હરિયાણાના પૂર્વ MLA ના પરિવારને મોતને ઘાટ ઉતારનાર આરોપી ગુજરાતમાં સાધુ બનીને રહેતો હતો

હરિયાણાના પૂર્વ MLA ના પરિવારને મોતને ઘાટ ઉતારનાર આરોપી ગુજરાતમાં સાધુ બનીને રહેતો હતો
  • 2001માં સંજીવ અને સોનિયાએ મળીને રેલુ રામ અને તેના પરિવારના 8 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા
  • પેરોલમાંથી છૂટ્યા બાદ સંજીવ ફરાર થયો હતો. અને તેણે ગુજરાત, પંજાબ અને બાદમાં મેરઠમાં આશરો લીધો હતો

ઝી મીડિયા/બ્યૂરો :હરિયાણાના પૂર્વ ધારાસભ્ય રેલુ રામ પુનિયા તેમજ તેમના પરિવારના 8 સભ્યોને મોતને ઘાટ ઉતારનાર હત્યારાનું ગુજરાત કનેક્શન નીકળ્યું. હત્યારો સંજીવ પેરોલ લઈને ફરાર થયા બાદ ગુજરાત અને મેરઠના આશ્રમોમાં રહેતો હતો. મે 2018માં તે પેરોલ પર આવ્યા બાદ પંજાબના સરહિંદમાં ગયો હતો. ત્યાં તે થોડા દિવસ છુપાયો હતો. જેના બાદ તે ગુજરાત આવ્યો હતો. અહી તે ગુજરાતના અલગ અલગ આશ્રમ તથા તીર્થ સ્થળો પર રહ્યો હતો. બે મહિના પહેલા તે મેરઠ ગયો હતો. ત્યાં ભાડના એક રૂમમાં રહેતો હતો. અહીં સાધુના વેશમાં છુપાયો હતો. અહીં તે ભાગવાની તૈયારી કરી રહ્યો હતો ત્યાં તે પકડાઈ ગયો હતો. 

આ વિશે અમરેલીના એસપી નિર્લિપ્ત રાયે જણાવ્યું કે, હરિયાણાના હિસારના બરવાલાડમાં પૂર્વ ધારાસભ્ય રેલુ રામ અને તેમની પત્ની સહિત પરિવારના 8 સભ્યોની હત્યા કરવામા આવી હતી. જેમાં આરોપી તરીકે સંજીવની ધરપકડ કરાઈ હતી. જેલની પેરોલમાંથી છૂટ્યા બાદ સંજીવ ફરાર થયો હતો. અને તેણે ગુજરાત, પંજાબ અને બાદમાં મેરઠમાં આશરો લીધો હતો. પોલીસથી બચવા તેણે સાધુ વેશ ધારણ કર્યો હતો. ત્યારે મેરઠ નેશનલ હાઈવે પર અંબાલાની એસટીએફની ટીમે તેને પકડી પાડ્યો છે. 

આ પણ વાંચો : પીએમ મોદીએ જેમને મળવા પ્રોટોકોલ તોડ્યો હતો, તે મિત્ર હરીભાઈનું નિધન થયું  

નિર્લિપ્ત રાયે કહ્યું કે, અમરેલી જિલ્લામાં સાધુના વેશમાં છુપાયેલા સંજીવની તપાસ કરવામાં આવશે. અહી તેને કોને આશરો આપ્યો અને તેને કોણે કોણે મદદ કરી તે તમામની પૂછપરછ કરવામાં આવશે. સંજીવ રાજુલાના છતડીયા ગામે આશ્રમ બનાવીને રહેતો હતો. તેણે રાજુલા માર્કેટયાર્ડમાં યોજાયેલા કૃષિ પ્રદર્શનમાં ગુજરાતના તત્કાલીન રાજ્યપાલ તથા અન્ય નેતાઓ સાથેના કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. એટલુ જ નહિ, આ માટે તણે દિગ્ગજ નેતાઓ સાથે ફોટો પણ છપાવ્યો હતો. 

મેરઠમાં તેણે પોતાનું નામ સ્વામી ઓમનંદ ગીરી મહારાજ બતાવ્યું હતું. તે અહી ધૂની પેટવીને રાખતો હતો. જ્યાં તેની પાસે અને લોકો આવતા હતા. તે મોટાભાગનો સમય મૌન રહે છે અને પૂજાપાઠમાં વિતાવે છે તેવુ તે બતાવતો હતો. તેણે પોતાની દાઢી પણ વધારી દીધી હતી, જેથી તેને કોઈ ઓળખી ન શકે. 

હાથ ન આવતો તો નેપાળ પહોંચી જાત 
મેરઠથી સંજીવ નેપાળ ભાગવાની ફિરાકમાં હતા. તેણે આ માટે તમામ તૈયારી કરી લીધી હતી. સ્વામી ઓમનંદ મહારાજના નામથી દસ્તાવેજ તૈયાર કરી રહ્યો હતો. આ વચ્ચે જ પોલીસને તે અહી હોવાની બાતમી મળી હતી. 

No description available.

8 લોકોની હત્યા કરીને ફરાર થયો હતો સંજીવ
સંજીવ મૂળ સરહાનપુરનો વતની છે. 1997માં તે લખનઉમાં યોજાયેલ સ્પોર્ટસ મીટમાં ભાગ લેવા ગયો હતો, જ્યાં તેની મુલાકાત હિસારની રહેવાસી સોનિયા સાથે થઈ હતી. સોનિયા પૂર્વ ધારાસભ્ય રેલુ રામ પુનિયાની દીકરી હતી. સંજીવ અને સોનિયાએ 1998માં લગ્ન કર્યા હતા. ત્યાર બાદ 24 ઓગસ્ટ, 2001માં સંજીવ અને સોનિયાએ મળીને રેલુ રામ અને તેના પરિવારના 8 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. જેના બાદ પોલીસે બંનેને પકડી લીધા હતા. બંનેને કોર્ટે ફાંસીની સજા આપી હતી. પરંતુ બાદમાં મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો હતો અને તેમની ફાંસીની સજા આજીવન કેદમાં તબદીલ થઈ હતી. 2018માં તે કુરુક્ષેત્રની જેલમાંથી પેરોલ પર છૂટ્યો હતો, અને ત્યારથી તે ફરાર હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news