મોરબી નગર પાલિકાનું 370 કરોડ રૂપિયાનું બજેટ રજુ, ભાજપે વિકાસ રૂંધનારૂ બજેટ ગણાવ્યું
Trending Photos
મોરબી: નગરપાલિકાનું વર્ષ ૨૦૨૦-૨૧નું બજેટ ગત જનરલ બોર્ડની અંદર નામંજુર કરવામાં આવ્યુ હતુ, ત્યારે ભાજપ દ્વારા આ બજેટને ભ્રષ્ટાચારયુક્ત બજેટ ગણાવ્યું હતું. આ વાતને આજે મળેલી જનરલ બોર્ડની બેઠકની અંદર પણ ભાજપ દ્વારા પકડી રાખવામાં આવી હતી. આજરોજ મોરબી નગરપાલિકાની અંદર શાસક પક્ષ દ્વારા કુલ મળીને ૩૭૦ કરોડનું ૧.૧૭ લાખની પુરાંતવાળુ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટને વિકાસને રૂંધનારુ અને ભ્રષ્ટાચારમુક્ત બજેટ ભાજપ દ્વારા ગણાવવામાં આવ્યું હતું. છેલ્લા વર્ષની અંદર નગરપાલિકા દ્વારા રોડ રસ્તા લાઈટ પાણીની અંદર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં પણ લોકોને સારી પ્રાથમિક સુવિધા નથી મળી રહી. જેથી કરીને નગરપાલિકાના શાસકો લોકોની સુખાકારીમાં વધારો કરવામાં નિષ્ફળ ગયા હોવાનો આક્ષેપ ભાજપ દ્વારા કરવામાં આવ્યો હતો.
દર વખતે પાલિકાના બજેટમાં હથેળીમાં ચાંદ બતાવતી હોય તે રીતે નોખી નોખી યોજનાઓ બનાવવામાં આવતી હોય છે. જેમાં ખાસ કરીને વર્ષોથી ચાલી આવતી રિવરફ્રન્ટની યોજના, સાયકલ યોજના, પાર્કિંગ યોજના, ઓવરબ્રિજ બનાવવાની યોજના આ તમામ યોજનાઓનો સમાવેશ કરીને સરકાર તરફથી ભવિષ્યમાં ગ્રાન્ટ મળશે તેવી અપેક્ષા સાથે મોરબી નગરપાલિકાના બજેટના કદને વધારવામાં આવ્યું છે. જોકે વાસ્તવિક રીતે નાણાકીય વર્ષના અંતે કેટલી ગ્રાન્ટ મળશે અને પાલિકાના કર્મચારીઓ દ્વારા ટેક્સના રૂપમાં લોકો પાસેથી કેટલી રિકવરી કરી શકાશે તે સૌથી મોટો સવાલ છે. કારણ કે ચાલુ વર્ષે લગભગ ૨૭ કરોડ જેટલી રકમ ટેક્સના રૂપમાં શહેરમાંથી વસૂલ કરવાની થતી હતી. પરંતુ વર્ષના અંત સુધીમાં માત્ર ૫૦ ટકા જેટલી રકમ એટલે કે ૧૩ કરોડ જેટલા રૂપિયા જ નગરપાલિકાના કર્મચારીઓ શહેરીજનો પાસેથી વસૂલ કરી શક્યા છે. આવુ કામ થશે તો વિકાસ કેવી રીતે થશે તે સવાલ છે.
મોરબી નગરપાલિકામાં આજ રોજ જનરલ બોર્ડની બેઠક મળી હતી, તેમાં કુલ મળીને ૯ સભ્યોએ રજા રિપોર્ટ રજૂ કર્યા હતા. જે તમામ રજા રિપોર્ટને પાલિકાના પ્રમુખ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કુલ મળીને ચાર સભ્યો કોઈપણ પ્રકારનો રજા રિપોર્ટ રજૂ કર્યા વગર ગેરહાજર રહ્યા હતા. કુલ મળીને બાવન સભ્યોમાંથી ૧૩ સભ્યો ગેરહાજર હતા એટલે કે પાલિાના ૨૫ ટકા જેટલા સભ્યો પાલિકાની બજેટ બેઠકમાં હાજર રહ્યા હતા. સૂચવે છે કે પાલિકાના સભ્યોને લોકોની સુખાકારી વધે તેમાં અને શહેરનો વિકાસ થાય તેમાં કેટલો રસ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે