બરાબરનો ફસાયો દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ! 'ચકલી' એ બગાડ્યો આ રીતે આખો ખેલ
વોશિંગ્ટન ડીસીની ફેડરલ કોર્ટમાં દાખલ કરાયેલી ફરિયાદમાં SEC એ જણાવ્યું હતું કે મસ્કે ફેડરલ સિક્યોરિટીઝ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે 11 દિવસના વિલંબ સાથે ટ્વિટરના 5% શેર ખરીદવાની માહિતી આપી હતી.
Trending Photos
મંગળવારે અમેરિકન શેરબજારની દેખરેખ રાખનાર સંસ્થા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) એ એલોન મસ્ક સામે દાવો દાખલ કર્યો છે. SECનો આરોપ છે કે મસ્કે 2022માં ટ્વિટરમાં તેમનો મોટો હિસ્સો ખરીદવા વિશે મોડેથી માહિતી આપી હતી. બાદમાં તેમણે પોતે ટ્વિટર ખરીદ્યું. વોશિંગ્ટન ડીસીની ફેડરલ કોર્ટમાં દાખલ કરાયેલી ફરિયાદમાં SEC એ જણાવ્યું હતું કે મસ્કે ફેડરલ સિક્યોરિટીઝ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે 11 દિવસના વિલંબ સાથે ટ્વિટરના 5% શેર ખરીદવાની માહિતી આપી હતી.
10 દિવસની અંદર આપવાની હતી માહિતી
એક નિયમ અનુસાર, જો કોઈ વ્યક્તિ કંપનીમાં 5% થી વધુ શેર ખરીદવા માંગે છે, તો તેમણે 10 દિવસની અંદર તેની માહિતી આપવી પડે છે. મસ્કના કેસમાં તેમણે 24 માર્ચ 2022 સુધીમાં આ માહિતી આપવી જોઈતી હતી. પરંતુ SEC કહે છે કે તેમણે આવું કર્યું નથી. તેમણે ઓછી કિંમતે 500 મિલિયન ડોલરથી વધુ મૂલ્યના Twitter શેર્સ ખરીદ્યા અને 4 એપ્રિલ, 2022ના રોજ તેની જાણ કરી તે સમય સુધીમાં તેમની પાસે 9.2% શેર હતા.
અચાનક વધારો થયો હતો શેરના ભાવમાં...!!
SEC અનુસાર જ્યારે મસ્કે તેમનો હિસ્સો જાહેર કર્યો, ત્યારે ટ્વિટરના શેરની કિંમતમાં 27% થી વધુનો વધારો થયો. મંગળવારે દાખલ કરાયેલા મુકદ્દમામાં SEC ઇચ્છે છે કે મસ્કને દંડ કરવામાં આવે અને તેમણે ખરાબ રીતે મેળવેલા નાણાંની વસૂલાત કરવામાં આવે. આખરે ઓક્ટોબર 2022માં મસ્કે ટ્વિટરને 44 અરબ ડોલરમાં ખરીદ્યું અને તેનું નામ બદલીને X કર્યું.
મસ્કના વકીલે કહી આ વાત
મસ્કના વકીલ એલેક્સ સ્પાઈરોએ એક ઈમેલમાં જણાવ્યું હતું કે SEC દ્વારા તેમના ક્લાયન્ટ સામે લાવવામાં આવેલો મુકદ્દમો તેમના ક્લાયન્ટને હેરાન કરવા માટે એસઈસી દ્વારા લાંબા સમયથી ચાલતી યોજનાનો એક ભાગ છે. તેમણે કહ્યું, 'આજની કાર્યવાહી સ્પષ્ટ કરે છે કે SEC વાસ્તવિક કેસ કરવામાં સક્ષમ નથી.' સ્પાઈરોએ કહ્યું કે મસ્કે કંઈ ખોટું કર્યું નથી અને બધા જાણે છે કે આ બધી નકામી કાર્યવાહી છે. તેમણે કહ્યું કે આ કેસમાં માત્ર "નાની વહીવટી ભૂલ"નો આરોપ છે, જે જો સાબિત થશે, તો તેને ખૂબ જ નાનો દંડ થશે.
ફોર્બ્સ મેગેઝિન અનુસાર ઇલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરિંગ કંપની ટેસ્લા અને રોકેટ મેન્યુફેક્ચરિંગ કંપની સ્પેસએક્સ ચલાવતા એલોન મસ્કની સંપત્તિ 417 અરબ ડોલર છે. તેઓ અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર પણ છે. ફોર્બ્સ કહે છે કે મસ્કની સંપત્તિ વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ કરતાં બમણી છે, જેની કિંમત 232 અરબ ડોલર છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદ સંભાળ્યાના છ દિવસ પહેલા જ SECએ મસ્ક વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે