હાથકડીઓ પહેરાવી, સાંકળોમાં જકડીને આ રીતે મોકલવામાં આવે છે ગેરકાયદે પ્રવાસીઓ, વ્હાઈટ હાઉસે શેર કર્યો Video
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવ્યા બાદ મોટા પાયે ગેરકાયદે પ્રવાસીઓને ખદેડવાની કાર્યવાહી ચાલુ છે. વ્હાઈટ હાઉસે આ મામલે એક વીડિયો શેર કર્યો છે.
Trending Photos
અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદથી જ ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદે પ્રવાસીઓને લઈને આકરા પાણીએ છે. ભારત સહિત અનેક દેશોના ગેરકાયદે પ્રવાસીઓને તેમના વતન મોકલી ચૂક્યા છે. ટ્રમ્પ અમેરિકામાં ગેરકાયદે રહેતા પ્રવાસી ભારતીયોના ત્રણ પ્લેન ભારત મોકલી ચૂક્યા છે. હાથકડીઓમાં બાંધેલા આ ભારતીયોની તસવીરો અને વીડિયોએ ભારે હંગામો મચાવ્યો. આ બધા વચ્ચે હવે વ્હાઈટ હાઉસે હાથકડીમાં જકડેલા ગેરકાયદે પ્રવાસીઓનો એક નવો વીડિયો પોસ્ટ કર્યો છે.
વ્હાઈટ હાઉસના અધિકૃત પેજ પર પોસ્ટ કરાયેલા આ 41 સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે કે ડિપોર્ટ કરવામાં આવનારા પ્રવાસીઓને તૈયાર કરાઈ રહ્યા છે. ડિપોર્ટ થનારા પ્રવાસીઓને તૈયાર કરતા પોલીસ અધિકારીઓ જોઈ શકાય છે. વીડિયોમાં જોવા મળે છે કે આ અધિકારી પ્રવાસી વ્યક્તિને હાથકડી લગાવી રહ્યા છે. એરપોર્ટ પર હાથકડીઓ અને સાંકળ જોવા મળે છે.
આ વીડિયોમાં જો કે ડિપોર્ટ થનારા વ્યક્તિનો ચહેરો જોવા મળતો નથી. પરંતુ તેમના હાથ અને પગમાં બેડીઓ લગાવતા જોઈ શકાય છે. એક અન્ય ક્લિપમાં એક વ્યક્તિ પ્લેનમાં ચડતો જોવા મળે છે અને તેના પગમાં બેડીઓ છે.
ASMR: Illegal Alien Deportation Flight 🔊 pic.twitter.com/O6L1iYt9b4
— The White House (@WhiteHouse) February 18, 2025
અત્રે જણાવવાનું કે ગેરકાયદે પ્રવાસીઓને લઈને અમેરિકાથી પહેલું સૈન્ય વિમાન પાંચ ફેબ્રુઆરીના રોજ ભારત પહોંચ્યું હતું. અમેરિકી સી-147 પ્લેનથી પહેલો જથ્થો ભારત આવ્યો હતો. આ પ્લેનમાં 104 ભારતીયો હતા. આ પ્લેન અમૃતસર લેન્ડ થયું હતું. પ્લેનમાં કુલ 104 ભારતીયો હતા જેમાં 79 પુરુષો અને 25 મહિલાઓ હતી. અમેરિકાથી ડિપોર્ટ કરીને લાવવામાં આવેલા ભારતીયોને મેક્સિકો-અમેરિકાની બોર્ડર પર પકડવામાં આવ્યા હતા. એવું કહેવાય છે કે તેમણે ડંકી રૂટ દ્વારા અમેરિકામાં ઘૂસવાની કોશિશ કરી હતી. આ પ્લેનમાં પંજાબના 30, હરિયાણાના 33, ગુજરાતના 33, મહારાષ્ટ્રથી 3, યુપીથી 3, ચંડીગઢથી 2 લોકો હતા.
ત્યારબાદ બીજુ પ્લેન 120 ગેરકાયદે ભારતીય પ્રવાસીઓને લઈને 15 ફેબ્રુઆરીએ મોડી રાતે અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું. જેમાં 60થી વધુ પંજાબથી અને 30થી વધુ હરિયાણાના હતા. અન્યમાં ગુજરાત, યુપી, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીરના લોકો હતા. ત્યારબાદ ત્રીજુ પ્લેન 16 ફેબ્રુઆરીએ અમૃતસર ઉતર્યું હતું. જેમાં 112 લોકો હતા. જેમને અમેરિકાથી કાઢી મૂકાયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે