School Health Program હેઠળ ૧૮ વર્ષની ઉમરના કોઈપણ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આવરી લેવાશે

આ કોકલીયર ઈમ્પ્લાન્ટનું કોઈ સાધન તુટી જાય, ખોવાઈ જાય કે ચોરાઇ જાય તો તેવા કિસ્સામાં દર્દીને સહાયરૂપ થવા રાજ્ય સરકાર દ્વારા પચાસ ટકા સહાય આપવાનો પણ નિર્ણય કરાયો છે. 

School Health Program હેઠળ ૧૮ વર્ષની ઉમરના કોઈપણ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આવરી લેવાશે

ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાની સ્ટીયરીંગ કમિટીની બેઠકમાં શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમની સમીક્ષા કરવામાં આવી હતી. પ્રતિ વર્ષ બાળકોના આરોગ્યની ચિંતા કરીને આ કાર્યક્રમ હેઠળ રાજ્યના ૦ થી ૧૮ વર્ષની વય ધરાવતા દોઢ કરોડથી વધુ વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે. આ ચકાસણી દરમ્યાન ગંભીર બિમારી ધરાવતાં વિદ્યાર્થીઓને લાખો રૂપિયાની વિનામૂલ્યે સારવાર રાજ્ય સરકાર દ્વારા પુરી પાડવામાં આવે છે. જેની વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.  

તેમણે ઉમેર્યુ કે, શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત ૧૮ વર્ષની ઉમરના શાળાએ જતા અને ન જતા વિદ્યાર્થીઓને આવરી લેવાતા હતા. આ વર્ષે કોઈપણ ક્ષેત્રે અભ્યાસ કરતા એટલે કે, આઇ.ટી.આઇ., કોલેજ, ડીગ્રી-ડીપ્લોમામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ આવરી લેઇને વિનામૂલ્યે સારવાર આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓને બોલવામાં અને સાંભળવામાં તકલીફ હોય તેવા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે કોકલીયર ઇમ્પ્લાન્ટ પુરા પાડવામાં આવે છે. આ કોકલીયર ઈમ્પ્લાન્ટનું કોઈ સાધન તુટી જાય, ખોવાઈ જાય કે ચોરાઇ જાય તો તેવા કિસ્સામાં દર્દીને સહાયરૂપ થવા રાજ્ય સરકાર દ્વારા પચાસ ટકા સહાય આપવાનો પણ નિર્ણય કરાયો છે. 

તેમણે ઉમેર્યુ કે, જે વિદ્યાર્થીઓને કિડની, હ્રદય, કેન્સર જેવા ગંભીર રોગોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય તેમને પણ રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે સારવાર પુરી પાડવામાં આવે છે. જે અંતર્ગત કેટલાક ગંભીર રોગોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનું થાય તે અંગેનું નિદાન ૧૮ વર્ષ પહેલા થઇ ગયુ હોય પરંતુ ટ્રાન્સપ્લાન્ટ અંગેનું ઓર્ગન ૧૮ વર્ષ બાદ મળે તો પણ આવા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સારવાર આપવાનો પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે તે મુજબ રાજ્ય સરકાર દ્વારા સારવાર પણ પુરી પડાશે.

NCB એ અમદાવાદ એરપોર્ટ પરથી પકડ્યું કરોડોનું કોકેઇન ડ્રગ, બહાર આવી શકે છે સ્ફોટક વિગતો
 
નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ગત વર્ષે કોવિડ-૧૯ ના સંક્રમણને પરિણામે આરોગ્ય ચકાસણી કાર્યક્રમ શાળાઓમાં બંધ રહ્યો હતો. આ કાર્યક્રમ હેઠળ વર્ષ ૨૦૧૯-૨૦માં ૧,૫૯,૬૧,૯૦૬ બાળકોના આરોગ્યની તપાસ કરાઇ હતી. જેમાં ૨૮,૫૫,૪૪૭ બાળકોને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી તથા ૨,૬૫,૦૦૪ બાળકોને સંદર્ભ સેવાનો લાભ અપાયો છે. ૯૮,૬૦૫ બાળકોને વિના મૂલ્યે ચશ્માનું વિતરણ કરાયુ હતું. આ ઉપરાંત ૨૦,૬૭૪ બાળકોને હૃદયરોગ, ૨૮૬૯ બાળકોને કિડનીરોગ, ૧૮૫૫ બાળકોને કેન્સર રોગ, ૮૨૨ ક્લેપ લીપ-પેલેટ, ૧૧૫૨ ક્લબ ફૂટની સારવાર અપાઇ હતી. જ્યારે ૨૫ બાળકોને કિડનીનું પ્રત્યારોપણ, ૧૬૩ કોકલીયર ઇમ્પલાન્ટ તથા ૨૨ બાળકોના બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટની સંપૂર્ણ સારવાર વિના મૂલ્યે રાજ્ય સરકાર દ્વારા પૂરી પડાઇ હતી. 
 
આ બેઠકમાં ધારાસભ્યો સર્વ ભૂપેન્દ્રભાઇ પટેલ, પિયુષભાઇ દેસાઇ, પ્રો.ડૉ. કુબેરભાઇ ડીંડોર, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, એન.એચ.એમ. ના મિશન ડાયરેકટર  રેમ્યા મોહન, યુ.એન.મહેતા કાર્ડીયાક ઇન્સ્ટીટ્યુટના નિયામક ડૉ. આર.કે.પટેલ, ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટના નિયામક ડૉ.શશાંક પંડ્યા અને કિડની ઇન્સ્ટીટ્યુટના તજજ્ઞ તબીબી પ્રતિનિધિ સહિત સ્ટીયરીંગ કમિટિના સભ્યો, નિષ્ણાંત તજજ્ઞો અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news