પ્રેમમાં પાગલ બનેલા યુગલે નિર્દોષ વૃદ્ધની હત્યા કરી લાશ સળગાવી, થ્રીલર ફિલ્મ જેવી આ ઘટનાનો પર્દાફાશ

Kutch Crime News : કચ્છમાં જુલાઈ મહિનામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો. પ્રેમી યુગલે ભાગવા માટે પ્લાન બનાવ્યો અને એકલા રહેતા વૃદ્ધની હત્યા કરીને બનાવ્યો માસ્ટર પ્લાન
 

પ્રેમમાં પાગલ બનેલા યુગલે નિર્દોષ વૃદ્ધની હત્યા કરી લાશ સળગાવી, થ્રીલર ફિલ્મ જેવી આ ઘટનાનો પર્દાફાશ

Kutch News રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : જુલાઈ મહિનામાં ભુજ તાલુકાના ખાવડા નજીક ખારી ગામે પરિણીત પ્રેમી યુગલે કાયમ માટે એકમેકનાં થઈ જવાની ઈચ્છા સાથે અજાણ્યા વૃધ્ધની હત્યા કરી. વૃદ્ધની લાશને સળગાવીને પ્રેમિકાના આપઘાતનું નાટક રચીને ફરાર થઈ ગયેલી પ્રેમિકા અને પ્રેમીને ખાવડા પોલીસે ઝડપી લીધાં છે અને સમગ્ર ઘટના પરથી પડદો ઉઠાવી ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે

  • થ્રીલર ફિલ્મ જેવી આ ઘટનાનો પર્દાફાશ
  • બે પ્રેમાંધ યુગલે એક નિર્દોષ વૃદ્ધ ની હત્યા કરી સળગાવી દીધી
  • પ્રેમિકાએ આપઘાત કરી રહ્યા હોવાનો વિડિયો બનાવ્યો
  • અને મહિલા સળગી ગઈ હોવાના ષડયંત્ર રચ્યું
  • ઘટનાના 2 મહિના બાદ પ્રેમિકા પોતાના પિતા સમક્ષ હાજર થઈ
  • પરિવાર વિનાના એકલા રહેતા વૃદ્ધની હત્યા કરી
  • 1 માસથી અજાણી લાશની શોધખોળમાં હતો પ્રેમી
  • આરોપી પ્રેમી યુગલનું કાવતરું હોવાનો પ્રેમિકાના પિતાની પોલીસને અરજી
  • આરોપીઓ વિરૂદ્ધ વિવિધ કલમો તળે ગુનો નોંધાયો

જુલાઈ માસમાં શંકાસ્પદ કંકાલ મળ્યું હતું
ખાવડા પોલીસ સ્ટેશન ખાતે જુલાઈ માસમાં જાણવા જોગ નોંધાઈ હતી જેની તપાસ દરમ્યાન જણાયું હતું કે 05/07/2024 ના રોજ ખારી ગામે જે લાકડામા સળગેલ કંકાલ પડેલ હતા તે માણસનું કંકાલ હોવાનું સામે આવ્યું હતું. આ કેસમાં ઉંડાણ પુર્વકની તપાસ કરવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી.

ખાવડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ , પોલીસ હેડ કોન્સ્ટેબલ દ્વારા જાણવા જોગની તપાસ દરમ્યાન બનાવવાળી સ્થાનિક જગ્યાએ એફ.એસ.એલ. અધિકારીની હાજરીમા સ્થાનિક જગ્યાનું પંચનામું કરી જરૂરી નમુના કબ્જે કરી ડી.એન.એ. માટે ડી.એફ.એસ. ગાંધીનગર તથા અન્ય સેમ્પલ એફ.એસ.એલ. રાજકોટ ખાતે મોકલ્યા હતા. તેમજ જાણવા જોગના કામે નિવેદનો પણ લેવામા આવ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, 5 જુલાઈના રોજ જે લાકડામા સળગેલ કંકાલ મળ્યું હતું તે માણસનું જ કંકાલ હોવાનું જાણવા મળ્યું છે અને કંકાલ બાબતે તપાસ ચાલુ હતી.

આરોપી રામીના પિતા સાકરાભાઈ કેરાસીયાએ પોતાની દીકરીએ પ્રેમીને પામવા માટે પોતાના આપઘાતનું નાટક રચીને કોઈ ગંભીર ગુનો કર્યા હોવાની અરજી આપી હતી. ત્યારે હવે આરોપી યુગલને પોલીસે રાપર વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે અને તેમની પૂછપરછ કરતાં હત્યાકાંડનો પર્દાફાશ થયો છે.

ક્રાઈમ થ્રીલર ફિલ્મ જેવી આ ઘટનાનો ખાવડા પોલીસે પર્દાફાશ કરીને પ્રેમી યુગલ વિરુધ્ધ હત્યા, હત્યાના ઈરાદે અપહરણ અને ગુનો છૂપાવવા પૂરાવાનો નાશ કરી ખોટી માહિતી જાહેર કરવાની કલમો તળે પ્રેમી યુગલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

રામીબેન કેરાસીયા તથા તેનો પ્રેમી અનિલ ગાંગલ બન્નેની શોધખોળ હાથ ધરવામા આવી હતી અને પોલીસ સ્ટેશન લેવલે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ કરવામાં આવી હતી. આરોપી અનિલ છેલ્લા એક મહીનાથી બિન વારસુ લાશની શોધખોળ કરતો હતો પરંતુ તેને કોઈ મળી નતી આવી. ત્યાર બાદ 3 જુલાઈના રોજ થાકી અને ભુજના હમીરસર તળાવના બાંકડા ઉપર બેઠેલ હતો ત્યારે તેની બાજુના બાંકડા ઉપર એક મોટી ઉમરના કાકા આવીને બેસ્યા હતા. જેથી તેને તેનું નામ અને અન્ય વિગતો પુછતા પોતે પોતાનું નામ ભરત ભાટીયા જણાવ્યું હતું અને પરિવારમાં આગળ પાછળ કોઇ પણ ન હોવાનું જણાવ્યું હતું.

આરોપીએ વૃધ્ધનો પીછો કરી તે જે જગ્યાએ સુતેલ હતો તેની રેકી કરી હતી. રાતના બારેક વાગ્યા બાદ ત્યાંથી તે કાકાને બળજબરીથી તેની ઇક્કો ગાડીમા બેસાડી લઇ દરવાજો બંધ કર્યો હતો. તે વચ્ચે રસ્તામાં તેણે ભરતભાઇ ભાટીયાને ગળેટુંપો આપી મોત નિપજાવ્યું હતું. તેની લાશને ખારી ગામે આવેલ પોતાના વાડામાં લઈ ગયો હતો. 

પ્રેમિકા રામીબેન કેરાસીયા સાથે મળીને ઇક્કો ગાડીમાંથી લાશને નીચે ઉતારી સાઇડમા મુકી દઇ તેના ઉપર કચરો નાંખી પથ્થર મુકી દઇ લાશને સંતાડી દીધી હતી. ત્યાર બાદ આપઘાતનું કાવતરું રચ્યું હતું. જેમાં બન્નેના પ્લાન મુજબ રામીબેને પોતાના મોબાઇલ ફોનમા 19 જૂનના રોજ પોતે જીંદગીથી કંટાળી ગયેલ છે અને તમને મારી પાસેથી અપેક્ષાઓ છે તે હું પુરી કરી શકું તેમ નથી, જેથી મને માફ કરી દેજો તેવા બે અલગ અલગ વિડીયો બનાવ્યા હતા. આ વીડિયો 5 જુલાઈના ના રોજ પોતાના પિતાને મોકલી યોજેલ પ્લાન મુજબ બપોરના 11:30 વાગ્યાની આસપાસ તે લાશને તેના વાડામાંથી લઇ જઇ બાજુમાં આવેલ કાના કરશન ચાડના વાડામાં વધારે લાકડા હોય તે લાકડા ઉપર સુવડાવી તેના ઉપર સહ આરોપી રામીબેનના કપડા, સાકળા, બંગડી મુકી દીધા હતા.

આરોપી પ્રેમી અનિલે પ્રેમિકા રામીબેન સાથે મળીને 2500 રૂપિયાનું ડીઝલ રામીબેન સાથે જઈને લઇ આવેલ જે આશરે 5 લીટર જેટલું હતું. તમામ ડીઝલ આરોપી અનિલ એ તે લાશ તથા લાકડા ઉપર નાખી દઇ રામીએ તેના ચપ્પલ તથા મોબાઇલ ફોન સાઇડમા મુકી હત્યા નીપજાવેલની લાશને સળગાવી દઇ ત્યાંથી પોતાની બાઈક લઇ નાશી ગયા હતા અને રવેચી(રવ) ખાતે જઈ ત્યાં એક રાત રોકાઈ બીજા દિવસે આ કામેનો આરોપી અનિલ આરોપી પ્રેમિકાના બેસણામા આવેલ અને જોયું હતું કે જે મુજબ તેણે પ્લાનીંગ કર્યું હતું જે બરાબર છે અને તેવું જ થઈ રહ્યું છે

બંને આરોપીઓ એક મહિના જેટલો સમય ભાણવાડ તાલુકાના કબરખા ગામમાં રહ્યા હતા અને ત્યાર બાદ ભુજ ખાતે આવી ઉમેશ નગરમાં બે મહીના જેટલો સમય એક મકાનમાં ભાડે રહ્યા હતા. ત્યાર બાદ 27/09/2024 ના રોજ રાતના 11 વાગ્યાની આસપાસ આરોપી રામીબેનના પિતા સાકરાભાઈ પાસે નાડાપા ખાતે જઈ પોતે જીવીત હોવાની હકીકત જણાવતા તેના પિતાએ પોતે સ્વીકાર કરવાની ના પાડી હતી અને પોલીસ સ્ટેશન હાજર થવાનું કહેતા બન્ને આરોપીઓ નાસી ગયા હતા.

બન્ને આરોપીઓએ સમગ્ર ઘટના અને હત્યા તેમજ આપઘાતના કાવતરાની કબુલાત કરી હતી અને આ કામે મરણ જનારની શોધખોળ હાથ ધરવામા આવી હતી તે દરમ્યાન મરણ જનાર જે જગ્યાએ રાત્રીના સુતા હતા તે શિવમ ટ્રેડર્સના માલીકને મળી આ બાબતે પુછતા તેઓએ પોલીસ અને માનવતાના ધોરણે તપાસમા સહયોગ આપી આ મરણ જનારનો સ્કેચ બનાવવામા મદદ કરી હતી અને તેમની મદદના આધારે એક સ્કેચ તૈયાર કરવામા આવ્યો હતો અને તે સ્ક્રેચ આધારે મૃત્યુ પામનાર મુળ માનકુવા જુના વાસના રહેવાસી અને પોતાના પરીવારમા કોઇ ન હોવાના કારણે પોતે એકલવાયું જીવન જીવતા હોવાનું જણાયેલ હતું

મૃત્યુ પામનારના ભાઈ નરેશભાઈ પ્રતાપસિંહ ગાંધી(ભાટીયા) આ સ્કેચ પોતાના ભાઇનો હોવાનું ઓળખી કાઢ્યું હતું. જેથી સમગ્ર તપાસ દરમ્યાન આ બન્ને જણાએ તેઓના યોજેલ પ્લાન મુજબ એક એકલવાયું જીવન જીવતા 72 વર્ષીય ભરતભાઇ પ્રતાપસિંગ ગાંધી(ભાટીયા) ને મોતને ઘાટ ઉતારેલાનું અત્યાર સુધીની તપાસમાં સામે આવતા બન્ને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ- 103(1), 140(1), 238(એ), 61, મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે.તેમજ ગુનાની વધુ તપાસ ખાવડા પોલીસ સેટશનના પીએસઆઈ એમ.બી.ચાવડાએ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news