રૂા.૭૩ કરોડના ખર્ચે તૈયાર કરાશે ડાકોર ખાતે ફ્લાયઓવર બ્રિજ, સમય તથા ઇંધણની થશે બચત
પવિત્ર યાત્રાધામ ડાકોર (Dakor) ખાતે લાખો શ્રદ્ધાળુઓ રાજા રણછોડરાયના દર્શને આવતા હોય છે ત્યારે ડાકોર જંકશન ખાતે જે વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યા હતી તેના નિયંત્રણ માટે રૂા. ૭૩ કરોડના ખર્ચે ફલાયઓવર બ્રિજનું નિર્માણ કરાશે.
Trending Photos
ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી અને માર્ગ-મકાન વિભાગ મંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ના ‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ’ના મંત્રને ચરિતાર્થ કરીને જનસુખાકારીના વિકાસ કામો થકી પ્રજાનો વધુને વધુ વિશ્વાસ સંપાદિત કરવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે.
રાજ્ય (Gujarat) માં કોરોના (Coronavirus) ના કપરાકાળમાં પણ રાજ્યની વણથંભી વિકાસયાત્રાને અટકવા દીધી નથી અને હાલ સમગ્ર રાજ્યમાં રૂા.૧૫ થી ૧૭ હજાર કરોડના માર્ગ-મકાન વિભાગના કામો વિવિધ તબક્કે પ્રગતિ હેઠળ છે. ભરૂચ ખાતેના નર્મદા મૈયા બ્રીજનું ટૂંક સમયમાં લોકાર્પણ કરાશે.
આજે ભરૂચ (Bharuch) અને ખેડા (Kheda) જિલ્લાના રૂા. ૧૫૦ કરોડના ત્રણ વિકાસ કામોનું ગાંધીનગર (Gandhinagar) થી વર્ચ્યુઅલી લોકાર્પણ અને ખાતમુર્હૂત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) ઉમેર્યું કે, ઔદ્યોગિક ક્ષેત્રે મહત્વનો એવા ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર ખાતેના ગડખોલ ખાતે રૂા.૮૪ કરોડના ખર્ચે ઓવરબ્રીજના નિર્માણથી આ વિસ્તારના લોકોને તથા વાહનવ્યવહારને સરળતા થશે અને સમય તથા ઇંધણની પણ બચત થશે.
એ જ રીતે પવિત્ર યાત્રાધામ ડાકોર (Dakor) ખાતે લાખો શ્રદ્ધાળુઓ રાજા રણછોડરાયના દર્શને આવતા હોય છે ત્યારે ડાકોર જંકશન ખાતે જે વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યા હતી તેના નિયંત્રણ માટે રૂા. ૭૩ કરોડના ખર્ચે ફલાયઓવર બ્રિજનું નિર્માણ કરાશે. જેના પરિણામે ટ્રાફિકના પ્રશ્નો હલ થશે તેમજ ઉમરેઠ ખાતે રૂા. ૧.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત સરકીટ હાઉસ પણ લોકો માટે ઉપયોગી નીવડશે.
નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ભૂતકાળમાં ન થયા હોય એવા અદ્યતન સુવિધાઓ સાથેના અદ્દભૂત વિકાસકામો અમારી સરકાર મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ કરી રહી છે. જેના પરિણામે રાજ્યના નાગરિકોની સુવિધાઓમાં વધારો થઇ રહ્યો છે. એ જ રીતે ગામડાઓમાં કાચા રસ્તાને પાકા રસ્તા બનાવવા માટે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મોટાભાગના ગામડાંઓને આવરી લેવાયા છે. જેના નિર્માણથી ગ્રામ્યસ્તરે પણ પરિવહનની સુવિધાઓ વધુ સુદૃઢ બનશે.
તેમણે ઉમેર્યું કે, ભરૂચ (Bharuch) જિલ્લામાં મીઠા પાણીનો સોર્સ પ્રાપ્ત થાય એ માટે ભાડભૂત બેરેજની કામગીરી પણ ચાલુ કરી દીધી છે તથા અંકલેશ્વર-રાજપીપળાના માર્ગનું રૂા. ૧૦૦ કરોડના કામ માટે પણ ટેન્ડર મંજૂર કરી દેવાયું છે અને ભરૂચ-શ્રવણ ચોકડી પાસે પણ ટ્રાફિકનું નિવારણ થાય એ હેતુસર ઓવરબ્રીજના નિર્માણ માટે ડી.પી.આર. બનાવવા સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવાઇ છે. જેના પરિણામે અંકલેશ્વર અને આસપાસના વિસ્તારની ટ્રાફિક સમસ્યા હલ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અંકલેશ્વર તાલુકાના ગડખોલ ખાતે રૂા.૮૪ કરોડના ખર્ચે નિર્મિત નવીન ચાર માર્ગીય ૧૧૦૦ મીટર લંબાઇના આધુનિક રેલવે ઓવરબ્રીજ પરથી દૈનિક ૧૦૦ થી ૧૫૦ ટ્રેનો પસાર થતી હોવાના કારણે જે ટ્રાફિક સમસ્યા હતી એ દૂર થશે અને આસપાસના અંદાડા, સામોર, માંડવા, કોસિયા, સુરવાડી તથા અંકલેશ્વર શહેરના નાગરિકોને ટ્રાફિક સમસ્યામાં રાહત થશે. એ જ રીતે ડાકોર જંકશન પર રૂા. ૭૩ કરોડના ખર્ચે નિર્માણ થનાર ફલાય ઓવર બ્રીજમાં કપડવંજ, સેવાલીયા અને ઉમરેઠ તરફ સર્વિસ રોડની જોગવાઇ કરાઇ છે.
આ કાર્યક્રમમાં ભરૂચ ખાતે સાંસદ મનસુખભાઈ વસાવા, સહકાર રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, અરૂણસિંહ રાણાએ તથા ડાકોર ખાતે સાંસદ દેવુસિંહ ચૌહાણ, રતનસિંહ રાઠોડ, મિતેષભાઈ પટેલ અને ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, ગોવિંદભાઈ પટેલ અને કાંતિભાઈ પરમારે પ્રાસંગિક પ્રવચનો કરીને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.
આ કાર્યક્રમમાં ગાંધીનગર ખાતેથી સ્વાગત પ્રવચન માર્ગ-મકાન વિભાગના સચિવ સંદીપ વસાવાએ કર્યું હતું. આ વેળાએ માર્ગ-મકાન વિભાગના મુખ્ય ઇજનેર એન. કે. પટેલ, પટેલીયા અને જિલ્લા મથકોએ પદાધિકારીઓ અને સ્થાનિક વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે