31 જુલાઈ પહેલા ફાઈલ કરો IT રિટર્ન, થશે આ 5 ફાયદા
ઈન્કમ ટેક્સ રિટર્ન એટલે કે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ ધીમે ધીમે નજીક આવતી જાય છે. કરદાતાઓ 31 જુલાઈ સુધીમાં આઈટીઆર ફાઈલ કરી શકે છે.
Trending Photos
નવી દિલ્હી: ઈન્કમ ટેક્સ રિટર્ન એટલે કે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ ધીમે ધીમે નજીક આવતી જાય છે. કરદાતાઓ 31 જુલાઈ સુધીમાં આઈટીઆર ફાઈલ કરી શકે છે. જો તમે 31 જુલાઈ સુધીમાં રિટર્ન ફાઈલ કરવાનું ચૂકી ગયા અને 1 ઓગસ્ટથી લઈને 31 ડિસેમ્બર સુધીમાં રિટર્ન ફાઈલ કર્યું તો તમારે 5000 રૂપિયા દંડ ભરવો પડશે. પરંતુ જો તમારી કુલ આવક 5 લાખથી ઓછી હોય તો દંડની રકમ 1000 રૂપિયા રહે છે. પરંતુ આવા કોઈ પણ પ્રકારના દંડથી બચવા માટે આઈટીઆર સમયસર ફાઈલ કરી દેવુ જરૂરી છે.
દર વર્ષે કેટલાક નોકરીયાતો અને બિઝનેસ કરનારા એવા પણ લોકો હોય છે જે પહેલીવાર આઈટીઆર ફાઈલ કરતા હોય છે. આવા લોકો અને જે લોકો આઈટીઆર ફાઈલ કરતા નથી તેમના મનમાં હંમેશા એવા સવાલ ઉઠે છે કે આઈટીઆર ભરવાના ફાયદા શું હોય છે. જો તમારા મનમાં પણ આ સવાલ ઉઠતા હશે તો આ વાંચ્યા બાદ દુવિધા નહીં રહે. આઈટીઆર ફાઈલ કરવાના એક નહીં પરંતુ અનેક ફાયદા છે. આવો જાણીએ આવા જ કેટલાક ફાયદા વિશે...
ફાયદો નંબર 1- બિઝનેસ માટે જરૂરી
જો તમે નોકરી કરતા હોવ અને બિઝનેસ શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહ્યાં હોવ તો આઈટીઆર ફાઈલ કરવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમે કારોબાર શરૂ કરવા જઈ રહ્યાં છો કે પછી કોઈ કોન્ટ્રાક્ટ હાંસલ કરવા માંગો છો તો આઈટીઆર બતાવવું પડશે. કોઈ સરકાર વિભાગમાં કોન્ટ્રાક્ટ મેળવવા માટે છેલ્લા 5 વર્ષના રિટર્ન માંગવામાં આવે છે.
ફાયદો નંબર 2- બેંકમાંથી લોન અને ક્રેડિટ કાર્ડ લેવા માટે
નિયમિત રીતે આઈટીઆર ફાઈલ કરતા લોકોને બેંકમાંથી કોઈ પણ પ્રકારની લોન કે ક્રેડિટ કાર્ડ મેળવવામાં પરેશાની થતી નથી. આજકાલ વધી રહેલા ફ્રોડ વચ્ચે બેંકો તરફથી પૂરેપૂરી તપાસ બાદ જ લોન અપાય છે. જો તમે આઈટીઆર ફાઈલ કરતા હશો તો તમને કાર કે હોમ લોન સરળતાથી મળી જશે.
ફાયદો નંબર 3- વધુ વીમા કવર સરળતાથી મળે
સમયસર અને નિયમિત રીતે આઈટીઆર ફાઈલ કરનારા લોકોજો એક કરોડ રૂપિયાનો ઈન્શ્યોરન્સ કવર (ટર્મ પ્લાન) લેવા માંગતા હોય તો ઈન્શ્યોરન્સ કંપનીઓ તમારા આઈટીઆર પ્રુફ માંગી સકે છે. આઈટીઆર પ્રુફ દર્શાવવાથી તમને સરળતાથી ટર્મ પ્લાન મળી જાય છે.
ફાયદો નંબર 4- વિઝા સરળતાથી મળે
જો તમે કારોબાર કે નોકરી માટે વિદેશ જવા માંગતા હોવ તો તમારા માટે આઈટીઆર જરૂરી છે. અનેક વિદેશી દૂતાવાસ વિઝા એપ્લિકેશન સાથે છેલ્લા બે વર્ષના આઈટીઆર માંગે છે. જો તમે નિયમિત આઈટીઆર ફાઈલ ન કરતા હોવ તો તમારું વિદેશ જવાનું પ્લાનિંગ અધ્ધર લટકી શકે છે.
ફાયદો નંબર 5- એડ્રસનો પાક્કો પુરાવો
ઉપર ગણાવેલા ફાયદા ઉપરાંત આઈટીઆરની કોપી તમારા માટે રેસિડેન્શન એટલે કે એડ્રસ પ્રુફના કામે પણ આવે છે. જો તમારી પાસે કોઈ રેસિડેન્શિયલ પ્રુફ નથી તો તમે તેનો ઉપયોગ તમામ સરકારી કામો માટે કરી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે