રાજનીતિ છોડવાનું મન કરે છે કારણ કે... નાગપુરમાં એક કાર્યક્રમમાં બોલ્યા નીતિન ગડકરી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના આ નિવેદનની વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. થોડા દિવસ પહેલા તેમણે કોંગ્રેસને લઈને પણ એક નિવેદન આપ્યું હતું. ગડકરીએ કહ્યુ હતુ કે કોંગ્રેસે મજબૂત હોવું જોઈએ.
Trending Photos
નાગપુરઃ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી હંમેશા સ્પષ્ટ રીતે પોતાના વિચારો રજૂ કરવા માટે જાણીતા છે. હવે શનિવારે નાગપુરમાં નીતિન ગડકરીએ એક કાર્યક્રમ દરમિયાન આપેલું નિવેદન ચર્ચાનું વિષય બની ગયું છે. ગડકરીએ કહ્યુ કે ક્યારેક-ક્યારેક મન કરે છે કે રાજનીતિ છોડી દઉં. સમાજમાં બીજા પણ કામ છે જે રાજનીતિ વગર કરી શકાય છે.
ગડકરીએ કહ્યુ કે મહાત્મા ગાંધીના સમયની રાજનીતિ અને આજની રાજનીતિમાં ઘણો ફેરફાર થયો છે. બાપુના સમયે રાજનીતિ દેશ, સમાજ અને વિકાસ માટે થતી હતી, પરંતુ હવે રાજનીતિ માત્ર સત્તા માટે થાય છે. તેમણે કહ્યું કે આપણે સમજવુ પડશે કે રાજનીતિનો શું અર્થ છે. શું તે સમાજ, દેશના કલ્યાણ માટે છે કે સરકારમાં રહેવા માટે છે?
રાજનીતિનો મતલબ સમજવાની જરૂર
કાર્યક્રમમાં ગડકરીએ કહ્યુ કે રાજનીતિ ગાંધી યુગથી સામાજિક આંદોલનનો ભાગ રહી છે. તે સમયે રાજનીતિનો ઉપયોગ દેશના વિકાસ માટે થતો હતો. આજની રાજનીતિનું સ્તર જુઓ તો ચિંતા થાય છે. આજની રાજનીતિ સંપૂર્ણ રીતે સત્તા કેન્દ્રીત છે. મારૂ માનવું છે કે રાજનીતિ સામાજિક-આર્થિક સુધારનું એક સાચુ સાધન છે. તેથી નેતાઓએ સમાજમાં શિક્ષણ, કલા વગેરેના વિકાસ માટે કામ કરવું જોઈએ.
મને ફુલોના બુકે અને પોસ્ટરથી નફરત
ગડકરીએ દિવંગત સમાજવાદી રાજનેતા જોર્જ ફર્નાંડીસની સાદગીપૂર્ણ જીવન શૈલી માટે તેમની પ્રશંસા કરી હતી. ગડકરીએ કહ્યુ કે મેં તેમની સાથે ઘણું શીખ્યું કારણ કે તેમણે ક્યારેય સત્તાની ભૂખની ચિંતા ન કરી. તેમણે એવું પ્રેરણાદાયક જીવન જીવ્યું..... જ્યારે લોકો મારા માટે મોટા મોટા બુકે લઈને આવે છે કે મારા પોસ્ટર લગાવે છે તો મને તેનાથી નફરત છે.
કેન્દ્રીય મંત્રી ગડકરી નાગપુરમાં સામાજિક કાર્યકર્તા ગિરીશ ગાંધીને સન્માનિત કરવા માટે આયોજીત એક કાર્યક્રમમાં બોલી રહ્યાં હતા. પૂર્વ એમએલસી ગિરીશ ગાંધી પહેલા એનસીપી સાથે હતા, પરંતુ 2014માં તેમણે પાર્ટી છોડી દીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે