PM Modi Podcast: PM મોદીએ કહ્યું- જ્યારે અમેરિકાએ વિઝા કેન્સલ કર્યા તો એક સંકલ્પ લીધો હતો

પીએમ મોદીએ પોડકાસ્ટની દુનિયામાં ડેબ્યુ કર્યું છે. તેમણે જેરોધાના સહ સંસ્થાપક નિખિલ કામથના પોડકાસ્ટમાં અનેક મુદ્દાઓ પર વાત કરી. આ સાથે તેમણે અમેરિકાએ જ્યારે વિઝા કેન્સલ કર્યા હતા તે મુદ્દે પણ પોતાના મનની વાત કરી. 

PM Modi Podcast: PM મોદીએ કહ્યું- જ્યારે અમેરિકાએ વિઝા કેન્સલ કર્યા તો એક સંકલ્પ લીધો હતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જેરોધાના સહ સંસ્થાપક નિખિલ કામથના પોડકાસ્ટમાં અનેક મુદ્દાઓ પર વાત કરી છે. આ દરમિયાન જ્યારે તમને 2005માં અમેરિકી વિઝા રિજેક્ટ થવાની ઘટના પર સવાલ કરવામાં આવ્યો તો તેમણે જણાવ્યું કે અમેરિકી અધિકારીઓએ તેમને વિઝા આપવાનો ઈન્કાર કરવાનો નિર્ણય કેટલાક લોકો દ્વારા ફેલાવવામાં આવેલા જુઠ્ઠાણાના આધારે લીધો હતો અને આ વાત તેમને ગમી ન હતી કારણ કે આ લોકતાંત્રિક રીતે ચૂંટાઈ આવેલી સરકાર અને સમગ્ર દેશનું અપમાન હતું. 

નિખિલ કામથે પીએમ મોદીને પૂછ્યું હતું કે તેમને તેમના જીવનમાં સૌથી વધુ દુ:ખ ક્યારે થયું હતું? જેના જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે 'તમે પૂછ્યું કે મારા માટે સૌથી વધુ કષ્ટવાળી પળ કઈ હતી તો આ એ જ હતી જ્યારે અમેરિકાએ મારા વિઝા કેન્સલ કરી નાખ્યા. એક અન્ય વ્યક્તિતરીકે અમેરિકાનો પ્રવાસ કરવો મારા માટે મહત્વપૂર્ણ નહતો. પરંતુ હું મુખ્યમંત્રી હતો, લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારનું નેતૃત્વ કરતો હતો અને આ (અમેરિકા દ્વારા વિઝા આપવાની ના પાડવી) લોકશાહીઢબે ચૂંટાઈ આવેલી સરકાર અને દેશનું અપમાન હતું. તેણે મને પરેશાન કર્યો. કેટલાક લોકોએ જૂઠ્ઠાણું ફેલાવ્યું હતું. પરંતુ જ્યારે મે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી તો મે એક સંકલ્પ લીધો હતો...મે કહ્યું હતું કે હું એક એવા દિવસની કલ્પના કરું છું કે જ્યારે લોકો ભારતીય વિઝા માટે લાઈનમાં ઊભા હશે.' આજે 2025માં હું તે થતું જોઈ રહ્યો છું. આ ભારતનો સમય છે. પીએમ મોદીએ જણાવ્યું કે કેવી રીતે છેલ્લા બે દાયકામાં ભારતે ટેક્નિકલ અને પ્રશાસનિક ક્ષેત્રમાં ક્રાંતિ કરી છે. ભારતે એ દેખાડ્યું છે કે ફક્ત એક મોબાઈલથી કેવી રીતે મોટા ફેરફાર કરી શકાય છે. 

આજે ભારતનો સમય છે- પીએમ મોદી
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે તે મારા જીવનનો મુશ્કેલ સમય હતો અને મને ઝટકો લાગ્યો હતો. પછી ઘણું બધુ સુધરી ગયુ, પરંતુ મે મારો સંકલ્પ હંમેશા જાળવી રાખ્યો. મે આ વાત 2005માં કહી હતી. કારણ કે હું સ્પષ્ટ રીતે જોઈ શકતો હતો કે ભારતનો સમય આવશે. આજે આપણે 2025માં ઊભા છીએ. હવેનો સમય ભારતનો છે. આજે મને ખુશી થાય છે કે જ્યારે બીજા  દેશોમાં જઉ છું અને લોકોના મનમાં ભારતની અલગ છબી જોઉ છું. જોઉ છું કે તેઓ પણ ભારત આવવા માંગે છે. પોતાના માટે ભારતમાં વેપાર અને અન્ય તકો જુએ છે. તેમણે કહ્યું કે હું હંમેશા ભવિષ્યનું વિચારતા કામ કરું છું. 

શું હતો અમેરિકી વિઝા વિવાદ
વર્ષ 2002માં ફેબ્રુઆરી મહિનામાં સેકડો કારસેવક અયોધ્યાથી સાબરમતી એક્સપ્રેસમાં બેસીને ગુજરાત પાછા ફરી રહ્યા હતા. જ્યારે ટ્રેન 27 ફેબ્રુઆરીના રોજ ગોધરા રેલવે સ્ટેશન પહોંચી તો તેના કોચ નંબર એસ-6માં આગ લગાડવામાં આવી. આ ઘટનામાં 59 કારસેવકો જીવતા ભૂંજાઈ ગયા. ત્યારબાદ ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. અમેરિકાએ સાંપ્રદાયિક તોફાનો રોકવાના કોઈ પ્રયત્ન ન કરવાના આરોપના આધારે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વિઝા આપવાની ના પાડી દીધી હતી. જો કે 2002ના ગુજરાત તોફાનીની સુપ્રીમ કોર્ટની નિગરાણીમાં તપાસ થઈ જેમાં નરેન્દ્ર મોદીને તમામ આરોપોમાંથી મુક્ત કરાયા હતા. તેઓ 2014માં ભારતના પીએમ બન્યા તો અમેરિકાએ તેમના વિઝા રિન્યૂ કરી દીધા. 

પીએમ મોદીએ યાદ કર્યો ગોધરા કાંડ
પીએમ મોદીએ નિખિલ કામથ સાથેના પોડકાસ્ટમાં સાબરમતી એક્સપ્રેસ આગજની કાંડ ઉપર પણ વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, 24 ફેબ્રુઆરી 2002ના રોજ પહેલીવાર વિધાયક બન્યો અને 27 ફેબ્રુઆરીએ હું વિધાનસભા ગયો. ગોધરામાં આવી ઘટના ઘટી ત્યારે હું ત્રણ દિવસ જૂનો વિધાયક હતો. અમને સૌથી પહેલા ટ્રેનમાં આગ લાગવાની જાણકારી મળી. પછી ધીરે ધીરે તેમાં થયેલી જાનહાનિ અંગે સમાચારો મળવા લાગ્યા. હું સદનમાં હતો અને હું ચિંતિત હતો. જેવો હું બહાર આવ્યો કે મે કહ્યું કે હું ગોધરા જવા માંગુ છું. ત્યાં ફક્ત એક હેલિકોપ્ટર હતું. મને લાગે છે કે આ ઓએનજીસીનું હતું પરંતુ તેમણે કહ્યું કે આ સિંગલ એન્જિનવાળું હેલિકોપ્ટર છે અને આથી તેઓ તેમાં કોઈ વીઆઈપીને જવાની મંજૂરી આપી શકે નહીં. અમે દલીલ કરી અને મે કહ્યું કે જે પણ કઈ થશે તેના માટે હું જવાબદાર રહીશ. હું તે લખીને આપીશ. 

તેમણે વધુમાં કહ્યું કે, 'હું ગોધરા પહોંચ્યો...તે એક દર્દનાક દ્રષ્ય હતું. ચારેબાજુ લાશો હતી. પરંતુ મને ખબર હતી કે હું એવા પદ પર છું જ્યાં મારે મારી ભાવનાઓથી ઉપર ઉઠવું પડશે. હું ખુદને કંટ્રોલ કરીને જે પણ કરી શકતો હતો તે મે કર્યું.' પીએમ મોદીએ પોડકાસ્ટ દરમિયાન કહ્યું કે 'મનુષ્યથી ભૂલ થઈ શકે છે, પરંતુ તે જાણી જોઈને થવું જોઈએ નહીં. તેમણે કહ્યું કે જ્યારે હું સીએમ બન્યો તો મારા એક  ભાષણમાં કહ્યું હતું કે હું મારા પ્રયત્નોમાં કોઈ કસર છોડીશ નહીં. બીજુ, હું મારા માટે કશું નહીં કરું, ત્રીજુ હું એક માણસ છું, મારાથી ભૂલો થઈ શકે છે પરંતુ હું જાણી જોઈને ભૂલો નહીં કરું. મે તેમને મારા જીવનનો મંત્ર બનાવી લીધો. ભૂલો થવી સ્વાભાવિક છે, આખરે હું પણ એક માણસ છું, ભગવાન નથી. પરંતુ જાણી જોઈને  ભૂલો નહીં કરું.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news