મોત પણ થઈ શકે છે. જ્યારે હીટ સ્ટ્રોકની સ્થિતિ સર્જાય તો વ્યક્તિને યોગ્ય પ્રાથમિક સારવાર આપવી જોઈએ. જેથી તેનો જીવ જોખમમાં ન મુકાય. આજે તમને જણાવીએ હીટ સ્ટ્રોકની સ્થિતિ સર્જાય તો શું કરવું અને શું નહીં.
હીટવેવની સ્થિતિને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયે પણ ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં એક ધ્યાન આકર્ષે તેવી વાત નોંધવામાં આવી છે. જ્યારે કોઈ વ્યક્તિને લુ લાગી હોય અને તે બેભાન થઈ જાય તો તેને પાણી પીવડાવવાની ભૂલ ન કરવી. આ વાત વિચિત્ર લાગે છે પરંતુ તેની પાછળ વૈજ્ઞાનિક કારણ છે.
હીટસ્ટ્રોકમાં શું ન કરવું ?
આ પણ વાંચો: Massage: રાત્રે સૂતા પહેલા પગના તળીયામાં માલિશ કરવાથી આ 5 સમસ્યા દવા વિના થાય છે દુર
જ્યારે કોઈને લુ લાગે છે ત્યારે શરીરનું તાપમાન અચાનક વધી જાય છે. આવી હાલતમાં વ્યક્તિ બેભાન થઈ જાય અને તેને પાણી પીવડાવવામાં આવે તો તે તેના માટે ખતરનાક સાબિત થઈ શકે છે. કારણકે પાણી પીવાથી શરીરનું તાપમાન અચાનક જ ઘટી જાય છે. આમ થવાથી હાર્ટ એટેક આવવાની કે હૃદયના ધબકારા બંધ થઈ જવા જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
હીટસ્ટ્રોકની પ્રાથમિક સારવાર
- જો કોઈ વ્યક્તિને લુ લાગી હોય અને તે બેભાન થઈ જાય તો ગભરાવવું નહીં તુરંત જ તે વ્યક્તિને ઠંડક હોય તેવી જગ્યાએ લઈ જવી. ત્યાર પછી તેના કપડાને ઢીલા કરી દેવા.
- વ્યક્તિના માથા પર, હાથ પર અને પગ ઉપર ઠંડા પાણીથી ભીનું કરેલું કપડું રાખવું. અને પંખો ચાલુ કરી દેવો.
- વ્યક્તિના કાનની પાછળ અને છાતી પર ડુંગળીનો રસ લગાડવો. તેનાથી શરીરનું તાપમાન ઓછું થાય છે.
- બેભાન હોય તે વ્યક્તિને પાણી કે અન્ય કોઈપણ તરલ પદાર્થ ન આપવો. તુરંત જ એમ્બ્યુલન્સ બોલાવી વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરો.
હીટવેવથી બચવા શું કરવું ?
સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને સલાહ આપી છે કે ગરમીના આ વાતાવરણમાં સ્વાસ્થ્ય સારું રાખવા માટે દિવસ દરમિયાન 12 થી 3 કલાકના તડકામાં બહાર ન નીકળો. સાથે જ ઢીલા અને સુતરાઉ કપડાં પહેરો. ઘરેથી નીકળો ત્યારે છત્રી કે ટોપીનો ઉપયોગ કરો. દિવસ દરમિયાન પૂરતી માત્રામાં પાણી કે તરલ પદાર્થ પીતા રહો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે