એકના ડબલની લાલચ આપી લાખો ખંખેરતી ગેંગ વડોદરાથી પકડાઈ

એકના ડબલની લાલચ આપી લાખો ખંખેરતી ગેંગ વડોદરાથી પકડાઈ
  • 6 જાન્યુઆરીના રોજ ટોળકીએ રાજપીપળા પોલીસ મથકની હદમાં એકના ડબલ કરી આપવાની લાલચ આપીને લાખ્ખો રૂપિયાની છેતરપિંડી કરી

રવિ અગ્રવાલ/વડોદરા :રાજપીપળામાં લોભિયાને તંત્ર-મંત્ર વિધિ દ્વારા એકના ડબલ કરી આપવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરીને વડોદરા તરફ આવી રહેલી ઠગ ટોળકીને જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. ક્રાઇમ બ્રાંચે ટોળકી પાસેથી રૂપિયા 2000, 500 અને 100ના ભાવની શંકાસ્પદ ડુપ્લીકેટ ચલણી નોટો રૂપિયા 2.56 લાખ તેમજ કાર અને મોબાઇલ ફોન મળી કુલ્લે રૂપિયા 5.62 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.  

એલ.સી.બી. સ્ટાફના જવાનો વરણામા પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં કરતા હતા તે દરમિયાન માહિતી મળી હતી કે, એક નંબર વગરની કારમાં ચાર વ્યક્તિઓ કારવણથી પોર તરફ આવી રહ્યા છે. તેઓ એકના ડબલ કરી આપવાની લાલચ આપી, છેતરપિંડી કરીને આવી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે અણખી ગામ પાસે વોચ ગોઠવી દીધી હતી. દરમિયાન બાતમી પ્રમાણેની કાર આવતા જ પોલીસે તેને રોકી હતી. કારમાં સવાર લોકોની પૂછપરછ કરતાં યોગ્ય જવાબ ના મળતા પોલીસે રાજેશ મકવાણા, શીવુ મકવાણા, ઇબ્રાહિમ પઠાણ અને વિજયસિંહ મહિડાની ધરપકડ કરી હતી. તે સાથે જ તેઓની કારમાં તપાસ કરતા કારમાંથી વિવિધ થેલાઓમાંથી ડુપ્લીકેટ રૂપિયા 2000ના દરની ચલણી નોટોના 10 બંડલ, રૂપિયા 500 ના દરના 4 બંડલ, રૂપિયા 100 ના દરના 30 નોટો મળી મળી આવી હતી. પોલીસે શંકાસ્પદ ચલણી નોટ રૂપિયા 2,56,000 કબજે કરી હતી. ઉપરાંત પોલીસે નંબર વગરની કાર અને ચાર મોબાઇલ ફોન મળીને કુલ્લે રૂપિયા 5,62,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ પણ વાંચો : ‘સોમવારે આખા ગુજરાતમાં ગેસ પુરવઠો ખોરવાશે’ આ મેસેજ તમારા મોબાઈલમાં આવ્યો હોય તો ચેતી જજો

આ વિશે વડોદરા જિલ્લા પોલીસ ડીવાયએસપી એસકે વાળાએ જણાવ્યું કે, પોલીસ તપાસમા ટોળકી તંત્ર-મંત્ર દ્વારા એકના ડબલ કરી આપવાની લાલચ આપીને લોભી માણસો સાથે છેતરપિંડી કરતી હતી. ટોળકી એકના ડબલ કરવાની ઇચ્છા ધરાવનાર વ્યક્તિને રોકડ રકમ લઇને કોઇ એંકાતવાળી જગ્યાએ બોલાવતા હતા. અને ત્યાં વિધી કરવાનો ડોળ કરતા હતા. તે જ સમયે તેમની જ ટોળકીનો માણસ પોલીસ બનીને આવતો હતો. અને એકના ડબલ કરવા માટે લઇને આવતા લોભીયા માણસને ધમકાવી વિદાય કરી દેતા હતા. તેની પાસેની રોકડ રકમ પડાવી લીધા બાદ ટોળકી રવાના થઇ જતી હતી. 

પોલીસ તપાસમાં એવી પણ વિગત બહાર આવી છે કે, તા. 6 જાન્યુઆરીના રોજ ટોળકીએ રાજપીપળા પોલીસ મથકની હદમાં એકના ડબલ કરી આપવાની લાલચ આપીને લાખ્ખો રૂપિયાની છેતરપિંડી કરી છે. જે અંગેની ફરિયાદ રાજપીપળા પોલીસ મથકમાં નોંધાઇ છે. ઝડપાયેલી ટોળકીને રાજપીપળા પોલીસના હવાલે કરવા માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. ટોળકીનો ભોગ બનનાર વધુ એક વ્યક્તિ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન આવ્યા હતા. જેમને પણ તેની સાથે ટોળકીએ 10 લાખની ઠગાઇ કરી હોવાની માહિતી આપી હતી. જેથી પોલીસે ભોગ બનનાર રાકેશ પટેલને ફરિયાદ નોંધાવવા કહ્યું હતું.

આ પણ વાંચો : સુરતના યુવાનને અડધી રાત્રે વાસનાનો ખેલ ભારે પડ્યો, ગુપ્ત ભાગમાં ફસાયો ચમચો 

ઝડપાયેલી ઠગ ટોળકી પૈકી રાજેશ મકવાણા અને વિજયસિંહ મહિડા સામે સાબરકાંઠા જિલ્લાના ઇડર પોલીસ મથકમાં વર્ષ-2017માં એકના ડબલ કરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરવાનો ગુનો નોંધાયો હોવાની વિગતો પણ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચની તપાસમાં બહાર આવ્યું છે. હાલ ઠગ ટોળકી સામે વરણામા પોલીસ મથકમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલો બહાર આવ્યા બાદ હાલમાં ઠગ ટોળકીનો ભોગ બનનારા લોકો પોલીસ પાસે દોડી આવી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news