સુરતની ઘટનાથી પીએમ મોદી ખુબ વ્યથિત, આપ્યું મોટું નિવેદન

લોકસભા ચૂંટણીમાં એકવાર ફરીથી પ્રચંડ બહુમત હાંસલ કર્યા બાદ નરેન્દ્ર મોદી જ્યારે રવિવારે પહેલીવાર પોતાના ગૃહ રાજ્ય ગુજરાત પહોંચ્યાં ત્યારે તેમના ભાષણમાં સુરતના હચમચાવી નાખે તેવા અગ્નિકાંડ અંગેની વ્યથા સ્પષ્ટરીતે જોવા મળી

સુરતની ઘટનાથી પીએમ મોદી ખુબ વ્યથિત, આપ્યું મોટું નિવેદન

અમદાવાદ: લોકસભા ચૂંટણીમાં એકવાર ફરીથી પ્રચંડ બહુમત હાંસલ કર્યા બાદ નરેન્દ્ર મોદી જ્યારે રવિવારે પહેલીવાર પોતાના ગૃહ રાજ્ય ગુજરાત પહોંચ્યાં ત્યારે તેમના ભાષણમાં સુરતના હચમચાવી નાખે તેવા અગ્નિકાંડ અંગેની વ્યથા સ્પષ્ટરીતે જોવા મળી. અમદાવાદમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પ્યા બાદ ખાનપુર સ્થિત ભાજપ ઓફિસની બહાર જનમેદનીને સંબોધન કરતા પીએમ મોદીએ સૌ પ્રથમ સુરતના આગકાંડ પર દુ:ખ અને શોક વ્યક્ત કર્યાં. તેમણે કહ્યું કે તેઓ ગઈ કાલથી ખુબ દુવિધામાં હતાં કે રવિવારે તેઓ ગુજરાતમાં પાર્ટીના કાર્યક્રમમાં ભાગ લે કે ન લે. એકબાજુ કર્તવ્ય હતું તો એક બાજુ કરુણા. અગ્નિકાંડમાં માર્યા ગયેલા બાળકોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું કે રાજ્યની સરકાર એ સુનિશ્ચિત કરવાના ઉપાય કરી રહી છે કે આ પ્રકારની ઘટના ફરીથી ન ઘટે. 

સુરતના અગ્નિકાંડ પર ખુબ વ્યથિત થયા પીએમ મોદી
સુરતની ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે હું ગઈ કાલથી દુવિધામાં હતો કે આ કાર્યક્રમમાં આવું કે નહીં. એક બાજુ કર્તવ્ય હતું તો બીજી બાજુ  કરુણા. જે પરિવારોએ પોતાના બાળકો ગુમાવ્યાં, પોતાનું ભવિષ્ય ગુમાવ્યું. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તે પરિવારોને શક્તિ આપે. દુર્ઘટના અંગે હું સતત રાજ્ય સરકારના સંપર્કમાં હતો. મેં રાજ્ય સરકારને નિર્દેશ આપ્યાં કે ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે તે માટે એક તંત્ર બનાવવામાં આવે. ચૂંટણીમાં આટલી મોટી સિદ્ધિ મળ્યા બાદ માતૃભૂમિની માટી માથે ચડાવવા ન આવ્યો હોત તો યોગ્ય ન હોત. ચૂંટણી બાદ માતાના પણ આશીર્વાદ લેવાના હતાં. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતના આગકાંડ પર સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે આ ઘટનાથી અનેક ઘરોના દીપક ઓલવાઈ ગયાં, અનેક પરિવારોના સપના, અરમાનો ભસ્મિભૂત થઈ ગયાં. તેમણે કહ્યું કે આ અકસ્માત પર જેટલી સંવેદના વ્યક્ત કરવામાં આવે, તે ઓછી છે. 

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે ગત વખતની જેમ આ વખતે પણ રાજ્યની તમામ 26 બેઠકો ભાજપને મળી પરંતુ આ જીત પહેલા કરતા પણ મોટી છે. તેમણે કહ્યું કે રાજ્યની કુલ 182 વિધાનસભા સીટોમાંથી 173 પર ભાજપને લીડ હાસલ હતી. પ્રો ઈન્કમ્બન્સીનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે દેશની જનતાએ સકારાત્મક વોટિંગ કર્યું છે. ફરીથી ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેતા પહેલા પીએમ મોદી આજે સાંજે પોતાના ગૃહ રાજ્ય પહોંચ્યા હતાં. અમદાવાદમાં જનસભાને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે આગામી પાંચ વર્ષ દેશ માટે ખુબ મહત્વના છે. આગામી પાંચ વર્ષ જનભાગીદારી અને જન ચેતનાના હતાં. પીએમ મોદીએ કહ્યું કે હું અહીં ગુજરાતના લોકોના દર્શન કરવા માટે આવ્યો છું. કારણ કે અહીંના લોકોના આશીર્વાદ મારા માટે હંમેશા ખાસ રહ્યાં છે. 

જુઓ LIVE TV

બંગાળના બહાને મમતા બેનર્જી પર સાધ્યું નિશાન
પીએમ મોદીએ કહ્યું કે મેં એક વીડિયો જોયો, જેમાં  બંગાળની એક મહિલા મોદી મોદી કરી રહી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કેમ? તો તેમણે કહ્યું કે હું ગુજરાત ગઈ હતી અને ત્યાં મેં વિકાસ જોયો છે. હું આ વિકાસ બંગાળમાં જોવા માંગુ છું. તે મહિલાને જ્યારે પૂછવામાં આવ્યું કે તેમણે મત કોને આપ્યો તો તેઓ કશું બોલ્યાં નહીં.

ગુજરાત પ્રત્યે વિશેષ લગાવ વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું કે હું તે જમીન પર પાછો ફર્યો છું જેણે મારું પાલનપોષણ કર્યું છે. હું જે સ્થાન પર આવ્યો છું તેની સાથે મારો જૂનો નાતો રહ્યો છે. 2014માં દેશને ગુજરાતને જાણવાની તક મળી, અને ગુજરાતનું વિકાસ મોડલ બધાની સામે આવ્યું. 2014માં તમે મને વિદાય આપી અને હવે હું તમે આપેલા સંસ્કારો સાથે આગળ વધી રહ્યો છું. 

આગામી પાંચ વર્ષ દેશ માટે ખુબ મહત્વના
ચૂંટણીમાં ભાજપને બંપર જીત મળવાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે છઠ્ઠા તબક્કાના મતદાન બાદ મેં કહ્યું હતું કે અમને 300થી વધુ બેઠકો મળશે. જ્યારે મેં આવું કહ્યું તો લોકોએ મારી મજાક ઉડાવવા માંડી. પરંતુ પરિણામ બધાની સામે છે. ગુજરાતમાં ભાજપ સતત બીજીવાર તમામ સીટ જીત્યો. 2019ની ચૂંટણી ન તો ભાજપે લડી, ન મોદીએ લડી, ન કોઈ નેતાએ. જીત પચાવવા માટે તાકાત જોઈએ. આગામી 5 વર્ષ દેશ માટે ખુબ મહત્વના છે. અમે આગામી પાંચ વર્ષનો ઉપયોગ સામાન્ય લોકોના મુદ્દાઓનો ઉકેલ લાવવા માટે કરવાના છીએ. આપણે વૈશ્વિક સ્તર પર ભારતની સ્થિતિ સુધારવાની છે. આવનારા પાંચ વર્ષ જન ભાગીદારી અને જન ચેતનાના હશે. 1942થી 1947વાળી જનભાગીદારી જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news