આજે વિશ્વ કેન્સર દિવસે ગુજરાતના લોકલાડીલા ધારાસભ્ય કેન્સર સામેની જંગ હાર્યા, નિધન થયું

World Cancer Day : મહેસાણાના કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું અવસાન... કેન્સર સામેની જંગ હાર્યા કરશનભાઈ સોલંકી.. પોતાના સૌમ્ય સ્વભાવના કારણે જાણીતા હતા કરશનભાઈ સોલંકી... 
 

આજે વિશ્વ કેન્સર દિવસે ગુજરાતના લોકલાડીલા ધારાસભ્ય કેન્સર સામેની જંગ હાર્યા, નિધન થયું

MLA Karsan Solanki Died : આજે વિશ્વ કેન્સર દિવસ છે. આ દિવસ વિશ્વભરમાં કેન્સરની જાગૃતિ માટે ઉજવવામાં આવે છે. ત્યારે ગુજરાતના એક ધારાસભ્ય વિશ્વ કેન્સર દિવસે જ કેન્સર સામેનો જંગ હારી ગયા છે. વિશ્વ કેન્સર દિને ગુજરાતના લોકલાડીલા ધારાસભ્ય કરશન સોલંકીનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી કેન્સરની બીમારી સામે ઝઝૂમી રહ્યાં છે. કરશનભાઈના નિધન પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે શોક વ્યક્ત કર્યો છે. તો અનેક નેતાઓએ તેમના નિધન પર દુખ વ્યક્ત કર્યું

કરશનભાઈ કેન્સરથી પીડિત હતા
મહેસાણાના કડીના ધારાસભ્ય કરશન સોલંકીનું દુઃખદ નિધનના સમાચાર સામે આવ્યા છે. કરશન સોલંકી કેન્સરની બીમારીથી પીડિત હતા. તેઓ પોતાના સરળ અને સૌમ્ય સ્વભાવને કારણે લોકપ્રિય નેતા હતા. ધારાસભ્ય હોવા છતાં વિધાનસભા જવા સરકારી બસનો જ ઉપયોગ કરતા. તેમના મત વિસ્તારમાં નાનામાં નાના વ્યક્તિને ખૂબ સરળ સ્વભાવથી મળતા. લોકો તેમને કાકાના હુલામણા નામથી બોલાવતા હતા. ત્યારે તેમની આકસ્મિક વિદાયથી કડીમાં શોકનો માહોલ છવાયો છે.  

ગાંધીવાદી વિચારોને વરેલા હતા
કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીએ અનંત યાત્રાની વાટ પકડી છે. કરશનભાઈ સોલંકી છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. કડી વિધાનસભામાં છેલ્લી બે ટર્મથી ભાજપના ધારાસભ્ય હતા. 108 ના હુલામણા નામથી કરશનભાઈ સોલંકી આખી કડીમા પ્રખ્યાત હતા. તેઓ સામાન્ય વ્યક્તિ જેવો દેખાવ અને સાદગીભર્યું જીવન જીવતા હતા. તેમજ ગાંધીવાદી વિચારધારાને વરેલા હતા. તેમના માદરે વતન નગરાસણ ખાતે અંતિમ સંસ્કાર કરાશે. કરસનભાઈ સોલંકી કડી તાલુકા પંચાયતમાંને સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે. 2017માં કડી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ 2022 માં કડી વિધાનસભા બેઠક પર 28000 કરતાં વધુ મહત્વની લીડ થી ફરી ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા. તેમના સાદગી ભર્યા અને સરળ સ્વભાવના લીધે સ્થાનિકોમાં લોકચાહના ધરાવતા હતા. 

ગુજરાતમાં કેન્સરની બીમારીએ 38 હજારથી વધુ દર્દીઓનો ભોગ લીધો
દર વર્ષે ચોથી ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ મનાવાય છે, કેન્સરની બીમારીના વધતાં કેસ અને મોતનું પ્રમાણ ચિંતાજનક છે. ગુજરાતમાં પીએમ-જેએવાય ઉર્ફે મા યોજનામાં છેલ્લાં છ વર્ષમાં બે લાખથી વધુ કેન્સરના દર્દીઓને સારવાર આપવી પડી છે, જેના માટે સરકારી તિજોરીમાંથી ૨૮૫૫ કરોડથી વધુ રકમ પૂર્વમંજૂર કરાઈ છે. વર્ષ ૨૦૨૨ના રિપોર્ટ પ્રમાણે દેશમાં કેન્સરના નવા ૧૪.૧૩ લાખ કેસ આવ્યા હતા, જે પૈકી ૭૩,૩૮૨ નવા કેસ ગુજરાતમાં નોંધાયા છે. એકલા અમદાવાદમાં ૯૮૪૦ કેસ નવા છે. ગુજરાતમાં એક વર્ષમાં કેન્સરના ૩૮,૩૦૯ દર્દીએ જીવ ગુમાવ્યા છે, જે પૈકી અમદાવાદ શહેરમાં ર૦૯૭નાં મોત થયા છે. 

ગરીબોના મસીહા કહેવાતા હતા
કરશન સોલંકી કડીથી ભાજપના ધારાસભ્ય હતા. છેલ્લા 2 ટર્મ કડી વિધાનસભા બેઠક પરથી જીતતા આવતા હતા. કરશન સોલંકી સચિવાલય, વિધાનસભા અને પોતાના વિસ્તારમાં કાકાના હુલામણા નામથી જાણીતા હતા. તેઓએ એક પણ દિવસ સરકારી ગાડીનો ઉપયોગ કર્યો નથી. તેમની પાસે પોતાની માલિકીની એક પણ ગાડી પણ નથી. જ્યારે કરશન સોલંકી જ્યારે ગાંધીનગર આવે ત્યારે કોઈની પાસે લિફ્ટ લઈને અથવા તો એસ.ટી. બસમાં આવતા. તેમની આ સાદગી લોકોનું દિલ જીતી લેતી હતી. 

એસટી બસથી સચિવાલય જતા 
પોતાના મત વિસ્તારમાં તેઓ ગરીબોની બેલી તરીકે પ્રખ્યાત ધારાસભ્ય હતા. બીમાર પડતા ગરીબ નાગરિકોને ધારાસભ્ય કરસન સોલંકી પોતે જ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈને આવતા. જ્યાં સુધી સારવાર પૂર્ણ થાય ત્યાં સુધી તેઓ જે તે દર્દીની સાથે જ રહેતા. આ ઉપરાંત જો કોઈ વખત ઈમર્જન્સીમાં ગાંધીનગર આવવું પડે અને એસટી બસ છે ન હોય ત્યારે તે રોડ ઉપર ઉભા રહીને કોઈપણ વ્યક્તિ પાસે લિફ્ટ માંગીને ગાંધીનગર પહોંચી જતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news