Video: પાકિસ્તાનમાં મંદિરમાં તોડફોડ મામલે ભારત આકરા પાણીએ, લીધુ આ પગલું, 24 કલાક બાદ ઈમરાન ખાને 'મૌન તોડ્યું'

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના રહીમ યાર ખાનમાં એક મંદિરમાં તોડફોડ કરવાના મામલે ભારતે કડક વલણ અપનાવ્યું છે.

Video: પાકિસ્તાનમાં મંદિરમાં તોડફોડ મામલે ભારત આકરા પાણીએ, લીધુ આ પગલું, 24 કલાક બાદ ઈમરાન ખાને 'મૌન તોડ્યું'

નવી દિલ્હી: પાકિસ્તાનના પંજાબ પ્રાંતના રહીમ યાર ખાનમાં એક મંદિરમાં તોડફોડ કરવાના મામલે ભારતે કડક વલણ અપનાવ્યું છે. ગુરુવારે પાકિસ્તાની ઉચ્ચાયોગ (Pakistani High Commission) ના પ્રભારીને તલબ કર્યા અને આ ઘટના સંદર્ભે કડક વિરોધ નોંધાવ્યો. 

ધાર્મિક સ્વતંત્રતા પર સતત હુમલાને લઈને ચિંતા
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ કહ્યું કે ભારતે પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયોની ધાર્મિક સ્વતંત્રતા પર સતત હુમલાને લઈને પોતાની ગંભીર ચિંતાઓથી પણ પાકિસ્તાની રાજનયિક (Pakistani Diplomat) ને માહિતગાર કર્યા. બાગચીએ મીડિયા બ્રિફિંગમાં કહ્યું કે અહીં પાકિસ્તાની ઉચ્ચાયોગના પ્રભારીને આજે બપોરે તલબ કરાયા અને પાકિસ્તાનમાં થયેલી આ નિંદનીય ઘટનાને લઈને તથા લઘુમતી સમુદાયોની ધાર્મિક સ્વતંત્રતા તથા તેમના ધાર્મિક સ્થળો પર સતત થઈ રહેલા હુમલા પર પોતાની ગંભીર ચિંતા વ્યક્ત કરતા આકરો વિરોધ નોંધાવ્યો. 

ઈમરાન ખાને કરી ટ્વીટ
આ બાજુ પ્રધાનમંત્રી ઈમરાન ખાને પણ આ અંગે ટ્વીટ કરી. તેમણે લખ્યું 'ભુંગમાં ગણેશ મંદિર પર થયેલા હુમલાની કડક નિંદા કરું છું. મે પહેલા જ પંજાબ આઈજી અને તમામ દોષિતોની ધરપકડ સુનિશ્ચિત કરવા તથા પોલીસની કોઈ પણ બેદરકારી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે કહ્યું છે. સરકાર મંદિરનો જીર્ણોદ્ધાર પણ કરશે.'

— Imran Khan (@ImranKhanPTI) August 5, 2021

શું છે મામલો
અત્રે જણાવવાનું કે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મુસ્લિમ સમુદાયના લોકોએ હિન્દુઓના એક મંદિર પર હુમલો કર્યો. ત્યારબાદ મંદિરના કેટલાક ભાગોમાં આગ લગાવી દીધી અને મૂર્તિઓને ખંડિત કરી. જ્યારે પોલીસ આ ભીડને રોકવા માટે અસમર્થ રહી તો હાલાતને કાબૂમાં કરવા માટે પાકિસ્તાની રેન્જર્સના જવાનોને બોલાવવામાં આવ્યા. લાહોર પોલીસના જણાવ્યાં મુજબ રહીમ યાર ખાન જિલ્લાના ભુંગ શહેરમાં ભીડે બુધવારે હિન્દુ મંદિર પર હુમલો કર્યો હતો. આ સ્થળ લાહોરથી લગભગ 590 કિમી દૂર છે અને જણાવ્યું છે કે કથિત રીતે એક મદરસાની બેઅદબીની ઘટના બાદ કેટલાક લોકોના ભડકાવવા પર ભીડે આ ઘટનાને અંજામ આપ્યો. 

પાકિસ્તાનના સાંસદે વીડિયો શેર કર્યો
એક અધિકારીએ જણાવ્યું કે ગત અઠવાડિયે આઠ વર્ષના હિન્દુ બાળકે વિસ્તારના મદરસાના પુસ્તકાલયમાં કથિત રીતે પેશાબ કર્યો હતો. ત્યારબાદ ભુંગમાં તણાવ ફેલાઈ ગયો. આ વિસ્તારમાં હિન્દુ અને મુસલમાન સમુદાયના લોકો દાયકાઓથી શાંતિપૂર્ણ રીતે રહેતા આવ્યા છે. પાકિસ્તાન તહરીક એ ઈન્સાફના સાંસદ ડો.રમેશ કુમાર વાંકવાનીએ બુધવારે મંદિર પર હુમલાનો એક વીડિયો ટ્વિટર પર શેર કર્યો અને કાયદા પ્રવર્તન એજન્સીઓને અપીલ કરી કે તેઓ 'આગજની અને તોડફોડ' રોકવા માટે જલદી ઘટનાસ્થળે પહોંચે. 

— Dr. Ramesh Vankwani (@RVankwani) August 4, 2021

હાલાત તણાવપૂર્ણ
તેમણે આ ઘટના સંદર્ભે અનેક ટ્વીટ કરી અને તેમાં કહ્યું કે રહીમ યાર ખાન જિલ્લાના ભુંગ શહેરમાં એક હિન્દુ મંદિર પર હુમલો. કાલે હાલાત ખુબ તણાવપૂર્ણ હતા. સ્થાનિક પોલીસની શરમજનક બેદરકારી, ચીફ જસ્ટિસને કાર્યવાહી કરવાની અપીલ કરું છું. રહીમ યાર ખાનના જિલ્લા પોલીસ અધિકારી (DPO) અસદ સરફરાઝના જણાવ્યાં મુજબ કાયદા પ્રવર્તન એજન્સીઓએ હાલાત કાબૂમાં કરવા માટે ભીડને વેર વિખેર કરી હતી. તેમણે કહ્યું કે રેન્જર્સને બોલાવવામાં આવ્યા અને હિન્દુ મંદિરની આજુબાજુ તૈનાત કરાયા. 

કોઈની ધરપકડ નહીં
ડીપીઓએ જણાવ્યું કે વિસ્તારમાં લગભગ 100 હિન્દુ પરિવારો રહે છે અને કોઈ પણ અપ્રિય સ્થિતિથી બચવા માટે પોલીસને તૈનાત કરાઈ છે. આ ઘટના સંદર્ભે હજુ કોઈ ધરપકડ થઈ નથી. તેમણે કહ્યું કે અમારી પહેલી પ્રાથમિકતા કાયદો વ્યવસ્થાને બહાલ કરવાની અને લઘુમતી સમુદાયને સુરક્ષા આપવાની છે. એક અન્ય પોલીસ અધિકારીએ કહ્યું કે મંદિરને ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત કરાયું છે. હુમલાખોરો પાસે ડંડા, પથ્થર અને ઈંટો હતી. ધાર્મિક નારા લગાવતી ભીડે મૂર્તિઓ તોડી અને મંદિરના એક હિસ્સાને બાળી મૂક્યો. 

બદલો લેવા કરાયું
પોલીસ અધિકારીએ જણાવ્યું કે પુસ્તકાલયને કથિત રીતે અપવિત્ર કરનારા આઠ વર્ષના બાળક વિરુદ્ધ ઈશનિંદાનો મામલો નોંધીને તેની ગત અઠવાડિયે ધરપકડ થઈ હતી. તે સગીર છે આથી તેને ત્યારબાદ જામીન પર છોડી મૂકાયો હતો. તેમણે જણાવ્યું કે બુધવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ભુંગના લોકોને આ ઘટનાનો બદલો લેવા માટે ઉક્સાવવામાં આવ્યા અને ત્યારબાદ મંદિરની બહાર ભીડ ભેગી થવાની શરૂ થઈ અને પછી હુમલો કરાયો. સરફરાઝે કહ્યું કે અમે મંદિર પર હુમલો કરનારા લોકોને ઉક્સાવનારા ઉપદ્રવીઓની ધરપકડ કરીશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news