ગીરમાં લાયન કોરિડોર માટે સરકારે આપ્યા મોટા અપડેટ, આ રીતે સચવાય છે સાવજ

Parimal Nathwani On Gir Lion Corridor : ગીર રક્ષિત વિસ્તારમાં 21 મહત્ત્વપૂર્ણ લાયન કોરિડોર્સ છે... પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રીનો રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને સંસદમાં પૂછાયેલા પ્રશ્નનો મળ્યો જવાબ 
 

ગીરમાં લાયન કોરિડોર માટે સરકારે આપ્યા મોટા અપડેટ, આ રીતે સચવાય છે સાવજ

Rajya Sabha Update : ગીર રક્ષિત વિસ્તાર માટેના મેનેજમેન્ટ પ્લાન અનુસાર સરકારે કુલ 21 મહત્ત્વપૂર્ણ કોરિડોર્સની ઓળખ કરી છે. ગીરમાં લાયન કોરિડોર્સ સંબંધે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપતી વેળાએ વન, પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કિર્તી વર્ધન સિંઘે રાજ્યસભામાં ફેબ્રુઆરી 13, 2025ના રોજ આ માહિતી ઉપલબ્ધ બનાવી હતી.

મંત્રીના નિવેદન અનુસાર, ગુજરાતમાં ગીર વિસ્તારમાં પ્રોજેક્ટ લાયનનો અમલ કરાઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ સંવર્ધન અને ઈકો-ડેવલપમેન્ટને એકીકૃત કરીને ગુજરાતમાં એશિયાટિક સિંહોના લેન્ડસ્કેપ ઈકોલોજી-આધારિત સંવર્ધન પર ભાર મૂકાઈ રહ્યો છે. પ્રોજેક્ટ લાયન ડોક્યુમેન્ટ “લાયન @ 47: વિઝન ફોર અમૃતકાળ” નીચેના ઉદ્દેશો સાથે તૈયાર કરવામાં આવ્યું છેઃ સિંહોની વધતી વસતિના વ્યવસ્થાપન માટે સિંહોની વસાહતોને પુનઃસ્થાપિત કરવી અને તેને સુરક્ષિત કરવી; સ્થાનિક સમુદાયોની આજીવિકાનું ઉપાર્જન તેમજ સ્થાનિક સમુદાયોની સહભાગીતાને વધારવી; સિંહોમાં રોગોના નિદાન અને ઈલાજ માટે  ગ્લોબલ હબ ઓફ નોલેજ બનવું; અને પ્રોજેક્ટ લાયન પહેલ દ્વારા સર્વસમાવેશી બાયોડાયવર્સિટી સંવર્ધન હાથ ધરવું.

મંત્રાલય પાસે ઉપલબ્ધ માહિતી અનુસાર, ગુજરાત સરકારે રેડિયો કોલરિંગ અને જીઆઈએસ મેપિંગ જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને લાયન કોરિડોર્સ અંગે સર્વગ્રાહી અભ્યાસો હાથ ધર્યા છે. આ પ્રક્રિયા દરમિયાન, સંલગ્ન સંસ્થાઓને પણ જોડવામાં આવી છે. સિંહોના વસાહતોના સંકોચન તેમજ માનવ-વન્યજીવ ઘર્ષણને ટાળવા વિવિધ પહેલો હાથ ધરવામાં આવી છે. આમાં વસાહતોના પ્રસ્થાપનના પ્રયાસો, સામુદાયિક સહભાગીપણાના કાર્યક્રમો તેમજ સંવર્ધનના લાંબાગાળાના પ્રયાસોને સુનિશ્ચિત કરવા વૈજ્ઞાનિક સંશોધનોનો સમાવેશ થાય છે.

એશિયાટિક સિંહ અને તેની વસાહતોના રક્ષણ તેમજ સંવર્ધન માટે સરકારે લીધેલાં મહત્ત્વપૂર્ણ પગલાંમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:
1) રક્ષિત વિસ્તારોના એક નેટવર્ક (રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો, સંવર્ધન રક્ષિત અને સામુદાયિક રક્ષિત વિસ્તારો)ની ગીરના જંગલોમાં રચના કરાઈ છે, તેમજ વન્યજીવોને તેમના શિકાર તેમજ વ્યાપારી હેતુ માટે થતાં શોષણ સામે વન્યજીવ (સંરક્ષણ) ધારા, 1972ની જોગવાઈઓ હેઠળ કાનૂની રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે.
2) રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ અન્ય કાનૂની એજન્સીઓ સાથે વાઈલ્ડલાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યૂરો દ્વારા સંકલન સાધીને વન્યજીવોની શિકારપ્રવૃત્તિ તેમજ પ્રાણીઓના અવશેષોના ગેરકાયદે વેપાર વિશે બાતમી મેળવવામાં આવી રહી છે.
3) ઈકો-ડેવલપમેન્ટ પ્રવૃત્તિઓ દ્વારા સંવર્ધનનાં પગલાંમાં સ્થાનિક સમુદાયોની સામેલગીરી દ્વારા વન્યજીવોના રક્ષણમાં વન વિભાગને મદદ મળી રહી છે.
4) વન વિસ્તારોના પેટ્રોલિંગના માધ્યમે લાયન કોરિડોર્સ તથા સિંહોના આવાગમનના વિસ્તારોનું અસરકારક સુપરવિઝન અને નિરીક્ષણ હાથ ધરાઈ રહ્યું છે.
5) ઝડપી પ્રત્યુત્તર માટે અસરકારક સંદેશાવ્યવહાર પ્રણાલિ સ્થાપિત કરવા આધુનિક ટેકનોલોજીના ઉપયોગની સાથે આઈટી સંબંધિત પહેલો પણ આદરવામાં આવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news