Modi Government: ઈકોનોમીથી લઈને મોંઘવારી-શિક્ષણ....9 વર્ષમાં શું ફેરફાર આવ્યા? ઐતિહાસિક નિર્ણયો વિશે પણ જાણો

9 years of Modi Government: મોદી સરકારના આ 9 વર્ષમાં કેટલા 'અચ્છે' દિન આવ્યા...તે આ વિગતો થકી ખાસ જાણો. આ ઉપરાંત તેમના 9 વર્ષના કાર્યકાળમાં કઈ સરકારી યોજનાઓથી લોકોને લાભ મળ્યો અને કઈ ઉપલબ્ધિઓએ તેમને લોકોના હ્રદયના સિંહાસન પર બિરાજમાન કર્યા તે પણ ખાસ જાણો. 

Modi Government: ઈકોનોમીથી લઈને મોંઘવારી-શિક્ષણ....9 વર્ષમાં શું ફેરફાર આવ્યા? ઐતિહાસિક નિર્ણયો વિશે પણ જાણો

9 years of Modi Government: 2014ની લોકસભા ચૂંટણીમાં અચ્છે દિનની આશાએ દેશની જનતાએ ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા. ભાજપે તે વર્ષે 282 બેઠકો જીતી, આવું પહેલીવાર બન્યું કે જ્યારે કોઈ બિન કોંગ્રેસી પાર્ટીએ સ્પષ્ટ બહુમત મેળવ્યું હતું. 26મી મે 2014ના રોજ નરેન્દ્ર મોદીએ પહેલીવાર પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા. પાંચ વર્ષ બાદ 2019માં જ્યારે ફરી લોકસભા ચૂંટણી આવી ત્યારે બધાને એવું લાગ્યું હતું કે ભાજપ હવે ફરીથી એ મેજિક કરી શકશે નહીં પરંતુ તેનાથી ઉલ્ટું થયું. ગત વખતે 17 કરોડથી વધુ લોકોએ ભાજપને મત આપ્યા જ્યારે 2019માં 23 કરોડથી વધુ લોકોએ ભાજપને મત આપ્યા અને ઝોળી ભરી દીધી. 2019માં ભાજપે 303 બેઠકો જીતી. નરેન્દ્ર મોદી ફરીથી પીએમ બન્યા. 

મોદી સરકારના આજે 9 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ નવ વર્ષમાં ઘણું બધુ બદલાઈ ગયું છે. દેશની જીડીપી બમણી થઈ ગઈ છે. સામાન્ય માણસની કમાણી પણ બમણી થઈ છે. પરંતુ મોંઘવારીની વાત કરીએ તો તે વધી છે. પેટ્રોલ ડીઝલથી લઈને લોટ-ચોખા સુદ્ધા ભાવ વધ્યા છે. મોદી સરકારના આ 9 વર્ષમાં કેટલા 'અચ્છે' દિન આવ્યા...તે આ વિગતો થકી ખાસ જાણો. આ ઉપરાંત તેમના 9 વર્ષના કાર્યકાળમાં કઈ સરકારી યોજનાઓથી લોકોને લાભ મળ્યો અને કઈ ઉપલબ્ધિઓએ તેમને લોકોના હ્રદયના સિંહાસન પર બિરાજમાન કર્યા તે પણ ખાસ જાણો. 

અર્થવ્યવસ્થા
પીએમ મોદી જ્યારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે ભારતની જીડીપી 112 લાખ કરોડ રૂપિયા હતી. આજે ભારતની જીડીપી 272 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. પીએમ મોદીએ 2025 સુધીમાં ભારતની જીડીપીને 5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવાનો ટાર્ગેટ રાખ્યો છે. જો કે હાલ સ્થિતિ જોતા આ ટાર્ગેટ સમયસર પૂરો થાય તે મુશ્કેલ જોવા મળી રહ્યું છે. 

- મોદી સરકારના કાર્યકાળમા લોકોની કમાણીમાં પણ વધારો થયો છે. મોદી સરકાર પહેલા સામાન્ય માણસની સરેરાશ વાર્ષિક કમાણી 80 હજાર રૂપિયાથી પણ ઓછી હતી. પરંતુ હવે 1.70 લાખ રૂપિયાથી વધુ છે. એ વાત અલગ છે કે ભારતમાં હજુ પણ 80 ટકા લોકો એવા છે જેમને સરકાર ગરીબ માને છે. 

- વિદેશી મુદ્રા ભંડાર વધ્યો
મોદી સરકારના રાજમાં વિદેશી મુદ્રા ભંડાર અઢી ગણો જેટલો વધ્યો છે. કારોબાર કરવા અને પોતાની મુદ્રાને મજબૂત બનાવી રાખવા માટે વિદેશી મુદ્રા ભંડાર જરૂરી હોય છે. હાલ દેશમાં લગભગ 50 લાખ કરોડ રૂપિયાથી વધુનો વિદેશી મુદ્રા ભંડાર છે. પીએમ મોદી મેક ઈન ઈન્ડિયાનો નારો લઈને આવ્યા હતા. જેનો હેતુ ભારતમાં બનેલી ચીજો દુનિયાને પહોંચતી કરવાનો હતો. જો કે ભારત હજુ પણ એક્સપોર્ટ કરતા વધુ ઈમ્પોર્ટ કરે છે. છેલ્લા 9 વર્ષમાં જો કે એક્સપોર્ટ લગભગ બમણું થયું છે. 2022-23માં ભારતે 36 લાખ કરોડ રૂપિયાથી વધુનો સામાન એક્સપોર્ટ કર્યો હતો. જ્યારે 2014માં 19.05 લાખ કરોડની નિકાસ થઈ હતી. જો કે આ દરમિયાન આયાત પણ વધી છે. 

- વિદેશી દેવું વધ્યું
મોદી સરકારમાં વિદેશી કરજ પણ વધ્યું છે. દર વર્ષે સરેરાશ 25 અબજ ડોલરનું વિદેશી કરજ ભારત પર વધ્યું છે. મોદી સરકાર અગાઉ દેશ પર લગભગ 409 અબજ  ડોલરનું વિદેશી કરજ હતું. જે હવે દોઢ ગણું જેટલું વધીને 613 જેટલું લગભગ થયું છે.  

નોકરી
સરકાર ગમે તે હોય, નોકરીઓ અંગે સરકારનો ટ્રેક રેકોર્ડ એટલો સારો રહેતો નથી. મોદી સરકારમાં બેરોજગારી દર પણ વધ્યો છે. બેરોજગારીના આંકડા પર નજર રાખતી ખાનગી સંસ્થા સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE) ના જણાવ્યાં મુજબ હાલ દેશમાં લગભગ 41 કરોડ લોકો પાસે રોજગાર ેચ. જ્યારે મોદી સરકાર પહેલા 43 કરોડ લોકો પાસે રોજગારી હતી. 

CMIE એ ગત વર્ષે એક રિપોર્ટ બહાર પાડ્યો હતો. જેમાં દાવો કરાયો હતો કે ભારતમાં હાલ 90 કરોડ લોકો નોકરી માટે યોગ્ય છે. જેમાંથી 45 કરોડ લોકોએ નોકરીની શોધ કરવાનું છોડી દીધુ. એટલે સુધી કે 2019ની ચૂંટણી બાદ સરકારના જ એક સર્વેમાં સામે આવ્યું હતું કે દેશમાં બેરોજગારી દર 6.1 ટકા છે. આ આંકડો 45 વર્ષમાં સૌથી વધુ હતો. સરકારી આંકડા મુજબ મોદી સરકાર આવ્યા પહેલા દેશમાં બેરોજગારી દર 3.4 ટકા હતો જે સમયાંતરે વધીને 8.1 ટકા થયો છે. 

શિક્ષણ
કોઈ પણ દેશના વિકાસ માટે શિક્ષણ જરૂરી હોય છે. મોદી સરકારાં શિક્ષણનું બજેટ તો વધ્યું છે પરંતુ વધુ નહીં. 9 વર્ષમાં શિક્ષણ પર ખર્ચો 30 હજાર કરોડ રૂપિયા જ વધ્યો છે. એટલું જ નહીં દેશમાં શાળાઓ પણ ઘટી છે. મોદી સરકાર આવ્યા પહેલા દેશમાં 15.18 લાખ શાળાઓ હતી. જે હવે ઘટીને 14.89 લાખ થઈ છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 મુજબ દેશમાં હાલ લગભગ 30 ટકા મહિલાઓ અને 15 ટકા પુરુષો અભણ છે. 10માથી 6 છોકરીઓ 10માં ધોરણથી વધુ ભણી શકતી નથી. 10માંથી 5 પુરુષો એવા છે જે 10માં ધોરણ બાદ અભ્યાસ છોડી રહ્યા છે. પ્રાથમિક શિક્ષણમાં ભારત ભલે હજુ પણ નબળું હોય પરંતુ હાયર એજ્યુકેશનમાં થોડો સુધારો ચોક્કસ થયો છે. યુનિવર્સિટીની સંખ્યા 1100થી વધુ થઈ છે. જે મોદી સરકાર પહેલા 723 હતી. 

આરોગ્ય
કોરોના કાળે સમજાવી દીધુ કે કોઈ પણ દેશ માટે મજબૂત આરોગ્ય માળખું કેટલું જરૂરી છે. મોદી સરકારમાં આરોગ્ય બજેટમાં લગભગ 140 ટકા જેટલો વધારો થયો છે. આ વર્ષે આરોગ્ય માટે સરકારે 89 હજાર કરોડ રૂપિયાથી વધારેનું બજેટ રાખ્યું છે. મોદી સરકારમાં ડોક્ટર્સની સંખ્યામાં 4 લાખથી વધુનો વધારો થયો છે. હાલમાં જ સરકારે સંસદમાં જણાવ્યું હતું કે દેશમાં 13લ ાખથી વધુ એલોપેથિક ડોક્ટર્સ છે. આ ઉપરાંત 5.65 લાખ આયુર્વેદિક ડોક્ટર્સ પણ છે. આ જોઈએ તો દર 834 લોકો પર એ ડોક્ટર છે. મોદી સરકારમાં મેડિકલ કોલેજ અને એમબીબીએસની સીટ બંનેની સંખ્યા વધી છે. હાલ દેશમાં 660 મેડિકલ કોલેજ છે. જેમાં એક લાખથી વધુ એમબીબીએસની બેઠકો છે. 

ખેતી-ખેડૂતો
મોદી સરકારમાં ખેડૂતોનું સૌથી મોટું આંદોલન થયું. આ આંદોલન એક વર્ષથી વધુ સમય સુધી ચાલ્યું. ખેડૂત આંદોલન બાદ મોદી સરકારે ત્રણ કૃષિ કાયદા પાછા પણ ખેંચ્યા હતા. ખેડૂતોનું એમએસપી અંગે પણ વિરોધ હતો. આંકડા મુજબ મોદી સરકારમાં  ઘઉ પર પ્રતિ ક્વિન્ટલ 775 રૂપિયા અને ચોખા પર પર 730 રૂપિયા MSP વધી છે. મોદી સરકારે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો ટાર્ગેટ રાખ્યો હતો. હજુ 2022ના આંકડા આવ્યા નથી. પરંતુ ગત વર્ષે લોકસભામાં એગ્રીકલ્ચર પર બનેલી સંસદીય સમિતિએ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. રિપોર્ટમાં જણાવ્યું હતું કે 2018-19માં ખેડૂતોની માસિક આવક 10,248 રૂપિયા છે. જ્યારે આ અગાઉ ખેડૂતોની આવક અને ખર્ચ પર 2012-13માં સર્વે થયો હતો. આ સર્વેમાં સામે આવ્યું હતું કે ખેડૂતોની માસિક આવક 6426 રૂપિયા છે. 

મોંઘવારી
મોંઘવારી પર મોદી સરકારનું રિપોર્ટ કાર્ડ જોઈએ તો 'બહુત હુઈ મહેંઘાઈ કી માર, અબ કી બાર મોદી સરકાર' 2014 લોકસભા ચૂંટણી સમયે ભાજપનો આ નારો હતો. પરંતુ મોદી સરકારમાં મોંઘવારી ખુબ વધી છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં તો જાણે આગ લાગી છે. 9 વર્ષમાં પેટ્રોલના ભાવાં 24 રૂપિયા અને ડીઝલના  ભાવમાં 34 રૂપિયા પ્રતિ લીટર વધારો  થયો છે. પેટ્રોલ ડીઝલ ઉપરાંત ગેસ સિલિન્ડરના ભાવ પણ ઝડપથી વધ્યા છે. મોદી સરકાર પહેલા સબસિડીવાળો સિલિન્ડર 414 રૂપિયામાં મળતો હતો પરંતુ હવે સિલિન્ડર પર નામ માત્ર સબસિડી મળે છે. હાલ રાંધણ ગેસ સિલિન્ડરનો ભાવ 1100 રૂપિયા સુધી પહોંચી ગયો છે. એટલું જ નહીં 9 વર્ષમાં એક કિલો લોટનો ભાવ 52 ટકા, એક કિલો ચોખાનો ભાવ 43 ટકા, એક લિટર દૂધનો ભાવ 56 ટકા અને એક કિલો મીઠાનો ભાવ 53 ટકા જેટલો વધ્યો છે. 

સૌથી મોટો પડકાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે સૌથી મોટો પડકાર દેશની અર્થવ્યવસ્થાને પાટા પર જાળવી રાખવાનો છે. પહેલા કોરોના મહામારી અને ત્યારબાદ રશિયા-યુક્રેન યુદ્ધથી દુનિયાભરમાં આર્થિક મંદીની આશંકા વધી છે. મોટી મોટી અર્થવ્યવસ્થા ડગમગાવા લાગી છે. અમેરિકા ડિફોલ્ટ થવાના કગારે છે. દુનિયાભરમાં મોંઘવારી વધી રહી છે. પેટ્રોલ ડીઝલના ભાવ આકાશે આંબી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હવે આ બધા પડકારોને પાર પાડવાના છે. 

 

મોદી સરકારના 9 વર્ષના કાર્યકાળના ઐતિહાસિક નિર્ણયો...

આ 9 વર્ષમાં પીએમ મોદીએ અનેક એવા નિર્ણયો લીધા જેણે દરેકને ચોંકાવી દીધા. આ નિર્ણયો વિશે ખાસ જાણો. 

1. કલમ 370 હટાવી
મોદી સરકારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને બધાને ચોંકાવી દીધા હતા. મોદી સરકારની આ સૌથી મોટી ઉપલબ્ધિઓમાંથી એક છે. 5 ઓગસ્ટ 2019ના રોજ બંધારણની કલમ 370ની મોટાભાગની જોગવાઈઓને સમાપ્ત કરી દેવાઈ હતી જ જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી હતી. આ સાથે જ જમ્મુ અને કાશ્મીરમાં દેશના એ તમામ કાયદા પણ લાગૂ થઈ ગયા જે 70 વર્ષ સુધી લાગૂ કરી શકાયા નહતા. ત્યાંના લોકોને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ પણ મળવા લાગ્યો. 

2. ત્રિપલ તલાક
30 જુલાઈ 2019ના રોજ સરકારે ત્રિપલ તલાકનું બિલ પાસ કર્યું હતું ત્યારબાદ ત્રિપલ તલાક આપવું એ ગુનાની શ્રેણીમાં આવી ગયું. 

3. બાલાકોટ એરસ્ટ્રાઈક
14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. આતંકીઓની આ નાપાક હરકતના બે અઠવાડિયા બાદ 26 ફેબ્રુઆરી 2019ના રોજ ભારતે બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરીને જૈશ એ મોહમ્મદના આતંકીઓને માર્યા હતા. 

4. GST લાગૂ કરવાનો નિર્ણય
પીએમ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે 1 જુલાઈ 2017થી સમગ્ર દેશમાં જીએસટી લાગૂ કર્યો હતો. તેનો હેતુ દેશમાં એક દેશ, એક ટેક્સ સિસ્ટમ લાગૂ કરવાનો હતો. જીએસટી લાગૂ થવાથી સર્વિસ ટેક્સ, વેટ અને અન્ય કેટલાય ટેક્સ સમાપ્ત થઈ ગયા. 

5. નોટબંધી
2016માં મોદી સરકારે 500 અને 1000 રૂપિયાની નોટને ચલણમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો. 8 નવેમ્બર 2016ના રોજ સરકારે આ મોટો નિર્ણય લીધો હતો. સરકારના આ નિર્ણયથી બ્લેક મની પર મોટો પ્રહાર થયો હતો. 

6. નાગરિકતા સંશોધન બિલ
11 ડિસેમ્બર 2019ના રોજ લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ થયું. જે હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ, અને અફઘાનિસ્તાનથી ધાર્મિક ઉત્પીડનથી ભાગતા હિન્દુ, ઈસાઈ, બૌદ્ધ, શીખ અને પારસી શરણાર્થીઓને દેશની નાગરિકતા આપવામાં આવશે. 12 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બિલ પર હસ્તાક્ષર કર્યા હતા. 

7. 2000 રૂપિયાની નોટ બેન
મોદી સરકારે પોતાના બીજા કાર્યકાલમાં મે 2023માં 2 હજાર રૂપિયાની નોટને બેન કરવાનો નિર્ણય લીધો. સરકારે 2016માં 1000 રૂપિયાની જગ્યાએ 2000 રૂપિયાનો નોટ લાવવાનો નિર્ણય લીધો હતો. 

આ 11 યોજનાઓ દેશ માટે રહી બેમિસાલ
પોતાના નવ વર્ષના કાર્યકાળમાં પીએમ મોદીએ દેશમાં ઘણી યોજનાઓ શરૂ કરી. ચાલો અમે તમને અહીં તે 11 યોજનાઓ જણાવીએ, જે લોકો માટે ખૂબ જ ઉપયોગી હતી. જો તમે અત્યાર સુધી તેનો લાભ લીધો નથી, તો હવે યાદી જુઓ અને જાણો ફાયદા....

1. જન ધન યોજના
આ યોજના હેઠળ ભારતીય નાગરિકો ઝીરો રૂપિયાથી ખાતું ખોલાવી શકે છે. ચેકબુક, પાસબુક, અકસ્માત વીમો ઉપરાંત સામાન્ય માણસને ખાતા પર ઓવરડ્રાફ્ટની સુવિધા પણ મળે છે. ઓવરડ્રાફ્ટ સુવિધા હેઠળ, જનધન ખાતા ધારક ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તેના ખાતામાંથી 10,000 રૂપિયા સુધી ઉપાડી શકે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય દરેક વ્યક્તિને બેંકિંગ સિસ્ટમમાં જોડવાનો છે.

2. પીએમ કિસાન સન્માન નિધિ યોજના
દેશના ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવા માટે સરકાર PM કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દેશના નાના ખેડૂતોને વર્ષમાં 6,000 રૂપિયાની સહાય આપે છે. આ માટે ખેડૂતોને બે હજારના હપ્તામાં નાણાં મળે છે. આમાં, જમીન, આવકના સ્ત્રોત અને કેટલાક અન્ય પરિમાણોને ધ્યાનમાં લઈને યોગ્યતા નક્કી કરવામાં આવે છે.

3. પીએમ ગરીબ કલ્યાણ યોજના
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને મોદી સરકારે માર્ચ 2020માં શરૂ કરી હતી. મહામારીને કારણે લોકડાઉન દરમિયાન આ સ્કીમને શરૂ કરી 80 કરોડ લોકોને ફ્રી રાશન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. સરકાર આ યોજનાને અનેકવાર લંબાવી ચુકી છે. હાલ આ યોજનાનો લાભ ડિસેમ્બર 2023 સુધી લઈ શકાય છે. 

4. ઉજ્જવલા યોજના
પીએમ મોદીએ દેશની મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવવાના ઉદ્દેશ્ય સાથે મે 2016માં ઉજ્જવલા યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ એક વર્ષમાં 12 ગેસ સિલિન્ડરનું વિતરણ કરવામાં આવે છે. દરેક સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડીનો લાભ મળે છે. સબસિડી લાયક લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે. એકંદરે, એક વર્ષમાં 2400 રૂપિયા સુધીની સબસિડીનો લાભ લઈ શકાય છે. 1લી માર્ચ 2023ના રોજ PMUYમાં 9.59 કરોડ લાભાર્થીઓ છે

5. આયુષ્યમાન ભારત યોજના
આયુષ્માન ભારત યોજના દેશમાં રહેતા તમામ નાગરિકોના સ્વાસ્થ્યની કાળજી લેવાના હેતુથી સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજનામાં 5 લાખ સુધીની મફત સારવારની સુવિધા ઉપલબ્ધ છે. દવાઓ, તબીબી ખર્ચ વગેરેનો ખર્ચ સરકાર ચૂકવે છે. આયુષ્માન કાર્ડ આ યોજનાના પાત્ર લોકો માટે બનાવવામાં આવ્યું છે. આ પછી કાર્ડધારક પોતાની પસંદગીની હોસ્પિટલોમાં મફતમાં સારવાર કરાવી શકશે.

6. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY)
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના. આ યોજના વીમાધારકના મૃત્યુના કિસ્સામાં તેના પરિવારને 2 લાખ સુધીની નાણાકીય સહાય પૂરી પાડે છે. તમે વાર્ષિક માત્ર 436 રૂપિયા ચૂકવીને આ સ્કીમનો લાભ લઈ શકો છો. આ પોલિસી ખરીદવા માટે, તમારી ન્યૂનતમ ઉંમર 18 વર્ષ છે, જ્યારે મહત્તમ ઉંમર 55 વર્ષ નક્કી કરવામાં આવી છે.

7. પીએમ સુરક્ષા વીમા યોજના(PMSBY)
ભારતની મોટી વસ્તીને સુરક્ષિત કરવાના ઉદ્દેશ્ય સાથે વર્ષ 2015માં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરવામાં આવી હતી. અગાઉ તેનું વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયા હતું, જે 1 જૂન, 2022થી વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યું હતું. આ પ્લાનમાં તમને 2 લાખ રૂપિયાનું સુરક્ષા કવચ મળે છે. જો તમારી ઉંમર 18 થી 70 વર્ષની વચ્ચે છે, તો તમે આ સુરક્ષા વીમા યોજના ખરીદી શકો છો જે એક વર્ષમાં માત્ર 20 રૂપિયા ચૂકવીને 2 લાખ સુધીનું કવરેજ આપે છે.

8. અટલ પેન્શન યોજના (APY)
અટલ પેન્શન યોજના ભારત સરકાર તરફથી ચલાવવામાં આવી રહેલી પેન્શન સ્કીમ છે. આ સ્કીમમાં 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધીની ઉંમર સુધી રોકાણ કરવાનું હોય છે. આ સ્કીમ દ્વારા 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 5000 રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકાય છે. પેન્શનની રકમ તમારા રોકાણ પર નિર્ભર કરે છે. આ સિવાય માત્ર તે લોકો આ સ્કીમનો લાભ ઉઠાવી શકે છે, જે ટેક્સપેયર નથી. 

9. પીએમ આવાસ યોજના
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જરૂરિયાતમંદોને ઘર બનાવવા માટે લોન પર સબસિડી આપવામાં આવે છે. આ માટે લોકોએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ, 3 લાખથી ઓછી આવક ધરાવનાર કોઈપણ વ્યક્તિ, જેની પાસે કોઈ ઘર નથી, તે તેનો લાભ લઈ શકે છે. આ યોજનામાં સરકાર દ્વારા 2.50 લાખની સહાય આપવામાં આવે છે.

10. સેન્ટ્રલ વિસ્ટા Central Vista (સંસદ)
પ્રધાનમંત્રીએ દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટાની શરૂઆત કરી છે. આ પ્રોજેક્ટમાં બહુવિધ બાંધકામ અને પુનઃવિકાસના કાર્યોનો સમાવેશ થાય છે. આ યોજના હેઠળ નવી સંસદનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે.

11. મેક ઈન ઈન્ડિયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 25 સપ્ટેમ્બર, 2014ના રોજ મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમની શરૂઆત કરી હતી. જેનો ઉદ્દેશ્ય દેશમાં ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો અને રોજગારીની તકો ઊભી કરવાનો છે. મેક ઇન ઇન્ડિયા એક પ્રકારનું સ્વદેશી અભિયાન છે, જેમાં અર્થતંત્રના તમામ ક્ષેત્રોને સામેલ કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news